પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આઈસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ ‘પ્રગતિ’ મારફતે સક્રિય વહીવટ અને યોજનાઓના સમયસર અમલીકરણ માટે 27મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ અગાઉ 26 પ્રગતિ બેઠકો યોજાઈ ગઈ છે. તેમાં કુલ 11 લાખ કરોડ રૂપિયાથી વધારેનાં રોકાણની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી છે. તમામ ક્ષેત્રોમાં જાહેર ફરિયાદોનાં સમાધાનની સમીક્ષા કરવામાં આવી છે.
આજે પ્રગતિ મારફતે 27મી બેઠક યોજાઈ હતી. તેમાં પ્રધાનમંત્રીએ રેલવે માર્ગ, રોડ અને ઊર્જા ક્ષેત્રની આઠ માળખાગત યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ યોજનાઓ ઘણાં રાજ્યોમાં ચાલી રહી છે, જેમાં બિહાર, ઝારખંડ, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે.
પ્રધાનમંત્રીએ વર્તમાન જિલ્લા/રેફરલ હોસ્પિટલો સાથે સંબંધિત નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે યોજના લાગુ કરવામાં પ્રગતિની સમીક્ષા કરી હતી. કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઘણી નવી પહેલો પર ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્યનાં માળખાગત ક્ષેત્રમાં ઝડપથી સુવિધાઓનો વિકાસ કરવા માટે અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 14 એપ્રિલથી 5 મે, 2018 સુધી આયોજિત ગ્રામ સ્વરાજ અભિયાનનાં પ્રથમ તબક્કામાં 16,000થી વધારે ગામડાંઓમાં કેન્દ્ર સરકારની સાત મહત્ત્વપૂર્ણ યોજનાઓ લાગુ કરવામાં મોટી સફળતા મળી છે. તેમણે કહ્યું હતું કે, ગ્રામ સ્વરાજ અભિયાનનું બીજું ચરણ તમામ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓનાં 40,000થી વધારે ગામડાઓમાં ચાલી રહી છે. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારનાં તમામ અધિકારીઓને આ સંદર્ભમાં 15 ઓગસ્ટ સુધી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ કટિબદ્ધતા સાથે કામ કરવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ સૌભાગ્ય યોજના અંતર્ગત અત્યાર સુધી થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, નિયત સમય સુધી ચાર કરોડ પરિવારોને વીજળીનું જોડાણ ઉપલબ્ધ કરાવવાનાં લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.