પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિના માધ્યમથી થતી 25મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. સક્રિય અને વધુ સારા શાસન તેમજ સમયબદ્ધ પ્રક્રિયાઓ માટે આઈસીટી આધારિત ‘પ્રગતિ’ એ એક બહુઆયામી મંચ છે.
25મી પ્રગતિ બેઠકોમાં કુલ 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતી 227 પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. લોક ફરિયાદના નિવારણ માટે પણ સમીક્ષા કરવામાં આવી છે.
25 પ્રગતિ બેઠકો પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીએ તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે પ્રગતિની કાર્ય પદ્ધતિથી કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે પારસ્પરિક સહયોગ અને સમન્વય વધુ સારો બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રગતિની પહેલ એ આપણા સમવાયી વ્યવસ્થાતંત્ર માટે એક મહત્વપૂર્ણ હકારાત્મક શક્તિ છે. અટવાયેલી પરિયોજનાઓની સમીક્ષા સિવાય આ મંચે સામાજિક ક્ષેત્રની યોજનાઓને વધુ સારી બનાવવા માટે પણ સહાયતા પૂરી પાડી છે.
આજે (એપ્રિલ 25, 2018) 25મી બેઠકમાં પ્રધાનમંત્રીએ પૂર્વ સૈન્ય કર્મીઓના કલ્યાણ સાથે સંબંધિત ફરિયાદો અને તેના સમાધાનમાં થયલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ફરિયાદોના સમાધાન માટેની ગતિને ઝડપી બનાવવા પર ભાર મુક્યો જેથી કરીને ઓછામાં ઓછા સમયમાં પૂર્વ સૈનિકોની સમસ્યાઓનું હકારાત્મક સ્વરૂપે સમાધાન કરી શકાય.
પ્રધાનમંત્રીએ રેલવે, માર્ગ, પેટ્રોલીયમ, ઊર્જા, કોલસો, શહેરી વિકાસ અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણને લગતી 10 માળખાગત બાંધકામની સુવિધાઓને લગતી પરિયોજનાઓની સમીક્ષા કરી. આ પરિયોજનાઓ હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને ઝારખંડમાં ચાલી રહી છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ અને ફેલોશીપ કાર્યક્રમની પણ સમીક્ષા કરી હતી.