પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશમાં ગંતુરની મુલાકાત લીધી હતી અને ત્રણ મોટી પરિયોજનાઓનું અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ શ્રી ઈ. એસ. એલ. નરસિમ્હન તથા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી સુરેશ પ્રભુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશની ઊર્જા સુરક્ષાને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ આજે ઇન્ડિયન સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (આઈએસપીઆરએલ)ના 1.33 એમએમટી વિશાખાપટ્ટનમ સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રિઝર્વ (એસપીઆર) સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1125 કરોડ રૂપિયા છે. આ દેશનો સૌથી વિશાળ ભૂગર્ભ સંગ્રહ એકમ છે.
તેમણે ક્રિશ્નાપટ્ટનમ ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ના કોસ્ટલ ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટની સ્થાપના માટે શિલાન્યાસ પણ કર્યો. 100 એકરથી વધુની ભૂમિમાં પથરાયેલા આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 580 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ 2020થી શરુ કરવામાં આવશે. સંપૂર્ણ પણે સ્વયંસંચાલિત અને સ્ટેટ ઑફ ધ આર્ટ કોસ્ટલ ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ માટે પેટ્રોલિયમ પેદાશોની સુરક્ષાની ખાતરી આપશે.
ગેસ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશમાં કૃષ્ણ ગોદાવરી (કેજી) ઑફશોર બેસિનમાં આવેલ ઓએનજીસીના એસ-1 વસિષ્ઠ વિકાસ પરિયોજના પણ દેશને સમર્પિત કરી. આ પ્રોજેક્ટની કિંમત આશરે 5700 કરોડ રૂપિયા છે. આ પરિયોજના 2020 સુધીમાં તેલની આયાતને 10 ટકા સુધી ઘટાડી દેવાના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે.