પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ગાંધી સ્મૃતિની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રીએ ખ્યાતનામ પદ્મ ભૂષણ શ્રી રામ સુથાર દ્વારા તૈયાર કરવામાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ જર્મન ચાન્સેલરનું અભિવાદન કર્યું હતું.
આ સ્થળના મહત્વ વિષે જણાવતા પ્રધાનમંત્રીએ ડૉ. મર્કેલને માહિતી આપી કે આ સ્મૃતિ એ જગ્યા પર સ્થિત છે જ્યાં મહાત્મા ગાંધીએ તેમના જીવનના છેલ્લા કેટલાક મહિનાઓ વિતાવ્યા હતા અને ત્યાર બાદ 30 જાન્યુઆરી 1948ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.
વિશ્વ નેતાઓએ ત્યારબાદ સંગ્રહાલયની મુલાકાત લીધી અને પ્રખ્યાત કલાકાર શ્રી ઉપેન્દ્ર મહારથી અને શાંતિ નિકેતનના શ્રી નંદલાલ બોઝના શિષ્ય તથા ઇન્ડો હંગેરિયન ચિત્રકાર એલિઝાબેથ બ્રૂનર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્કેચ અને ચિત્રો નિહાળ્યા હતા. તેઓએ શ્રી બિરાદ રાજારામ યાજ્ઞિક દ્વારા તૈયાર કરવામાં આવેલ અહિંસા અને સત્યાગ્રહની થીમ પર આધારિત ડિજિટલ ગેલેરી પણ નિહાળી હતી.
નેતાઓએ ત્યારબાદ સંગ્રહાલયમાં જુદા-જુદા ડિજિટલ ઇન્સ્ટોલેશનની મૂલાકાત લીધી. તેમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા મહાત્મા ગાંધીને અપાયેલ ઓડિયો પ્રશંસાપત્રનો અને 107 દેશોમાં ગવાયેલ ‘વૈષ્ણવજન તો..’ ગીતના અનુવાદને દર્શાવતા સંવાદાત્મક કિઓસ્કનો પણ સમાવેશ થાય છે.
ત્યાર બાદપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલે શહીદ સ્તંભ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી.