તમામને મારી સપ્રેમ શુભેચ્છા,
આ પવિત્ર કાર્યક્રમમાં અહીં તમારી વચ્ચે હોવું મારા માટે સન્માનની વાત છે.
એ પણ મહા-શિવરાત્રિના પવિત્ર પ્રસંગે.
આપણા દેશમાં અનેક તહેવારો આવે છે, પણ આ તહેવારની આગળ “મહા” વિશેષણ લાગે છે.
ખરેખર આપણી સંસ્કૃતિમાં અનેક દેવ છે, પણ મહા-દેવ તો એક જ છે.
આપણી પાસે અનેક મંત્રો છે, પણ ભગવાન શિવની ઓળખ સમાન મંત્રને મહા-મૃત્યુંજય મંત્ર કહેવામાં આવે છે.
આ જ ભગવાન શિવનો મહિમા છે.
મહા-શિવરાત્રિ અંધકારમાંથી તમસ અને અન્યાયમાંથી ન્યાયના ઉદ્દેશ સાથે દૈવી એકતાનું પ્રતિક છે.
તે આપણને ભલાઈ માટે લડવા અને સાહસ કેળવવા પ્રેરિત કરે છે.
તે ઋતુના પરિવર્તનનો સંકેત છે, ઠંડીમાંથી ખુશનુમા વસંત અને ઉજાસને સૂચવે છે.
મહા-શિવરાત્રિની ઉજવણી આખી રાત ચાલે છે. તે આપણને પર્યાવરણનું રક્ષણ કરવું પડશે અને આપણી આસપાસની પરિસ્થિતિઓ સાથે તાલમેલ સ્થાપિત થાય તેવી રીતે પ્રવૃત્તિઓ કરવી પડશે તેવી જાગૃતિ લાવવાનો સંકેત આપે છે.
મારું વતન સોમનાથની ભૂમિ છે. લોકોની ચાહના અને સેવા કરવાની ભાવના મને ભગવાન વિશ્વનાથની ભૂમિ કાશી ખેંચી લાવી હતી.
સોમનાથથી વિશ્વનાથ, કેદારનાથથી રામેશ્વરમ અને કાશીથી કોઇમ્બતૂર, આજે પણ જ્યાં એકત્ર થયા છીએ, ભગવાન શિવનો વાસ દરેક સ્થાનમાં છે.
સમગ્ર દેશમાં કરોડો ભારતીયોની જેમ મને પણ મહા-શિવરાત્રિની ઉજવણીમાં સામેલ થવાની ખુશી છે.
અને આપણે તો દરિયાની બુંદ છીએ.
સદીઓથી દરેક યુગ અને સમયમાં અનેક શ્રધ્ધાળુઓ વસે છે.
તેઓ જુદા જુદા સ્થાનમાંથી આવ્યા હતા.
તેમની ભાષા જુદી જુદી હોઈ શકે છે, પણ દૈવી કે પવિત્રતા માટેની ઝંખના હંમેશા એકસરખી રહી છે.
દરેક મનુષ્યના હૃદયમાં આ ઝંખના ધબકતી હોય છે. તેમની કવિતા, તેમના સંગીત, તેમના પ્રેમથી આ પુણ્ય, પાવન ધરતી તરબોળ છે.
આદિયોગીની આ 112-ફૂટ ઊંચા ચહેરાની પ્રતિમા અને યોગેશ્વર લિંગ સમક્ષ ઊભા રહીને આપણે આ જગ્યામાં દરેકને આવરી લેતી વિશાળ હાજરીને અનુભવી રહ્યા છીએ..
આપણે આજે જ્યાં એકત્ર થયા છે એ સ્થાન ભવિષ્યમાં તમામ માટે પ્રેરણાતીર્થ બની જશે, એકત્વની આરાધના કરવાનું કેન્દ્ર બની જશે અને સત્યની ભાળ મેળવવાનું પવિત્ર સ્થાન બની જશે.
ये स्थान सबको शिवमय होने के लिए प्रेरित करता रहेगा। આ સ્થાન દરેકને શિવમય થવા માટે પ્રેરિત કરતું રહેશે.
અત્યારે યોગે લાંબી મજલ કાપી છે.
યોગને જુદી જુદી રીતે પરિભાષિત કરવામાં આવે છે, યોગની અનેક શાખાઓ છે, જેમાં યોગ કરવાની અલગ-અલગ પદ્ધતિ વિકસી છે.
યોગની આ જ સુંદરતા છે – તે પ્રાચીન હોવા છતાં અર્વાચીન છે, તે સ્થિર હોવા છતાં પરિવર્તનશીલ છે.
પણ યોગનું હાર્દ બદલાયું નથી.
અને હું આ કહું છું કારણ કે આ હાર્દનું જતન કરવું સૌથી વધુ મહત્વપૂર્ણ છે.
નહીં તો, આપણે આત્માનું પુનઃસંશોધન કરવા નવા યોગ અને યોગના હાર્દની શોધ કરી શકીએ.
યોગ જીવથી શિવ તરફ પ્રયાણ કરવા માટેનું પ્રેરકબળ છે.
हमारे यहां कहा गया है – यत्र जीव: तत्र शिव:
जीव से शिव की यात्रा, यही तो योग है।
(આપણે ત્યાં કહેવાય છે કે – યત્ર જીવઃ તત્ર શિવઃ
જીવથી શિવની યાત્રા – આ જ યોગ છે.)
યોગની સાધના કરીને એકત્વ કેળવી શકાય છે – મન, તન અને બુદ્ધિ સાથેનું એકતત્વ.
આપણે જે સમાજમાં રહીએ છીએ, આપણે જે કુટુંબમાં રહીએ છીએ, આપણે જે માનવ સમુદાયમાં સાથે રહી છીએ, જે પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો સાથે રહીએ છીએ, જેમની સાથે આપણા સુંદર ગ્રહમાં અસ્તિત્વ ધરાવીએ છીએ….તેની સાથેનું એકત્વ….આ એકત્વ જ યોગ છે.
યોગ ‘વ્યક્તિ’માંથી ‘સમષ્ટિ’ની સફર છે, મમત્વમાંથી વૈશ્વિકતાની ભાવના જન્માવે છે.
व्यक्ति से समस्ती तक ये यात्रा है। मैं से हम तक की यह अनुभूति, अहम से वयम तक का यह भाव-विस्तार, यही तो योग है।
(વ્યક્તિથી સમષ્ટિની આ સફર છે. મારાપણામાંથી આપણા સુધી આ અનુભિત, અહમથી વયમ સુધીનો આ ભાવ-વિસ્તાર, આ જ તો યોગ છે.)
ભારત વિશિષ્ટ વિવિધતાની ભૂમિ છે. ભારતની વિવિધતા જોઈ, સાંભળી, અનુભવી, સ્પર્શી શકાય છે અને તેનો સ્વાદ માણી શકાય છે.
આ વિવિધતા ભારતની સૌથી મોટી તાકાત છે અને તેણે જ ભારતને એક તાંતણે બાંધ્યું છે.
ભગવાન શિવ અને તેમના ચિત્રનો વિચાર કરો તો તમારા મનમાં સૌપ્રથમ વિચાર હિમાલયનું ઉત્તુંગશિખર કૈલાશ પર્વતનું સ્મરણ થાય છે. પાવર્તી માતાનો વિચાર કરો અને તમને સુંદર કન્યાકુમારી યાદ આવે, જેની આસપાસ વિશાળ દરિયો હિલોળા લે છે. શિવ અને પાર્વતીનો સમન્વય એ હિમાલયનું મહાસાગર સાથેનું મિલન છે.
શિવ અને પાર્વતી…એકત્વનો સુંદર સંદેશ છે.
અને આ એકત્વનો સંદેશ કેવી રીતે વ્યક્ત થયો છે.
ભગવાન શિવના કંઠની ફરતે સર્પરાજ બિરાજમાન છે. ભગવાન ગણેશજીનું ‘વાહન’ ઉંદર છે. આપણે સર્પ અને ઉંદર વચ્ચેના સંબંધોથી વાકેફ છીએ. છતાં તેઓ એકસાથે રહે છે.
તે જ રીતે કાર્તિકેયનું ‘વાહન’ મોર છે. મોર અને સર્પ વચ્ચેની દુશ્મની જાણીતી છે. તેઓ પણ એકબીજાની સાથે જીવે છે.
ભગવાન શંકરનો પરિવાર વિવિધતાસભર હોવા છતાં સંવાદિતા અને એકતાથી જીવંત છે.
વિવિધતા આપણા માટે વિવાદ કે સંઘર્ષનું કારણ નથી. આપણે તેને સ્વીકારી છે અને ખરા હૃદયથી આત્મસાત કરી છે.
આપણી સંસ્કૃતિની એક ખાસિયત છે કે જ્યાં ઈશ્વર કે દેવી હોય, ત્યાં તેમની સાથે કોઈ પ્રાણી, પશુ કે વૃક્ષ જોડાયેલું હોય છે.
આપણે દેવી-દેવતા જેટલા પૂજ્યભાવથી જ પ્રાણી, પક્ષી કે વૃક્ષનું પૂજન કરીએ છીએ. પ્રકૃતિ માટે પૂજ્યભાવ કેળવવાનો આનાથી વિશેષ માર્ગ અન્ય કોઈ ન હોઈ શકે. પ્રકૃતિ પરમેશ્વર સમાન છે અને આ વાત આપણા પૂર્વજોની દીર્ઘદ્રષ્ટિ સૂચવે છે.
આપણા ધર્મંગ્રંથો કહે છેઃ एकमसत, विप्रा: बहुधा वदन्ति
સત્ય એક છે, ઋષિમુનિઓ તેને જુદા જુદા નામ આપે છે.
આપણને આ સંસ્કાર બાળપણથી જ મળે છે અને એટલે જ કરુણા, ઉદારતા, ભાઈચારો અને સંવાદિતા આપણી સ્વાભાવિકતા છે.
આ મૂલ્યો છે, જેનું આપણા પૂર્વજોએ જતન કર્યું હતું અને તેના માટે બલિદાન આપ્યા હતા.
આ સંસ્કારોએ જ ભારતીય સંસ્કૃતિને સદીઓથી જીવંત રાખી છે.
આપણું મન હંમેશા તમામ દિશાઓમાંથી નવા વિચારો અને આદર્શો ગ્રહણ કરવા તૈયાર હોવું જોઈએ. કમનસીબે કેટલાંક લોકો અતિ રૂઢિચુસ્ત અને સંકુચિત અભિપ્રાય અપનાવે છે તથા નવા વિચારો અને અનુભવોને આવકારવાની તક જ ઊભી થવા દેતા નથી.
કોઈ વિચાર પ્રાચીન હોવાથી જ તેનો અસ્વીકાર કરવાની માનસિકતા નુકસાનકારક છે. હકીકતનું તેનું વિશ્લેષણ કરવું, તેને સમજવો અને નવી પેઢી તેને સમજે એ રીતે તેમની સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવો આવશ્યક છે.
મહિલાઓનો ઉદ્ધાર કર્યા વિના માનવજાતિની પ્રગતિ અધૂરી છે. મહિલાના વિકાસનો મુદ્દો હવે લાંબો સમય નહીં રહે, પણ હવે મુદ્દો મહિલા-સંચાલિત વિકાસનો છે.
આપણી સંસ્કૃતિમાં અનેક દેવીઓનું મહિમામંડન કરવામાં આવ્યું છે. તેમની પૂજાઅર્ચના થાય છે.
ભારત અનેક મહિલા સંતોની ભૂમિ છે, જેમણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ એમ ચારે દિશામાં સામાજિક સુધારા માટે આંદોલન કર્યું હતું.
તેમણે એકવિધતા તોડી હતી, અવરોધો દૂર કર્યાં હતા અને નવો ચીલો ચાતર્યો હતો.
તમને એ જાણવામાં રસ પડશે કે ભારતમાં આપણે કહીએ છીએ – नारी तू नारायणी, नारी तू नारायणी – એટલે નારી પૂજનીય છે. મહિલા માતૃસ્વરૂપ છે.
પણ પુરુષ માટે શું કહીએ છીએ – नर तू करनी करे तो नारायण हो जाए
એટલે કે જો નર સારા કાર્યો કરીશ, તો નારાયણ થઈ જઈશ.
તમે ફરક જુઓ – મહિલાઓને કોઈ શરત વિના દેવી માનવામાં આવે છે नारी तू नारायणी જ્યારે પુરુષે નારાયણત્વ મેળવવા સારા કાર્યો કરવા પડશે. તે સારા કાર્યો કરીને જ નારાયણત્વ મેળવી શકે છે.
એ કારણે જ સદગુરુ આગ્રહ રાખે છે કે વ્યક્તિએ પૃથ્વીનું માતાની જેમ લાલનપાલન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. માતા નિઃસ્વાર્થપણે તમામ સંતાનોને પોતાની ગોદમાં સમાવી લે છે.
21મી સદીની બદલાતી જીવનશૈલીએ નવા પડકારો ઊભા કર્યા છે.
જીવનશૈલી સંબંધિત બિમારીઓ, તનાવ સાથે સંબંધિત રોગો દિવસે ને દિવસે વધતા જાય છે, અત્યારે સામાન્ય થઈ રહ્યા છે. ચેપી રોગો પર નિયંત્રણ કરી શકાશે, પણ બિનચેપી રોગનું શું?
જ્યારે હું વાચું છું કે લોકો માનસિક શાંતિ ન મળવાથી નુકસાનકારક દ્રવ્યોનું સેવન કરે છે અને મદિરાપાન કરે છે, ત્યારે મને અતિ દુઃખ થાય છે, જેને હું શબ્દોમાં બયાન કરી શકતો નથી.
અત્યારે આખી દુનિયા શાંતિ ચાહે છે, શાંતિ – યુદ્ધ અને ઘર્ષણમાંથી જ નહીં, પણ માનસિક શાંતિ.
તનાવનો બોજ બહુ નુકસાનકારક છે અને તેમાંથી બહાર આવવાનું બ્રહ્માસ્ત્ર છે – યોગ.
યોગ કરવાથી તનાવ અને ગંભીર રોગોમાંથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે એવા અનેક પુરાવા છે. જો શરીર મનમંદિર હોય, તો યોગ સુંદર મંદિર બનાવે છે.
આ કારણે હું યોગને હેલ્થ એશ્યોરન્સનો પાસપોર્ટ કહું છું. બિમારીઓની સારવારથી વિશેષ યોગ સુખાકારીનું માધ્યમ છે.
યોગ રોગમુક્તિ અને ભોગમુક્તિ આપે છે.
યોગ વિચાર, કાર્ય, જ્ઞાન અને સમર્પણમાં શ્રેષ્ઠ વ્યક્તિ બનાવે છે.
યોગને કસરત તરીકે જોવું અનુચિત રહેશે. કસરત શરીરને ચુસ્ત રાખે છે.
તમે લોકોને ફેશનમાં શરીરને આમતેમ મરોડતા જોઈ શકો છો. પણ તેઓ બધા યોગી નથી.
યોગ શારીરિક કસરતથી વિશેષ છે.
યોગ મારફતે આપણે નવા યુગમાં પ્રવેશ કરીશું – આ યુગ એકતાનો અને સંવાદનો છે.
જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિચાર રજૂ કર્યો હતો, ત્યારે તેને બધાએ વધાવી લીધો હતો.
બંને વર્ષ 2015 અને 2016માં 21 જૂનના રોજ દુનિયાએ ઉત્સાહ અને ઉમંગ સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી.
કોરિયા હોય કે કેનેડા હોય, સ્વીડન હોય કે દક્ષિણ આફ્રિકા હોય – દુનિયાના દરેક ભાગમાં સૂર્યકિરણોને યોગીઓ આવકારે છે, જેઓ યોગમાં રત છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા વિશ્વના ઘણાં દેશોનું એકમંચ પર આવવું યોગના સાચા હાર્દ – એકતાને પ્રદર્શિત કરે છે.
યોગમાં નવા યુગનો ઉદય કરવાની ક્ષમતા છે – શાંતિ, કરુણા, ભાઈચારા અને માનવજાતની તમામ પ્રકારની પ્રગતિનો યુગ.
એક ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે સદગુરુએ સાધારણ લોકોને યોગી બનાવી દીધા છે. દુનિયામાં લોકો પોતાના પરિવારો સાથે રહે છે અને કામની દુનિયામાં મસ્ત રહે છે, પણ જે લોકો દરરોજ યોગના, એકત્વની આરાધનાના અનુભવમાંથી પસાર થાય છે, તેને માણે છે તેઓ શ્રેષ્ઠ જીવન જીવે છે. કોઈ વ્યક્તિ ગમે તે સ્થિતિસંજોગોમાં, કોઈ પણ સ્થાને યોગી બની શકે છે.
હું અહીં અનેક ચમકતા અને પ્રફુલ્લિત ચહેરા જોઉં છું. હું લોકોને પ્રેમ અને સારસંભાળ સાથે કામ કરતા જોઉં છું, તેઓ નાની નાની વિગતો પર ધ્યાન આપે છે. હું લોકોને ઊર્જા અને ઉત્સાહ સાથે ઉદ્દાત કામગીરી માટે સમર્પિત થતા જોઈ રહ્યો છું.
આદિયોગી ઘણી પેઢીઓને યોગ શીખવા પ્રેરિત કરશે. આપણા સુધી તેને લાવવા બદલ સદગુરુનો હું કૃતજ્ઞ છું.
તમારો ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર. प्रणाम, वाणकम