પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને કેરળ રાજ્યની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 કલાકે પ્રધાનમંત્રી ચેન્નઇ ખાતે ઘણી બધી મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે તેમજ અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) સૈન્યને અર્પણ કરશે. બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી કોચી ખાતે રાષ્ટ્રને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી બંને રાજ્યોની વિકાસની આગેકૂચમાં નોંધનીય વેગ ઉમેરાશે અને વિકાસની સંપૂર્ણ સંભાવ્યતાઓ સાર્થક કરવાની ગતિમાં વધારો કરવામાં મદદ મળશે.
તમિલનાડુમાં પ્રધાનમંત્રીની મુલાકાત
પ્રધાનમંત્રી રૂપિયા 3770 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ચેન્નઇ મેટ્રો રેલ ફેઝ-Iના એક્સટેન્શનનું ઉદ્ઘાટન કરશે અને વોશર્મેનપેટથી વિમ્કો નગર સુધી મુસાફર સેવાઓનો પ્રારંભ કરાવશે. 9.05 કિમીનું આ એક્સટેન્શન ઉત્તર ચેન્નઇને હવાઇમથક અને મધ્યસ્થ રેલવે સ્ટેશન સાથે જોડશે.
પ્રધાનમંત્રી ચેન્નઇ બીચ અને અટ્ટીપટ્ટુ વચ્ચેની ચોથી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે. 22.1 કિમીના આ સેક્શનની રેલવે લાઇન રૂપિયા 293.40 કરોડના ખર્ચને નાખવામાં આવી છે, જે ચેન્નઇ અને તિરુવલ્લુર જિલ્લામાંથી પસાર થાય છે અને તેનાથી ચેન્નઇ બંદર પરનો ટ્રાફિક ઘણો હળવો થઇ જશે. આ સેક્શન ચેન્નઇ બંદર અને એન્નોર બંદરને જોડે છે અને મુખ્ય યાર્ડ્સમાંથી પસાર થાય છે જે ટ્રેનોના આવનજાવનમાં પરિચાલનની લવચિકતા પૂરી પાડે છે.
પ્રધાનમંત્રી વિલ્લુપુરમ – કુડ્ડલોર – મયિલાદુથુરાય – થાંજૂવર અને મયિલાદુથુરાય- થિરુવરુરમાં સિંગલ લાઇન સેક્શનના રેલવે વિદ્યુતિકરણનું પણ ઉદ્ઘાટન કરશે. રૂપિયા 423 કરોડના ખર્ચે પૂરું કરવામાં આવેલા આ કામમાં 228 કિમીના રૂટનું વિદ્યુતિકરણ કરવામાં આવ્યું છે જેનાથી ચેન્નઇ એગ્મોર અને કન્યાકુમારી વચ્ચે ટ્રેક્શન બદલવાની જરૂરિયાત વગર જ રેલવે ટ્રાફિક મુક્ત રીતે આવનજાવન કરી શકશે અને તેનાથી દરરોજ રૂપિયા 14.61 લાખના ઇંધણની બચત પણ થઇ શકશે.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ એવી અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) ભારતીય સૈન્યને અર્પણ કરશે. આ યુદ્ધ ટેન્ક સ્વદેશમાં જ DRDOના CVRDE તેમજ 15 શૈક્ષણિક સંસ્થાઓ, 8 પ્રયોગશાળાઓ અને કેટલાક MSME દ્વારા ડિઝાઇન કરવામાં આવી, વિકસાવવામાં આવી અને નિર્માણ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી ગ્રાન્ડ અનિકુટ કેનાલ સિસ્ટમમાં વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકીકરણનો શિલાન્યાસ પણ કરશે. આ કેનાલ મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા જિલ્લાઓમાં સિંચાઇના હેતુ માટે ખૂબ જ મહત્વની છે. આ કેનાલના આધુનિકીકરણમાં રૂપિયા 2,640 કરોડનો ખર્ચ થશે અને તેના કારણે કેનાલની પાણીનું વહન કરવાની ક્ષમતામાં વધારો થશે.
પ્રધાનમંત્રી IIT મદ્રાસમાં ડિસ્કવરી પરિસંકુલનો પણ શિલાન્યાસ કરશે. ચેન્નઇ નજીક થૈયૂર ખાતે આ પરિસંકુલ પ્રથમ તબક્કામાં અંદાજે 2 લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમાં અંદાજે રૂપિયા 1000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
કેરળમાં પ્રધાનમંત્રીની મુલાકાત
પ્રધાનમંત્રી અહીં BPCLનો પ્રોપેલિન ડેરિવેટિવ પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કરશે. આ સંકુલમાં એક્રિલેટ્સ, એક્રિલિક એસિડ અને ઓક્સો-આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવશે જે હાલમાં મુખ્યત્વે આયાત કરવામાં આવે છે અને તેનાથી દર વર્ષે અંદાજે રૂપિયા 3700 કરોડથી રૂપિયા 4000 કરોડના વિદેશી હુંડિયામણની બચત થઇ શકશે. રૂપિયા 6000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા આ PDPP સંકુલને રિફાઇનરીની નજીકમાં ઉભું કરવામાં આવ્યું છે જેથી ફીડસ્ટોક પૂરવઠો, ઉપયોગિતાઓ, ઑફસાઇટ્સ અને અન્ય સુવિધાઓમાં સરળતાથી સંકલન થઇ શકે. આનાથી ફીડસ્ટોક તૈયાર ઉપલબ્ધ સ્થિતિમાં મળી જવાથી આ ક્ષેત્રને ખૂબ જ મોટાપાયે બચત કરવાનો લાભ થશે પૂરવઠા શ્રૃંખલાનું વ્યવસ્થાપન પણ શ્રેષ્ઠ કરી શકાશે. આના પ્રારંભ સાથે, કોચી રિફાઇનરી વિશિષ્ટ પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન કરતી પ્રથમ ભારતીય રિફાઇનરી બની ગઇ છે.
પ્રધાનમંત્રી કોચીનમાં વિલિંગ્ડન ટાપુઓ ખાતે રો-રો જહાજનું પણ રાષ્ટ્રને લોકાર્પણ કરશે. ભારતીય આંતરરાષ્ટ્રીય જળમાર્ગ સત્તામંડળ બોલગટ્ટી અને વિલિંગ્ટન ટાપુઓ વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ-3 પર નવું રોલ-ઓન/ રોલ-ઓફ જહાજ તૈનાત કરશે. MV આદિશંકર અને MV સી.વી.રામન નામના રો-રો જહાજોમાં પ્રત્યેકમાં 20 ફુટની કુલ છ ટ્રકો, 20 ફુટના ત્રણ ટ્રેઇલર, 40 ફુટની ત્રણ ટ્રેઇલર ટ્રકો અને 30 મુસાફરોનું વહન કરવાની ક્ષમતા રહેશે. આ સેવાથી પરિવહન ખર્ચ અને પરિવહનના સમયમાં બચત થવાથી વેપારને લાભ થશે તેમજ કોચીના માર્ગો પર વાહનોની ગીચતા પણ ઘટી જશે.
પ્રધાનમંત્રી કોચીન બંદર ખાતે આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ “સાગરિકા”નું પણ ઉદ્ઘાટન કરશે. આ વિલિંગ્ટન ટાપુઓ પર અર્નાકુલમ વોર્ફ ખાતે આવેલું ભારતનું સૌપ્રથમ સંપૂર્ણ કાર્યરત આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ છે. અહીં પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ એવી સુવિધાઓ છે અને રૂપિયા 25.72 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનાથી પર્યટનને વેગ મળશે અને વિકાસને ગતિ મળશે તેમજ રોજગારી સર્જન, કમાણીમાં વૃદ્ધિ અને વિદેશી હુંડિયામણની કમાણી માટે એક કાર્યદક્ષ સાધન તરીકે કામ કરશે.
પ્રધાનમંત્રી મરિન એન્જિનિયરિંગ તાલીમ સંસ્થા, વિજ્ઞાન સાગર, કોચીન શિપયાર્ડ લિમિટેડનું પણ ઉદ્ઘાટન કરશે. આ અગ્રણી મેરિટાઇમ અભ્યાસ કેન્દ્ર છે ભારતમાં આવેલી એકમાત્ર મેરિટાઇમ સંસ્થા છે જે શિપયાર્ડમાં કામ કરે છે અને જ્યાંથી તાલીમાર્થીઓને નિર્માણાધીન અથવા સમારકામ થઇ રહ્યાં હોય તેવા વિવિધ જહાજો પર લઇ જવાની સુવિધા ઉપલબ્ધ છે. કુલ રૂપિયા 27.5 કરોડના મૂડી ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ સંસ્થામાં 114 નવા સ્નાતકોની ભરતી કરવાની ક્ષમતા છે. તેનાથી મરિન એન્જિનિયરો અને કર્મચારીઓનો કૌશલ્યપૂર્ણ સમૂહ તૈયાર થશે જેનાથી ભારતમાં અને વિદેશમાં મેરિટાઇમ ઉદ્યોગની માણસોની જરૂરિયાતો પૂરી થઇ શકશે.
પ્રધાનમંત્રી કોચીન પોર્ટ ખાતે સાઉથ કોલ બર્થના પુનર્નિર્માણનો શિલાન્યાસ પણ કરશે. સાગરમાલા યોજના અંતર્ગત રૂપિયા 19.19 કરોડના અંદાજિત ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પરિયોજના પૂરી થવાથી, કોચીન બંદર ખાતે રસાયણોની હેરફેર માટે એક સમર્પિત બર્થિંગ સુવિધા ઉપલબ્ધ થઇ શકશે. આ બર્થના પુનર્નિર્માણથી માલસામાનનું ઝડપથી અને કાર્યદક્ષ રીતે સંચાલન સુનિશ્ચિત થશે અને હેરફેરના ખર્ચમાં ઘટાડો આવશે.
આ પ્રસંગે કેરળના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.