પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2018નાં રોજ ઓડિશા અને છત્તિસગઢની મુલાકાત લેશે.
ઓડિશાનાં તાલચેરમાં તેઓ તાલચેર ફર્ટિલાઇઝર પ્લાન્ટને નવેસરથી શરૂ કરવા માટેની કામગીરીનો પ્રારંભ કરવાની તકતીનું અનાવરણ કરશે. ભારતમાં આ પ્રથમ પ્લાન્ટ છે, જે કોલ ગેસિફિકેશન આધારિત યુનિટ હશે. આ પ્લાન્ટમાં ખાતર ઉપરાંત કુદરતી ગેસનું પણ ઉત્પાદન થશે, જેથી દેશની ઊર્જાની જરૂરિયાતમાં યોગદાન થશે.
પછી પ્રધાનમંત્રી ઝારસુગુડાનો પ્રવાસ કરશે, જ્યાં તેઓ ઝારસુગુડા એરપોર્ટનું ઉદઘાટન કરશે. આ એરપોર્ટ પશ્ચિમ ઓડિશાને ભારતનાં ઉડ્ડયન નકશામાં લાવશે તથા ઉડાન યોજના મારફતે પ્રાદેશિક હવાઈ જોડાણની સુવિધા થશે.
પ્રધાનમંત્રી ગર્જનબહાલ કોલસાની ખાણો અને ઝારસુગુડા-બારાપલી-સરગેડા રેલ લિન્ક દેશને અર્પણ કરશે. તેઓ દુલંગા કોલસાની ખાણોમાંથી કોલસાનું ઉત્પાદન અને પરિવહનની શરૂઆત દર્શાવતી તકતીનું અનાવરણ પણ કરશે.
પછી પ્રધાનમંત્રી છત્તિસગઢમાં જાન્જગીર ચમ્પા આવશે. તેઓ પરંપરાગત હાથવણાટ અને કૃષિ પરના પ્રદર્શનની મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રીય હાઇવે પ્રોજેક્ટ માટે અને પેન્ડરા-અનુપપુરની ત્રીજી રેલવે લાઇનનો શિલાન્યાસ કરશે. ત્યાર બાદ તેઓ જનસભાને સંબોધિત કરશે.