પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુંબઈની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (એઆઈઆઈબી)ની ત્રીજી વાર્ષિક બેઠકનું ઉદઘાટન કરશે, જે એક બહુપક્ષીય વિકાસ બેંક છે અને તેનું મિશન એશિયા તથા અન્યત્ર સમાજિક અને આર્થિક વિકાસમાં વધારો કરવાનું છે.
આ વર્ષની બેઠકનો વિષય “માળખાકિય વિકાસ માટે નાણાંનું અકત્રીકરણ: નવીનીકરણ અને સહયોગ” છે. આ સમારંભમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તથા સરકારમાં વિવિધ સ્તરે કામ કરતા લોકો તેમના વિચારો અને અનુભવો વ્યક્ત કરીને ભવિષ્યની માળખાગત સુવિધાઓમાં મજબૂત અને દીર્ઘકાલિન રોકાણો કઈ રીતે કરવા તે અંગે પરસ્પરના અભિપ્રાયો વ્યક્ત કરશે.
આ વર્ષે એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોરમનો પણ પ્રારંભ થશે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના મહાનુભાવો એકત્ર થઈને પ્રાયોગિક તેમજ પરિયોજના આધારિત વિસ્તૃત વિવરણ રજૂ કરશે, જેમાં માળખાગત સુવિધાઓની મહત્વની જરૂરિયાતો અંગે અને તેને અનુરૂપ નવતર આર્થિક ભંડોળ કઈ રીતે મેળવવું તે અંગે ચર્ચા કરાશે.
ત્યાર બાદ પ્રધાનમંત્રી કારોબારી જગતના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓને મળશે અને આર્થિક વિકાસ, માળખાગત સુવિધાઓનો વિકાસ, નીતિ વિષયક પહેલ, મૂડી રોકાણ, નવીનીકરણ અને રોજગાર નિર્માણ જેવી બાબતો પર ચર્ચા કરશે.