પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (16-12-2017) મિઝોરમ અને મેઘાલયનો પ્રવાસ કરશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અદભૂત અને આકર્ષક પૂર્વોત્તર બોલાવી રહ્યું છે. હું આવતીકાલે મિઝોરમ અને મેઘાલયનાં પ્રવાસને લઈને ઉત્સુક છું, જ્યાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ યોજનાઓથી પૂર્વોત્તરની વિકાસ યાત્રાને નવો વેગ મળશે.
મારું સદનસીબ છે કે આઇઝોલમાં આવતીકાલે આયોજિત કાર્યક્રમ દરમિયાન ટ્યુરિઅલ જળ વિદ્યુત યોજનાને રાષ્ટ્રને સમર્પિત કરવાનું સૌભાગ્ય મને મળશે. આ યોજના પૂર્ણ થવી મિઝારોમની જનતા માટે વરદાનરૂપ છે.
યુવા શક્તિને એક નવી ગતિ આપવા ડોનરે 100 કરોડ રૂપિયાનું નોર્થઇસ્ટ વેન્ચર કેપિટલ ફંડ ઊભું કર્યું છે. આવતીકાલે હું ફંડમાંથી ઉદ્યોગસાહસિકો વચ્ચે ચેકનું વિતરણ કરીશ. પૂર્વોત્તરનાં યુવાઓ વચ્ચે ઉદ્યોગસાહસિકતાની ભાવના આ ક્ષેત્રનાં સશક્તિકરણની દ્રષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ છે.
શિલોંગમાં હું શિલોંગ-નોંગસ્ટોઇન-રોંગજેંગ-ટૂરા રોડનું ઉદ્ઘાટન કરીશ. આ પ્રોજેક્ટ જોડાણને સુધારશે તથા આર્થિક વૃદ્ધિને વધુ વેગ આપશે. હું જનસભાને સંબોધિત કરીશ.
અમને પૂર્વોત્તરમાં પ્રચૂર સંભાવનાઓ દેખાય છે અને અમે આ ક્ષેત્રનો સંપૂર્ણ વિકાસ કરવા બધું કરવા કટિબદ્ધ છીએ.”