પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી, 2019નાં રોજ હરિયાણામાં કુરુક્ષેત્રની મુલાકાત લેશે. તેઓ સ્વચ્છ શક્તિ – 2019માં સહભાગી થશે. તેઓ હરિયાણામાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.
સ્વચ્છ શક્તિ – 2019
પ્રધાનમંત્રીએ સ્વચ્છ શક્તિ – 2019માં સહભાગી થશે અને સ્વચ્છ શક્તિ – 2019 પુરસ્કારનું વિતરણ કરશે. તેઓ કુરુક્ષેત્રમાં સ્વચ્છ સુંદર શૌચાલયનાં પ્રદર્શનની મુલાકાત લેશે અને જનસભાને સંબોધિત કરશે.
સ્વચ્છ શક્તિ – 2019 રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેમાં દેશભરના મહિલા પંચો અને સરપંચો સામેલ થશે. ચાલુ વર્ષે સ્વચ્છ શક્તિમાં 15,000મહિલાઓ સહભાગી થશે એવી અપેક્ષા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલા સશક્તીકરણનો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ શક્તિ કાર્યક્રમનાં પ્રથમ સંસ્કરણનો શુભારંભ ગુજરાતનાં ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને કર્યો હતો. દ્વિતીય સ્વચ્છ શક્તિ – 2018નું આયોજન ઉત્તરપ્રદેશનાં લખનઉમાં થયું હતું અને હવે આ ત્રીજા કાર્યક્રમનું ઉદઘાટન હરિયાણાનાં કુરુક્ષેત્રમાં થશે.
અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ
ઝજ્જરનાં ભાડસામાં રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનનું લોકાર્પણ કરવામાં આવશે
રાષ્ટ્રીય કેન્સર સંસ્થાન (એનસીઆઈ) અત્યાધુનિક ત્રીજા તબક્કાની કેન્સર સારવાર સહ સંશોધન સંસ્થાન છે, એઇમ્સ ઝજ્જર પરિસરમાં જ તેનું જેનું નિર્માણ થયું છે. આ 700 પથારીની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં સર્જિકલ, ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, એનેસ્થેશિયા, પેલિએટિવ કેર અને ન્યૂક્લીઅર મેડિસિન જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ ડૉક્ટર્સ અને કેન્સરનાં દર્દીઓની સારસંભાળ કરતાં લોકો માટે હોસ્ટેલનાં રૂમ પણ અહિં ઉપલબ્ધ છે. એનસીઆઈ દેશમાં કેન્સર સાથે સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે નોડલ સંસ્થા બનશે તથા દેશની અંદર પ્રાદેશિક કેન્સર કેન્દ્રો અને અન્ય કેન્સર સંસ્થાઓ સાથે જોડાયેલી હશે. ભારતની ટોચની કેન્સરની સંસ્થા એનસીઆઈ ઝજ્જર મોલિક્યુલર બાયોલોજી, જીનોમિક્સ, પ્રોટિયોમિક્સ, કેન્સર એપિડેમાયોલોજી, રેડિયેશન બાયોલોજી અને કેન્સરની રસીઓમાં મૂળભૂત અને ઉપયોગી સંશોધન હાથ ધરવા સંશોધન અને વિકાસ માટે પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રોની ઓળખ માટે જવાબદાર છે.
ફરિદાબાદમાં ઇએસઆઇસી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનું ઉદઘાટન
આ ઉત્તરભારતમાં પ્રથમ ઇએસઆઇસી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ હશે. 510 પથારીની સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કાર્યરત ઇએસઆઇસી વીમાકૃત વ્યક્તિઓ અને તેમનાં લાભાર્થીઓને, ખાસ કરીને કામદારો અને તેમનાં પર આશ્રિતોને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે.
પંચકુલામાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનનો શિલાન્યાસ
પંચકુલામાં શ્રી માતા મનસા દેવી મંદિર સંકુલમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન, પંચકુલાની સ્થાપના કરવામાં આવી છે. આ આયુર્વેદની સારવાર, શિક્ષણ અને સંશોધન માટે રાષ્ટ્રીય સ્તરની સંસ્થા બનશે. એક વાર પૂર્ણ થયા પછી આ સંસ્થાન હરિયાણા અને નજીકનાં અન્ય રાજ્યોનાં રહેવાસીઓ માટે ખૂબ જ લાભદાયક નિવડશે.
કુરુક્ષેત્રમાં શ્રી ક્રિષ્ના આયુષ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ
શ્રી ક્રિષ્ના આયુષ વિશ્વવિદ્યાલય હરિયાણામાં ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ સાથે સંબંધિત આ પ્રકારની પ્રથમ યુનિવર્સિટી છે તેમજભારતની પણ આ પ્રકારની પ્રથમ યુનિવર્સિટી છે.
પાણીપતમાં ‘પાણીપત યુદ્ધ સંગ્રહાલય’નો શિલાન્યાસ
આ સંગ્રહાલય પાણિપતનાં વિવિધ યુદ્ધોનાં નાયકોને સમર્પિત હશે. આ સંગ્રહાલય કેન્દ્ર સરકારની ભારતનાં અત્યાર સુધી લોકો વચ્ચે જાણીતા ન બનેલા નાયકોનું સન્માન કરવાની પહેલને અનુરૂપ છે, જેમણે રાષ્ટ્રનાં નિર્માણમાં મહત્વપૂર્વ યોગદાન આપ્યું છે.
કરનાલમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ
પ્રધાનમંત્રી કરનાલમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સિસનું શિલારોપણ કરશે.
આ પગલાથી હરિયાણામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક સુવિધાઓમાં વધારો થશે એવી અપેક્ષા છે.