પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાજસ્થાનનાં ઝુંઝુનૂની મુલાકાત લેશે.
સરકારની દિકરીઓને બચાવવાની અને કન્યા કેળવણીની પહેલોને પ્રોત્સાહિત કરવા પ્રધાનમંત્રી બેટી બચાવો, બેટી પઢાઓ (બીબીબીપી)નું અખિલ ભારતીય સ્તરે ઉદઘાટન કરશે. અત્યારે બીબીબીપી દેશનાં 161 જિલ્લાઓમાં ચાલુ છે અને હવે 640 જિલ્લાઓમાં લાગુ થશે.
પ્રધાનમંત્રી કાર્યક્રમમાં લાભાર્થી માતાઓ અને દિકરીઓ સાથે વાત-ચીત કરશે. તેઓ બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓને પ્રમાણપત્રો આપશે.
અન્ય સીમાચિહ્નરૂપ પહેલમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન (એનએનએમ)નો પણ ઝુંઝુનૂમાંથી પ્રધાનમંત્રી રાષ્ટ્રવ્યાપી સ્તરે શુભારંભ કરશે. તેઓ એનએનએમ-આઇસીડીએસ કોમન એપ્લિકેશન સોફ્ટવેર લોંચ કરશે. આ અભિયાન કુપોષણ ઘટાડવા અને જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા ઘટાડવા માટેનું છે, જેનાથી બાળકો, મહિલાઓ અને કિશોરીઓમાં એનિમિયાનુ પ્રમાણ ઘટશે તથા બાળકોમાં ઠીંગણાપણું ઓછુ થશે.