પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 અને 8 ઓક્ટોબર, 2017નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી 7 ઓક્ટોબરની સવારે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે. તેઓ દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે એક પુલ તેમજ અન્ય માર્ગ વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. અહીં તેઓ એક જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી દ્વારકાથી સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટિલા આવશે. અહીં તેઓ રાજકોટ ખાતે એક ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ખાતમુહૂર્ત કરશે, અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય રાજમાર્ગને છ માર્ગીય બનાવવા અને રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવેને ચાર માર્ગીય બનાવવા માટે ખાતમુહૂર્ત કરશે. તેઓ સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટને પણ અર્પણ કરશે તથા સુરેન્દ્રનગરનાં જોરાવરનગર અને રતનપુર વિસ્તાર માટે પીવાનાં પાણીનાં વિતરણની પાઇપલાઇનનું પણ ઉદ્ઘાટન કરશે. અહીં પણ તેઓ એક જનસભાને સંબોધિત કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી ગાંધીનગર જશે. અહીં તેઓ આઇઆઇટી-ગાંધીનગરની નવનિર્મિત બિલ્ડિંગ દેશને અર્પણ કરશે અને પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન (પીએમજીદિશા) લોંચ કરશે. પીએમજીદિશાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને ડિજિટલ માધ્યમો અંગે જાણકારી આપવાનો છે. તે માહિતી, જ્ઞાન, શિક્ષણ અને હેલ્થકેર પ્રદાન કરશે. તે આજીવિકા પેદા કરવા માટે નવા વિકલ્પો ઊભા કરશે અને ડિજિટલ પેમેન્ટ મારફતે નાણાકીય સર્વસમાવેશકતા લાવશે. અહીં પણ તેઓ એક જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી 8 ઓક્ટોબરની સવારે વડનગર આવશે. તેઓ પ્રધાનમંત્રી બન્યા પછી તેમનાં વતનની આ પ્રથમ મુલાકાત હશે. અહીં તેઓ હાટકેશ્વર મંદિરની મુલાકાત લેશે. પછી એક જનસભામાં પ્રધાનમંત્રી પૂર્ણ રસીકરણના લક્ષ્યાંક તરફ વધારે ઝડપથી આગળ વધવા સઘન અભિયાન ઇન્દ્રધનુષ લોંચ કરશે. તે શહેરી વિસ્તારો અને રસીકરણનું ઓછું કવરેજ ધરાવતાં અન્ય વિસ્તારો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રી ઇમ્ટેકો લોંચ કરવાનાં પ્રસંગે હેલ્થ કામદારોને ઇ-ટેબ્લેટનું વિતરણ કરશે. ઇમ્ટેકો ભારતમાં ઓછા સંસાધનો ધરાવતાં વિસ્તારો વચ્ચે માતા, નવજાત બાળક અને બાળકનાં સ્વાસ્થ્યની વધારે સારસંભાળ લેવા શ્રેષ્ઠ નિરીક્ષણ, સપોર્ટ અને પ્રોત્સાહન મારફતે આશાની કામગીરી સુધારવા નવીન મોબાઇલ એપ્લિકેશન છે. ઇમ્ટેકો એટલે “ઇન્નોવેટિવ મોબાઇલ-ફોન ટેકનોલોજી ફોર કમ્યુનિટી હેલ્થ ઓપરેશન.” ગુજરાતીમાં “ટેકો” એટલે “સાથસહકાર”, જેથી “ઇમ્ટેકો” એટલે “હું તમને સાથસહકાર આપું છું.” પ્રધાનમંત્રી અહીં જનસભાને સંબોધિત કરશે.
આ જ દિવસે બપોરે પ્રધાનમંત્રી ભરુચ જશે. અહીં તેઓ નર્મદા નદી પર નિર્માણ થનાર ભડભૂત બેરેજ માટે ખાતમુહૂર્ત કરશે. તેઓ ઉધના (સુરત, ગુજરાત) અને જયનગર (બિહાર) વચ્ચે અંત્યોદય એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તેઓ ખાતમુહૂર્ત કરવાની યાદગીરી સ્વરૂપે એક તકતીનું લોકાર્પણ કરશે તથા ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કોર્પોરેશનનાં વિવિધ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. અહીં પણ તેઓ એક જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી 8 ઓક્ટોબરે સાંજે દિલ્હી પરત ફરશે.