પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 અને 5 માર્ચ, 2019નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ ચોથી માર્ચે જામનગર, જસપુર અને અમદાવાદની મુલાકાત લેશે તેમજ પાંચમી માર્ચનાં રોડ અડાલજ અને વસ્ત્રાલની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી ચોથી માર્ચનાં રોજ મેડિકલ કોલેજ સંકુલની મુલાકાત લેશે અને વિવિધ વિકાસલક્ષી કામગીરીઓનો શુભારંભ કરશે. એમાં સામેલ છે –
*ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની એનેક્સીનું લોકાર્પણઃ
પ્રધાનમંત્રી 750 પથારી ધરાવતી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ દેશને અર્પણ કરશે.
તેઓ હોસ્પિટલનાં નવનિર્મિત પીજી છાત્રાલયનું ઉદઘાટન પણ કરશે.
પ્રધાનમંત્રી હોસ્પિટલની મુલાકાત લેશે તથા હોસ્પિટલનાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત કરશે.
* સૌની પ્રોજેક્ટનું અનાવરણ કરશે
પ્રધાનમંત્રી એક બટન દબાવીને સ્થળ પર સૌની પ્રોજેક્ટનું અનાવરણ કરશે.
સૌની પ્રોજેક્ટમાં રણજિતસાગર લિફ્ટ ઇરિગેશન સ્કીમમાં ઉંદ-1 અને ન્યારી લિફ્ટ ઇરિગેશન યોજનામાં મચ્છુ-1નું લોકાર્પણ સામેલ છે. તેઓ જોડિયા ડિસેલિનેશન પ્લાન્ટનું શિલારોપણ અને લિફ્ટ ઇરિગેશન સ્કીમમાં ઉંદ-3થી વેણુ-2નો શિલાન્યાસ પણ કરશે.
* બાન્દ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
પ્રધાનમંત્રી વીડિયો લિન્ક મારફતે બાન્દ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.
* અન્ય પ્રોજેક્ટ
પ્રધાનમંત્રી તકતીનું અનાવરણ કરીને આજી-3થી ખીજડિયા સુધીની 51 કિલોમીટરની પાઇપલાઇનનું લોકાર્પણ કરશે. તેઓ રાજકોટ-કનાલુસ રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશને બનાવેલા 448 મકાનો અને જામનગર એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા નિર્માણ થયેલા 1008 ફ્લેટનાં લોકાર્પણનાં પ્રતીક સ્વરૂપે પસંદ થયેલા લાભાર્થીઓને ચાવી પણ સુપરત કરશે.
પ્રધાનમંત્રી આ સ્થળે જનસભાને સંબોધિત કરશે.
જસપુરમાં
પ્રધાનમંત્રી ગુજરાતમાં જસપુરની મુલાકાત લેશે અને અહીં વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરશે.
તેઓ અહીં જનસભાને સંબોધિત કરશે.
અમદાવાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનમાં
પ્રધાનમંત્રી વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનમાં અમદાવાદ મેટ્રોનાં પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે. તેઓ મેટ્રોનાં બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રોનાં કોમન મોબિલિટી કાર્ડનું અનાવરણ કરશે.
પછી પ્રધાનમંત્રી વસ્ત્રાલ ગામ સ્ટેશનમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે અને તેમાં સવારી કરશે.
કેન્દ્રીય મંત્રીમંડળે ફેબ્રુઆરી, 2019માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનાં બીજા તબક્કાને મંજૂરી આપી હતી. બીજા તબક્કામાં કુલ 28.254 કિલોમીટરની લંબાઈ ધરાવતા બે કોરિડોર સામેલ હશે. આ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં પ્રવાસીઓને સુવિધાજનક અને વિશ્વસનિય જાહેર પરિવહનની સુવિધા પ્રદાન કરશે.
અમદાવાદ મેટ્રો રેલનો પ્રથમ તબક્કો આશરે કુલ 40.03 કિલોમીટરનો છે, જેમાંથી 6.5 કિલોમીટર ભૂગર્ભ છે અને બાકીનો પટ્ટો એલીવેટેડ છે.
આ મેટ્રો પ્રોજેક્ટથી જોડાણ વધવાની સાથે શહેરી વિસ્તારોમાં વિવિધ સ્થળો વચ્ચે પ્રવાસનો સમય ઘટશે અને જીવનની સરળતામાં નોંધપાત્ર વધારો થશે.
અમદાવાદમાં બી જે મેડિકલ કોલેજમાં
બી જે મેડિકલ કોલેજનાં મેદાનમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને રેલવે સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ શરૂ કરશે.
સ્વાસ્થ્ય
પ્રધાનમંત્રી અમદાવાદનાં વિસ્તારોમાં વિવિધ હોસ્પિટલો દેશને અર્પણ કરશે. તેમાં મહિલા, બાળક અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ અને દાંતની હોસ્પિટલ સામેલ છે.
આ હોસ્પિટલોથી અમદાવાદમાં સ્વાસ્થ્ય સારસંભાળનાં ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આ વિવિધ હોસ્પિટલો સાથે અમદાવાદ અને નજીકનાં વિસ્તારોમાં લોકો માટે સ્વાસ્થ્યની ગુણવત્તાયુક્ત સારસંભાળ સુનિશ્ચિત થશે.
પ્રધાનમંત્રી પીએમ-જેએવાય – આયુષ્માન ભારત યોજનાનાં પસંદ થયેલા લાભાર્થીઓને ગોલ્ડ કાર્ડનું વિતરણ કરશે.
રેલવે
પ્રધાનમંત્રી પાટણ-બિંદી રેલવે લાઇનનું ઉદઘાટન કરશે. તેઓ દાહોદ રેલવે વર્કશોપ પણ અર્પણ કરશે, જેમાં દર મહિને 150 વેગનની વેગન POH ક્ષમતાનું આધુનિકીકરણ અને વિસ્તરણ સામેલ છે. તેઓ આણંદ-ગોધરા રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પછી પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લેશે અને 1200 પથારીની નવી સિવિલ હોસ્પિટલનાં અનાવરણનાં પ્રતીક સ્વરૂપે રિબીન કાપશે. તેઓ અમદાવાદમાં નવી કેન્સર હોસ્પિટલ અને આંખની હોસ્પિટલની મુલાકાત પણ લેશે.
5 માર્ચ, 2019
ગાંધીનગરમાં અડાલજ ખાતે
પ્રધાનમંત્રી પાંચમી માર્ચનાં રોજ ગાંધીનગરનાં અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટની મુલાકાત લેશે. ત્યાં તેઓ શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનો શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના (પીએમ-એસવાયએમ)નો શુભારંભ કરશે.
પ્રધાનમંત્રી વસ્ત્રાલમાં લાભાર્થીઓને ઓનલાઇન ફંડ ટ્રાન્સફર મારફતે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન અસંગઠિત ક્ષેત્રનાં કામદારો માટે પેન્શન યોજના શરૂ કરશે.
તેઓ પસંદગીનાં લાભાર્થીઓને પીએમ-એસવાયએમ કાર્ડનું વિતરણ પણ કરશે.
પીએમ-એસવાયએમ વિશે
ભારત સરકારે વર્ષ 2019-20 માટેનાં વચગાળાનાં બજેટમાં અસંગઠિત ક્ષેત્રનાં કામદારો માટે વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (પીએમ-એસવાયએમ) નામની મેગા પેન્શન યોજના પ્રસ્તુત કરી હતી. આ યોજનાનો લાભ દર મહિને રૂ. 15,000/- કે એનાથી ઓછી માસિક આવક ધરાવતાં લોકોને મળશે.
આ સ્વૈચ્છિક અને નાણાકીય યોગદાન પેન્શન યોનજા છે, જેમાં પીએમએસવાયએમ હેઠળ દરેક સબસ્ક્રાઇબરને 60 વર્ષની વય થયા પછી દર મહિને રૂ. 3000/-નું પેન્શન મળશે.
લાભાર્થીની વયને અનુરૂપ નાણાકીય પ્રદાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.
એક અપેક્ષા મુજબ, આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રમ-યોગી માનધન યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રનાં ઓછામાં ઓછા 10 કરોડ કામદારોને મળશે.
ભારતની જીડીપીનો લગભગ અડધોઅડધ હિસ્સો અસંગઠિત ક્ષેત્રનાં 40 કરોડથી વધારે કામદારોની મહેનતમાંથી મળે છે, જેઓ મોટા ભાગે સ્ટ્રીટ વેન્ડર્સ, રિક્ષા ખેંચનારા, બાંધકામ ક્ષેત્રનાં કામદારો, કચરો ઉપાડતાં કામદારો, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો, હાથવણાટ, ચર્મ ક્ષેત્રનાં કામદારો તથા એવી અન્ય ક્ષેત્રની અનેક રોજગારી સાથે સંકળાયેલા કામદારો સામેલ છે.
‘આયુષ્માન ભારત’ હેઠળ જેનું યોગદાન આપવામાં આવે છે એ આરોગ્ય વીમાકવચ તથા ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ અને ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ પ્રદાન કરવામાં આવતાં જીવન અને વિકલાંગતા કવચની સાથે પીએમ-એસવાયએમ અસંગઠિત ક્ષેત્રનાં કામદારોને વૃદ્ધાવસ્થામાં વિસ્તૃત સામાજિક સુરક્ષા કવચ સુનિશ્ચિત કરશે.