પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવાર 22મી ઓક્ટોબર 2017ના રોજ ગુજરાતના પ્રવાસે.
ઘોઘા ખાતે પ્રધાનમંત્રી શ્રી મોદી ઘોઘાથી દહેજ વચ્ચેની રો રો સેવા (રોલ ઓન, રોલ ઓફ)ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે. આ ફેરી સેવાથી સૌરાષ્ટ્રમાં ઘોઘાથી દક્ષિણ ગુજરાતમાં દહેજ સુધીના સાતથી આઠ કલાકના સમયને ઘટાડીને માત્ર એક કલાક કરી નાખશે. જ્યારે સંપૂર્ણપણે કાર્યરત બની જશે ત્યારે આ સેવાથી વાહનોની અવર જવર પણ શક્ય બની જશે. પ્રધાનમંત્રી આ સેવાની સૌ પ્રથમ સફરમાં મુસાફરી પણ કરશે. તેઓ ઘોઘાથી દહેજ જશે. આ યાત્રા પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી દહેજમાં જાહેરસભાને પણ સંબોધશે.
ઘોઘામાં જાહેર સભા દરમિયાન પ્રધાનમંત્રી શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળ લિમિટેડની સર્વોત્તમ પશુઓના ઘાસચારાના પ્લાન્ટનું પણ અનાવરણ કરશે.
પ્રધાનમંત્રી દહેજથી વડોદરાનો પ્રવાસ કરશે. ત્યાં એક જાહેર સભામાં તેઓ વડોદરા સિટી કમાન્ડ સેન્ટર, વાઘોડિયા પ્રાંત જળ પુરવઠા યોજના અને બેંક ઓફ બરોડાની નવી હેડ ઓફિસના મકાનને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામ્ય)ના લાભાર્થીઓને મકાનની ચાવીઓ પણ એનાયત કરાશે. તેઓ કેટલાક માળખાકીય અને વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે જેમાં વિસ્તૃત પરિવહન કેન્દ્ર, ગ્રામ્ય જળ પુરવઠા યોજના, હાઉસિંગ પ્રોજેક્ટ અને ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. તેઓ વડોદરા ખાતે મુંદ્રા-દિલ્હી પેટ્રોલિયમ પ્રોડક્ટ પાઇપલાઇન અને એચપીસીએલ ખાતે ગ્રીનફિલ્ડ માર્કેટિંગ ટર્મિનલ નું પણ ભૂમિપૂજન કરશે.