

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે અને બપોરે 3 કલાકેની આસપાસ ગોવામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમ ખાતે ગોવા મુક્તિ દિવસની ઉજવણીઓ નિમિત્તે યોજાયેલા સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી આ સમારોહમાં ‘ઓપરેશન વિજય’ના સ્વતંત્રતા સેનાનીઓ અને નિવૃત્ત યોદ્ધાઓને સન્માનિત કરશે. ગોવાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાવનાર ભારતીય સશસ્ત્ર દળોના ‘ઓપરેશન વિજય’ની સફળતા નિમિત્તે દર વર્ષે 19મી ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે.
પ્રધાનમંત્રી બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે જેમાં નવીનીકરણ કરાયેલા ફોર્ટ અગૌડા જેલ મ્યુઝિયમ, ગોવા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિટી બ્લૉક, ન્યુ સાઉથ ગોવા જિલ્લા હૉસ્પિટલ, મોપા હવાઇ મથકે ઉડ્ડયન કુશળતા વિકાસ કેન્દ્ર અને ડાબોડિમ-નવેલિમ, મડગાંવ ખાતે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનનો સમાવેશ થાય છે. તેઓ ગોવા ખાતે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ટ્રસ્ટના ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઑફ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ભૂમિપૂજન પણ કરશે.
સમગ્ર દેશમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને ટોપ ક્લાસ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રધાનમંત્રીનો નિરંતર પ્રયાસ રહ્યો છે. એમનાં આ વિઝનને અનુરૂપ, ગોવા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રૂ. 380 કરોડથી વધુના ખર્ચે સુપર સ્પેશિયાલિટી બ્લૉકનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર ગોવા રાજ્યમાં આ એક માત્ર અત્યાધુનિક સુપરસ્પેશિયાલિટી હૉસ્પિટલ છે જે ઉચ્ચ સ્તરીય સુપર સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડે છે. તે એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસ ઇત્યાદિ જેવી સ્પેશ્યિલાઇઝ્ડ સેવાઓ પૂરી પાડશે. સુપર સ્પેશિયાલિટી બ્લૉકમાં પીએમ-કેસ હેઠળ સ્થાપિત 1000 એલપીએમ પીએસએ પ્લાન્ટ પણ હશે.
રૂ. 220 કરોડના ખર્ચે બંધાયેલી ન્યુ સાઉથ ગોવા જિલ્લા હૉસ્પિટલ 33 સ્પેશિયાલિટીઝમાં ઓપીડી સેવાઓ, અત્યાધુનિક નિદાન અને લૅબ સુવિધાઓ અને ફિઝિયોથેરાપી, ઑડિયોમેટ્રી ઇત્યાદિ જેવી સેવાઓ સહિત આધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. આ હૉસ્પિટલમાં 500 ઑક્સિજન બૅડ્સ, 5500 લિટર એલએમઓ ટેન્ક અને 600 એલપીએમનાં 2 પીએસએ પ્લાન્ટ્સ છે.
પુન:વિકસિત અગૌડા કિલ્લા જેલ સંગ્રહાલય સ્વદેશ દર્શન યોજના હેઠળ હેરિટેજ પર્યટન સ્થળ છે અને તે રૂ. 28 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. ગોવાની મુક્તિ પૂર્વે, અગૌડા કિલ્લાનો ઉપયોગ સ્વતંત્રતા સેનાનીઓને કેદમાં પૂરવા અને રિબામણી માટે થતો હતો. આ મ્યુઝિયમ ગોવાની મુક્તિ માટે લડેલા અગ્રણી સ્વતંત્રતા સેનાનીઓએ આપેલાં યોગદાન અને બલિદાનને ઉજાગર કરશે અને એમને યોગ્ય શ્રદ્ધાંજલિ હશે.
આવી રહેલા મોપા હવાઇ મથકે એવિયેશન સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આશરે રૂ. 8.5 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે અને તેનો હેતુ 16 જુદીજુદી જૉબ પ્રોફાઇલ્સમાં તાલીમ પૂરી પાડવાનો છે. તાલીમાર્થીઓને મોપા હવાઇ મથક કાર્યરત થાય એટલે એમાં અને ભારત અને વિદેશનાં અન્ય હવાઇ મથકોએ રોજગારની તકો મળી શકશે.
મડગાંવના ડાવોર્લિમ-નવેલિમ ખાતે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન ભારત સરકારના ઊર્જા મંત્રાલયની ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આશરે રૂ. 16 કરોડના ખર્ચે બંધાયું છે. તે ડાવોર્લિમ, નેસ્સાઇ, નવેલિમ, અકુએમ બૉક્સો અને તૈલોલિમનાં ગામોને સ્થિર વીજ પુરવઠો પૂરો પાડશે.
બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ટ્રસ્ટની ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઑફ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની સ્થાપના, ગોવાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનું હબ બનાવવાના સરકારનાં ધ્યાન કેન્દ્રીત પ્રયાસોને અનુરૂપ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ગોવાને પોર્ટુગલીઝ શાસનમાંથી મુક્ત કરતા ભારતીય સશસ્ત્ર દળોના સ્મૃતિ ઉત્સવ નિમિત્તે સ્પેશિયલ કવર અને સ્પેશિયલ કૅન્સેલેશન પણ પ્રસિદ્ધ કરશે. ઈતિહાસનું આ ખાસ પ્રકરણ સ્પેશિયલ કવર પર દર્શાવાશે જ્યારે સ્પેશિયલ કૅન્સેલશન ‘ઓપરેશન વિજય’માં પોતાનાં જીવ ગુમાવનારા સાત યુવા વીર નાવિકો અને અન્ય જવાનોની યાદમાં નિર્મિત ભારતીય નૌકા જહાજ ગિમંતક ખાતે યુદ્ધ સ્મારકનું ચિત્ર રજૂ કરશે. પ્રધાનમંત્રી ‘માય સ્ટેમ્પ’ પણ બહાર પાડશે જે ગોવા મુક્તિ સંગ્રામના શહીદોએ આપેલાં મહાન બલિદાનને સલામી આપતા પત્રાદેવી ખાતેના હુતાત્મા સ્મારકનું ચિત્ર રજૂ કરશે. ગોવા મુક્તિ સંગ્રામ દરમ્યાનની વિવિધ ઘટનાઓનાં ચિત્રોનાં સમૂહનું એક ચિત્ર રજૂ કરતા ‘મેઘદૂત પૉસ્ટ કાર્ડ’ને પણ પ્રધાનમંત્રીને રજૂ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રેષ્ઠ પંચાયત/નગરપાલિકા, સ્વયંપૂર્ણ મિત્રો અને સ્વયંપૂર્ણા ગોવા પ્રોગ્રામના લાભાર્થીઓને પુરસ્કાર પણ એનાયત કરશે.
પોતાની મુલાકાત દરમ્યાન બપોરે 2.15 કલાકની આસપાસ પ્રધાનમંત્રી પણજીના આઝાદ મેદાન ખાતેના શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે. બપોરે 2.30 કલાકે તેઓ મિરામાર, પણજી ખાતે સેલ પરેડ અને ફ્લાઈ પાસ્ટમાં હાજરી આપશે.