પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશમાં આગ્રાની મુલાકાત લેશે. તેઓ ગંગાજળ પ્રોજેક્ટ અને અન્ય વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કરશે. તેઓ આગ્રા સ્માર્ટ સિટીનાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનો શિલાન્યાસ કરશે તેમજ એસ એન મેડિકલ કોલેજ વગેરેનાં અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત કરશે.
ગંગાજળ કાર્યક્રમ રૂ. 2880 કરોડની પરિયોજના છે, જે આગ્રાને પાણીનો વધારે સારો અને સુનિશ્ચિત પુરવઠો પૂરો પાડશે. તેનાથી શહેરીજનો અને પ્રવાસીઓને લાભ થશે.
આગ્રામાં એસ એન મેડિકલ કોલેજનું અપગ્રેડેશન રૂ. 200 કરોડનાં ખર્ચે કરવામાં આવશે, જેમાં વિમેન્સ હોસ્પિટલમાં 100 બેડની મેટરનિટી વિંગ ઊભી કરવાની બાબત સામેલ છે. એનાથી સમાજનાં નબળા વર્ગો માટે સ્વાસ્થ્ય અને માતૃત્વની વધારે સારી સેવા પ્રદાન થશે. આગ્રા સ્માર્ટ માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર રૂ. 285 કરોડનાં ખર્ચ ઊભું કરવામાં આવશે. તેનાથી આગ્રાને આધુનિક વૈશ્વિક કક્ષાનાં સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં મદદ મળશે અને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે એને ઉચિત સ્થાન મળશે.
પ્રધાનમંત્રી આગ્રામાં કોઠી મીના બાઝારમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.
આગ્રાની આ પ્રધાનમંત્રીની બીજી મુલાકાત હશે. અગાઉ 20 નવેમ્બર, 2016નાં રોજ તેમણે આગ્રાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) શરૂ કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધી 65 લાખ મકાનોનું નિર્માણ થયું છે, જેમાં ઉત્તરપ્રદેશનાં 9.2 લાખ મકાનો સામેલ હશે. તેમણે આ વિસ્તારનાં રેલવેની માળખાગત સુવિધા અને સેવાઓને પણ શરૂ કરી હતી.