પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 9 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશમાં ગ્રેટર નોઇડાની મુલાકાત લેશે. તેઓ ગ્રેટર નોઇડામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કરશે.
પ્રધાનમંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં ઉદઘાટન પ્રસંગે તકતીનું અનાવરણ કરશે. તેઓ કેમ્પસમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કરશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજી એ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ) હેઠળ કાર્યરત છે અને ગ્રેટર નોઇડામાં નોલેજ પાર્ક – 2માં સ્થિત છે.
પ્રધાનમંત્રી મેટ્રોમાં નોઇડા સિટી સેન્ટર – નોઇડા ઇલેક્ટ્રોનિક સિટી સેક્શનનું ઉદ્ઘાટન કરશે. નવું સેક્શન નોઇડાનાં રહેવાસીઓ માટે પરિવહનનું સુવિધાજનક અને ઝડપી માધ્યમ પ્રદાન કરશે. એનાથી પરિવહનની પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ પ્રદાન કરશે અને માર્ગો પર ગીચતામાં ઘટાડો થશે. 6.6 કિલોમીટર લાંબો પટ્ટો દિલ્હી મેટ્રોની બ્લૂ લાઇનનું વિસ્તરણ છે.
પ્રધાનમંત્રી બે થર્મલ પાવર પ્લાન્ટનું શિલારોપાણ પણ કરશે. તેમાંથી એક પ્રોજેક્ટ ઉત્તરપ્રદેશનાં બુલંદશહર જિલ્લામં ખુર્જામાં 1320 મેગાવોટની ક્ષમતા ધરાવતો સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ છે. ખુર્જા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ 600 – 600 મેગાવોટની ક્ષમતા ધરાવતા બે યુનિટ સાથે સુપરક્રિટિકલ ટેકનોલોજી પર આધારિત હશે, જે પર્યાવરણનું સંરક્ષણ કરવા લેટેસ્ટ ઉત્સર્જન નિયંત્રણ ટેકનોલોજીથી સજ્જ હશે તેમજ ઊંચી કાર્યદક્ષતા ધરાવશે અને વીજળીનું ઉત્પાદન કરવા ઓછા ઇંધણનો ઉપયોગ કરશે. ખુર્જા પ્લાન્ટ ઉત્તર ભારતનાં વિસ્તારો, ખાસ કરીને ઉત્તરપ્રદેશની વીજળીની ખાધની સ્થિતિમાં પરિવર્તન કરશે તેમજ ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોને લાભ થશે. પ્રોજેક્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે તથા પશ્ચિમ ઉત્તરપ્રદેશનાં બુલંદશહર અને આસપાસનાં જિલ્લાઓનો સંપૂર્ણ વિકાસ થશે.
બીજો પ્રોજેક્ટ બિહારનાં બક્સરમાં 1320 મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ છે. બક્સર થર્મલ પાવર પ્લાન્ટ વીડિયો લિન્ક મારફતે લોંચ થશે. બક્સર થર્મલ પાવર પ્લાન્ટ 660-660 મેગાવોટનાં બે યુનિટ સાથે સુપરક્રિટિકલ ટેકનોલોજી પર આધારિત હશે, જે પર્યાવરણનું સંરક્ષણ કરવા ઉત્સર્જન નિયંત્રણ સાથે સંબંધિત લેટેસ્ટ ટેકનોલોજી ધરાવે છે અને ઊંચી કાર્યદક્ષતા ધરાવે છે. બક્સર પ્લાન્ટ બિહાર અને પૂર્વ વિસ્તારમાં વીજ ખાધની સ્થિતિમાં પરિવર્તન કરશે.
પછી પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત કરશે.