પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 11 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં વૃંદાવનની મુલાકાત લેશે.
શ્રી મોદી વૃંદાવનમાં ચંદ્રોદય મંદિરમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા 3 અબજમા ભોજન માટે સેવાનાં પ્રતીક સ્વરૂપે એક તકતીનું અનાવરણ કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી શાળાથી વંચિત બાળકો માટે 3 અબજમું ભોજન પીરસશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે એક જાહેરસભાને સંબોધન કરશે.
શ્રી મોદી ઇસ્કોનનાં આચાર્ય શ્રીલ પ્રભુપાદનાં વિગ્રહમાં પુષ્પાંજલિ પણ અર્પણ કરશે.
આ કાર્યક્રમ ફાઉન્ડેશન દ્વારા 3 અબજમું ભોજન પીરસવાનાં કાર્યક્રમને યાદગાર બનાવવા આયોજિત કરવામાં આવ્યો છે.
પૃષ્ઠભૂમિ
અક્ષયપાત્ર મધ્યાહ્ન ભોજન યોજનાનાં અમલીકરણમાં ભાગીદાર તરીકે કામ કરે છે.
પોતાની 19 વર્ષની સેવા યાત્રામાં અક્ષયપાત્ર ફાઉન્ડેશને બાર રાજ્યોની 14,702 શાળાઓમાં 1.76 મિલિયન બાળકોને મધ્યાહ્ન ભોજન ઉપલબ્ધ કરાવ્યું છે. વર્ષ 2016માં અક્ષયપાત્રએ ભારતનાં તત્કાલિકન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં કુલ મળીને 2 અબજ ભોજન પૂર્ણ કરવાનાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ ફાઉન્ડેશન માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારો સાથે મળીને કરોડો બાળકોની ગુણવત્તાયુક્ત, સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવા માટે કામ કરે છે.
મધ્યાહ્ન ભોજન યોજના વિશ્વમાં પોતાનાં પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ શાળાઓમાં 6 થી 14 વર્ષની વયનાં બાળકોની નોંધણી, હાજરીને વધારવાનો તથા બાળકોને અભ્યાસ કરતા જાળવી રાખવાનો છે. સાથે-સાથે આ કાર્યક્રમ બાળકોનાં સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે.
પ્રધાનમંત્રીએ 24 ઓક્ટોબર, 2018નાં રોજ નવી દિલ્હીમાં ‘Self4Society’ નામની એક એપના લોન્ચ પ્રસંગે અક્ષયપાત્ર ફાઉન્ડેશન વિશે કહ્યું કે, “અક્ષયપાત્ર એક સામાજિક સ્ટાર્ટ-અપ છે, જે એક અભિયાન બની ગયું છે અને તે શાળાનાં બાળકોને ભોજન પુરુ પાડે છે.”