પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરી, 2019નાં રોજ લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હીમાં ગુરુ ગોવિંદ સિંહજીની સ્મૃતિ સ્વરૂપે એક સિક્કો પ્રસિદ્ધ કરશે. આ કાર્યક્રમ ગુરુ ગોવિંદ સિંહજીની જન્મજયંતિની ઉજવણીનાં ઉપક્રમે યોજાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી એક જનસભાને સંબોધિત પણ કરશે.
શીખોનાં દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહજી પોતાનાં ઉપદેશો અને આદર્શોથી અનેક લોકો માટે પ્રેરણાસ્રોત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 જાન્યુઆરી, 2017નાં રોજ પટણામાં શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજની 350મી જન્મજયંતિની ઉજવણીમાં સામેલ થયાં હતાં. તેમણે આ પ્રસંગે ગુરુ ગોવિંદ સિંહજીની યાદ સ્વરૂપે એક પોસ્ટેજ સ્ટેમ્પ પ્રસિદ્ધ કર્યો હતો. પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ ખાલસા પંથ મારફતે દેશને એક કરવાનો વિશિષ્ટ પ્રયાસ કર્યો હતો એ બાબત પર અને ભારતનાં જુદા-જુદા વિસ્તારો સાથે સંબંધિત પંચપ્યારાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુરુ ગોવિંદ સિંહજીએ પોતાનાં ઉપદેશોમાં જ્ઞાનને કેન્દ્રમાં રાખ્યું હતુ.
પ્રધાનમંત્રીએ 30 ડિસેમ્બર, 2018નાં રોજ એમનાં રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ગુરુ ગોવિંદ સિંહજીની સમાજનાં નબળાં વર્ગો માટે લડતને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુરુ ગોવિંદ સિંહજી માનતા હતા કે તેમની સૌથી મોટી સેવા મનુષ્યની પીડાને દૂર કરવાની છે. તેમણે ગુરુ ગોવિંદ સિંહજીની વીરતા, ત્યાગ અને સમર્પણની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ 18 ઓક્ટોબર, 2016નાં રોજ લુધિયાણા નેશનલ એમએસએમઇ એવોર્ડ સેરેમનીમાં પ્રધાનમંત્રીએ ગુરુ ગોવિંદ સિંહજીનાં એ સંદેશને યાદ કર્યો હતો કે લોકોએ સંપૂર્ણ માનવજાતને સમાન ગણવી જોઈએ, કારણ કે કોઈ કોઈથી ચડિયાતું નથી કે કોઈ કોઈથી ઉતરતું નથી, કોઈ અસ્પૃશ્ય છે કે કોઈ સ્પૃશ્ય છે. કમનસીબે અસ્પૃશ્યતાની કુપ્રથા હજુ પણ અસ્તિત્વમાં છે. પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ, 2016નાં રોજ પોતાનાં રાષ્ટ્રજોગ સંબોધનમાં શીખ ગુરુઓની દેશ માટે ત્યાગની પરંપરાને યાદ કરી હતી.