પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૩ ઓક્ટોબરના રોજ પ્રવાસી ભારતીય કેન્દ્ર, નવી દિલ્હીમાં એક વિશેષ સમારોહ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના સૌથી મોટા પર્યાવરણીય સન્માન ‘યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ’ પુરસ્કાર પ્રાપ્ત કરશે. ન્યુયોર્ક ખાતે 73મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સમાંતરે 26 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવેલ આ પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેજ઼ દ્વારા એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનમેદનીને પણ સંબોધન કરશે.
પ્રધાનમંત્રી મોદીની આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સમર્થન પ્રાપ્ત કરવામાં તેમની મુખ્ય ભૂમિકા બદલ અને 2022 સુધીમાં ભારતમાં તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિકને દૂર કરવાની તેમની અભૂતપૂર્વ સંકલ્પ બદલ નેતૃત્વની શ્રેણીમાં તેમને પસંદ કરવામાં આવ્યા છે.
વાર્ષિક ‘ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ’ પુરસ્કાર સરકાર, નાગરિક સમાજ અને ખાનગી ક્ષેત્રમાંથી આવતા ઉત્કૃષ્ટ નેતાઓ કે જેમના પ્રયત્નોએ પર્યાવરણ પર હકારાત્મક અસર ઉભી કરી છે તેમને આપવામાં આવે છે.