પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 20 સપ્ટેમ્બર, 2018નાં રોજ નવી દિલ્હીમાં દ્વારકા ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ કેન્વેશન એન્ડ એક્સ્પો સેન્ટર (આઇઆઇસીસી)નું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી અહીં એકત્રિત જનમેદનીને સંબોધન કરશે.
સેક્ટર 25, દ્વારકામાં સ્થિત આ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરનું અત્યાધુનિક એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર બનશે, જે નાણાકીય, હોસ્પિટાલિટી અને રિટેલ સેવાઓ જેવી સુવિધા આપશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 25,700 કરોડ છે.
આ પ્રોજેક્ટ ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ (ડીઆઈપીપી) દ્વારા સ્થાપિત 100 ટકા સરકારી કંપની ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર એન્ડ એક્ઝિબિશન સેન્ટર લિમિટેડ (આઈઆઈસીસી લિમિટેડ) દ્વારા લાગુ કરવામાં આવે છે.