પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરશે.
પખવાડિયા સુધી ચાલનારા આ અભિયાનના શુભારંભ કાર્યક્રમનાં ભાગરૂપે પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશભરમાં 18 સ્થળેથી વિવિધ તબક્કાનાં લોકો સાથે વાત કરશે, જેમાં શાળાનાં બાળકો, સેનાનાં જવાનો, ધર્મગુરૂઓ, દૂધ અને કૃષિ સહકારી મંડળીઓનાં સભ્યો, મીડિયાનાં પ્રતિનિધિઓ, સ્થાનિક સરકારનાં પ્રતિનિધિઓ, રેલવેનાં કર્મચારીઓ, સ્વયંસહાય જૂથો અને સ્વચ્છાગ્રાહીઓ વગેરે સામેલ છે.
સ્વચ્છતા હી સેવા અભિયાનનો ઉદ્દેશ સ્વચ્છતા માટે લોકોની ભાગીદારી ઊભી કરવાનો છે, જે બીજી ઓક્ટોબર, 2018નાં રોજ સ્વચ્છ ભારત અભિયાનની ચોથી વર્ષગાંઠની ઉજવણી સાથે યોજાશે. ચાલુ વર્ષે બીજી ઓક્ટોબરથી મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે, જેનાં પ્રતીકરૂપે આ અભિયાન ચાલશે.
અગાઉ આ અભિયાનને “બાપુને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ” તરીકે ગણાવી પ્રધાનમંત્રી લોકોને વીડિયો સંદેશ આપ્યો હતો, જેમાં તેમણે લોકોને “આ અભિયાનમાં સામેલ થવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનાં પ્રયાસોને મજબૂત કરવા” લોકોને અનુરોધ કર્યો હતો.