પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર 2019ના રોજ મથુરામાં પગ અને મોંઢાના રોગો તથા બ્રુસેલોસિસ માટેના રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ રાષ્ટ્રીય કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવશે.
પ્રધાનમંત્રી મોદી પશુ વિજ્ઞાન અને આરોગ્ય મેળાની મુલાકાત લેશે અને દેશના તમામ 687 જિલ્લાઓમાં રસીકરણ અને રોગ નિયંત્રણ, કૃત્રિમ ગર્ભાધાન તથા પ્રજનનક્ષમતા વગેરે જેવા વિષયો પર કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકેએસ)માં સમાંતરે દેશવ્યાપી કાર્યશાળાઓ તેમજ બાબુગઢ સેક્સ સીમેન સુવિધાનો પણ પ્રારંભ કરાવશે.
પગ અને મોંઢાના રોગો તેમજ બ્રુસેલોસિસ માટે રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ એ 100 ટકા કેન્દ્ર દ્વારા સંચાલિત કાર્યક્રમ છે જેના માટે વર્ષ 2019 થી 2024 સુધીમાં 12,652 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રસીકરણ દ્વારા 2025 સુધીમાં પગ અને મોંઢાના રોગો તથા બ્રુસેલોસિસને નિયંત્રણમાં લાવવાનો અને આગળ જતા 20૩૦ સુધીમાં તેને નાબૂદ કરવાનો છે.