પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરી, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (પીએમઆરબીપી) ના વિજેતાઓ સાથે સંવાદ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
ભારત સરકાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અંતર્ગત બાળ શક્તિ પુરસ્કારથી સન્માનિત કરે છે. નવીનતા, શૈક્ષણિક સિદ્ધિઓ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી જેવા ક્ષેત્રોમાં અપવાદરૂપ ક્ષમતાઓ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ ધરાવતા બાળકોને બાળ શક્તિ પુરસ્કાર આપવામાં આવે છે. આ વર્ષે બાળ શક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરમાંથી 32 અરજદારોની પસંદગી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-પીએમઆરબીપી -2021 માટે કરવામાં આવી છે.