પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 માર્ચ 2021ના રોજ બપોરે 12 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવનિર્મિત ‘મૈત્રી સેતુ’નું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, પ્રધાનંમત્રી આ કાર્યક્રમ દરમિયાન ત્રિપુરામાં બહુવિધ માળખાગત સુવિધા પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
‘મૈત્રી સેતુ’નું નિર્માણ ફેની નદી પર કરવામાં આવ્યું છે જે ત્રિપુરા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશની સરહદે વહે છે. ‘મૈત્રી સેતુ’ નામ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને મૈત્રીનું પ્રતિક દર્શાવે છે. આ પૂલના બાંધકામનું કાર્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માળખાગત સુવિધા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને કુલ રૂપિયા 133 કરોડના ખર્ચે આ નિર્માણ કાર્ય સંપન્ન થયું છે. 1.9 કિમી લાંબો આ પૂલ ભારત બાજુથી સબરૂમ અને બાંગ્લાદેશ બાજુથી રામગઢને જોડે છે. આ પૂલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર અને લોકોથી લોકોના સંપર્ક માટેના આવનજાવનમાં એક નવા પ્રકરણનો પ્રારંભ કર્યો છે. આ ઉદ્ઘાટન સાથે, ત્રિપુરા ‘પૂર્વોત્તરનો ગેટવે’ બની જશે અને સબરૂમથી માત્ર 80 કિમીના અંતરે બાંગ્લાદેશના ચિત્તગોંગ બંદર સુધી પહોંચવાની સુગમતા પૂરી પાડશે.
પ્રધાનમંત્રી આ પ્રસંગે સબરૂમ ખાતે નવી એકીકૃત ચેકપોસ્ટ ઉભી કરવા માટે તેનો શિલાન્યાસ કરશે. તેનાથી બંને દેશો વચ્ચે માલસામાન અને લોકોની આવનજાવનનું કામ વધુ સરળ બનશે, પૂર્વોત્તરના રાજ્યના ઉત્પાદનો માટે નવા બજારની તકો ઉપલબ્ધ થશે અને ભારતથી બાંગ્લાદેશ વચ્ચે વિના અવરોધે મુસાફરોની અવરજવરમાં મદદ મળશે. આ પરિયોજના ભારતીય જમીન બંદર સત્તામંડળ દ્વારા અંદાજે રૂપિયા 232 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી કૈલાશહર ખાતે ઉનાકોટી જિલ્લા હેડક્વાર્ટરને ખોવાઇ જિલ્લા હેડક્વાર્ટર સાથે જોડતા NH 208ના નિર્માણનો શિલાન્યાસ પણ કરશે. તેનાથી NH 44નો એક વૈકલ્પિક રૂટ મળશે. 80 કિમી લાંબી NH 208 પરિયોજના રૂપિયા 1078 કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માળખાગત સુવિધા વિકાસ નિગમ દ્વારા હાથ ધરવામાં આવી છે.
પ્રધાનમંત્રીના હસ્તે રાજ્ય ધોરીમાર્ગો અને અન્ય જિલ્લા માર્ગોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે જે રૂપિયા 63.75 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેનાથી તમામ પ્રકારની આબોહવા દરમિયાન ત્રિપુરાના લોકોને માર્ગ કનેક્ટિવિટી ઉપલબ્ધ થઇ શકશે.
પ્રધાનમંત્રી આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બાંધવામાં આવેલા 40978 મકાનોનું પણ ઉદ્ઘાટન કરશે જે રૂપિયા 813 કરોડના આર્થિક ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ અગરતલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવેલા એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે.
વધુમાં, પ્રધાનમંત્રી જુના મોટર સ્ટેન્ડ ખાતે મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને વ્યાપારી સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. અંદાજે રૂપિયા 200 કરોડના રોકાણથી તેનું નિર્માણ કરવામાં આવશે. તેઓ લિચુબાગનથી હવાઇમથકના હાલના દ્વીમાર્ગી રોડને પહોળો કરીને ચાર-માર્ગી બનાવવા માટેની પરિયોજનાનો પણ શિલાન્યાસ કરશે. આ કામ અગરતલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લગભગ રૂપિયા 96 કરોડના ખર્ચે પૂરું કરવામાં આવશે.