પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરનાં રોજ દિલ્હી મેટ્રોની નવી મજેન્ટા લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ લાઇન નોઇડામાં બોટનિકલ ગાર્ડનને દિલ્હીમાં કાળકા માતાનાં મંદિર સાથે જોડે છે. તેનાથી નોઇડા અને દક્ષિણ દિલ્હી વચ્ચે પ્રવાસનાં સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નોઇડામાં એક જનસભા સંબોધિત કરશે.
આ નવી લાઇન કેન્દ્ર સરકારની દેશમાં શહેરી પરિવહન વ્યવસ્થાનું આધુનિકીકરણ કરવા પર ભાર મૂકવાની નીતિમાં વધુ એક કડી પુરવાર થશે. તે ટેકનોલોજી-કેન્દ્રિત અને પર્યાવરણને અનુકૂળ સામૂહિક ઝડપી શહેરી પરિવહન વ્યવસ્થા માટેનાં અભિયાનનું પ્રતિનિધિત્વ કરે છે.
આ ત્રીજી મેટ્રો છે, જેનું પ્રધાનમંત્રી વર્ષ 2017માં ઉદ્ઘાટન કરશે. અગાઉ તેમણે જૂનમાં કોચી મેટ્રો અને નવેમ્બરમાં હૈદરાબાદ મેટ્રો દેશને અર્પણ કરી હતી. આ બંને પ્રસંગોએ પ્રધાનમંત્રીએ જનસભાનાં સ્થળે પહોંચતા અગાઉ આ નવા લાઇનમાં પ્રવાસ કર્યો હતો.
શ્રી નરેન્દ્ર મોદી ઘણી વખત રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (એનસીઆર)માં કાર્યક્રમોમાં પ્રવાસ માટે મેટ્રોનો ઉપયોગ કરે છે. જાન્યુઆરી, 2016માં પ્રધાનમંત્રી અને ફ્રાંસનાં તત્કાલિન રાષ્ટ્રપતિ ફ્રેન્કોઇઝ હોલાન્દેએ દિલ્હીથી ગુરુગાંવ સુધી મેટ્રોમાં સફર કરી હતી તથા સંયુક્તપણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનાં હેડક્વાર્ટર્સ માટે શિલારોપણ કર્યું હતું. તાજેતરમાં એપ્રિલ, 2017માં પ્રધાનમંત્રી અને ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલે અક્ષરધામ ટેમ્પલ સુધી મેટ્રોમાં સફર કરી હતી.
સામૂહિક ઝડપી પરિવહન વ્યવસ્થામાં જોડાણ વધારવાનાં ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં આશરે કુલ 165 કિલોમીટરની લંબાઈ ધરાવતાં નવ મેટ્રો પ્રોજેક્ટ લોંચ કર્યા છે. કુલ 140 કિલોમીટરની લંબાઈને આવરી લેતાં પાંચ નવાં મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આગામી બે વર્ષમાં આશરે 250 કિલોમીટરની લંબાઈ ધરાવતી મેટ્રો લાઇનની દરખાસ્ત છે.