પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં શહેરી માળખાગત સંબંધિત 7 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાંથી 4 પરિયોજનાઓ પાણી પુરવઠા સંબંધિત, બે સીવરેજ ટ્રીટમેન્ટ અને એક રિવરફ્રન્ટ વિકાસને અનુલક્ષીને છે. આ પરિયોજનાઓની કુલ કિંમત 541 કરોડ છે. બિહારના શહેરી વિકાસ અને આવાસ વિભાગ હેઠળ BUIDCO દ્વારા આ પરિયોજનાઓનું અમલીકરણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
વિગતો
પટણા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તાર હેઠળ બેઉર અને કર્મલીચક ખાતે નમામિ ગંગે પરિયોજના હેઠળ બનાવાયેલા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનું ઉદઘાટન પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે.
સિવાન મ્યુનિસિપલ કાઉન્સિલ અને છપરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AMRUT મિશન અંતર્ગત નિર્માણ પામેલા પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદઘાટન પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ બંને યોજના થકી સ્થાનિક રહેવાસીઓને દિવસના 24 કલાક શુદ્ધ પીવાનું પાણી મળી શકશે.
AMRUT મિશન હેઠળના મુંગેર પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આ યોજનાથી મુંગેર મ્યુનિસિપલ કોર્પોરેશનના રહેવાસીઓને પાઇપલાઇનો દ્વારા શુદ્ધ પાણી મળી શકશે. જમાલપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં AMRUT મિશન હેઠળ જમાલપુર પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
નમામિ ગંગે યોજના હેઠળ નિર્માણ પામી રહેલા મુઝફ્ફરપુર રિવરફ્રન્ટ વિકાસ યોજનાનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. યોજના અંતર્ગત મુઝફ્ફરપુરના ત્રણ ઘાટ (પૂર્વી અખાડા ઘાટ, સીઢી ઘાટ અને ચંદવારા ઘાટ) નો વિકાસ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર શૌચાલયો, માહિતીની કિયોસ્ક, ચેન્જિંગ રૂમ, પાથવે, વોચ ટાવર વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઘાટ પર સલામતીની યોગ્ય વ્યવસ્થા, સાઈનેજ અને પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રિવરફ્રન્ટનો વિકાસ પણ પ્રવાસનને વેગ આપશે અને ભવિષ્યમાં તેને આકર્ષણનું કેન્દ્ર બનાવશે.