પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ફેબ્રુઆરી, 2021ના રોજ બપોર પછી 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કેરળમાં ઉર્જા અને શહેરી ક્ષેત્રની વિવિધ મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેરળના મુખ્યમંત્રી ઉપરાંત, ઉર્જા અને નવી તેમજ અક્ષય ઉર્જા મંત્રી (સ્વતંત્ર પ્રભાર), આવાસ અને શહેરી બાબતોના મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
પુગલુર – થ્રીસૂર ઉર્જા પરિવહન પરિયોજના
પ્રધાનમંત્રી આ પ્રસંગે પુગલુર (તમિલનાડુ) - થ્રીસૂર (કેરળ) વચ્ચે 320 KVની ઉર્જા પરિવહન પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ હાઇ વોલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ (HVDC) આધારિત વોલ્ટેજ સોર્સ કન્વર્ટર (VSC) પરિયોજના છે અને તેમાં ભારતની સૌપ્રથમ HVDC લિંક છે જે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ VSC ટેકનોલોજીથી સજ્જ છે. રૂપિયા 5070 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ પરિયોજનાના માધ્યમથી પશ્ચિમી પ્રદેશમાંથી 2000 MW વીજળીનું પરિવહન થઇ શકશે જેના કારણે કેરળના લોકોની વીજળીની વધતી માંગના ભારણને પૂરું કરવામાં મદદ મળશે. આ VSC આધારિત સિસ્ટમમાં ઓવરહેડ લાઇનો સાથે HVDC XLPE (ક્રોસ-લિંક્ડ પોલીથિલિન) કેબલ એકીકૃત કરવામાં આવ્યો છે જેના કારણે રાઇટ-ઓફ-વે બચાવી શકાય છે તેમજ પરંપરાગત HVDC પ્રણાલીની તુલનાએ જમીન પર 35-40% ઓછો ફેલાવો ધરાવે છે.
કાસરગોડ સૌર ઉર્જા પરિયોજના
પ્રધાનમંત્રી 50 MW ક્ષમતાની કાસરગોડ સૌર ઉર્જા પરિયોજના પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. રાષ્ટ્રીય સૌર ઉર્જા મિશન હેઠળ આ પરિયોજનાનો વિકાસ કરવામાં આવ્યો છે. કાસરગોડ જિલ્લાના પૈવાલિક, મીન્જા અને ચીપ્પર ગામમાં 250 એકરથી વધારે ક્ષેત્રફળમાં ફેલાયેલી આ પરિયોજનાનું નિર્માણ કેન્દ્ર સરકારના અંદાજિત રૂપિયા 280 કરોડના રોકાણથી કરવામાં આવ્યું છે.
એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્ર
પ્રધાનમંત્રી તિરુવનંતપુરમ ખાતે એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્રના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ પરિયોજના રૂપિયા 94 કરોડના ખર્ચે તૈયાર થશે, જે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્માર્ટ ઉકેલો પૂરા પાડવા માટે નિર્માણ થઇ રહી છે અને કટોકટીની સ્થિતિ દરમિયાન સંકલિત પગલાંઓ લેવા માટે તે એક સહિયારા સ્થળ તરીકે પણ કામ કરશે.
સ્માર્ટ માર્ગ પરિયોજના
પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં સ્માર્ટ માર્ગ પરિયોજનાનો પણ શિલાન્યાસ કરશે. આ પરિયોજના અંદાજે રૂપિયા 427 કરોડના ખર્ચે નિર્માણ પામી રહી છે જેનો ઉદ્દેશ તિરુવનંતપુરમના હાલના 37 કિમીના માર્ગોમાં તમામ ઓવરહેડ યુટિલિટી, અન્ડરનીથ અને અન્ડરટેકિંગ માર્ગો તેમજ જંકશનમાં સુધારો કરીને તેને વિશ્વસ્તરીય સ્માર્ટ માર્ગોમાં પરિવર્તિત કરવામાં આવશે.
અરુવિક્કરા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
પ્રધાનમંત્રી અરુવિક્કરા ખાતે AMRUT મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવેલા 75 MLD (મિલિયન લીટર પ્રતિ દિવસ) ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આના કારણે તિરુવનંતપુરમના લોકો માટે પીવાના પાણીના પૂરવઠામાં વૃદ્ધિ થશે અને અરુવિક્કરા ખાતે હાલમાં કાર્યરત ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની જાળવણીના કાર્યની સ્થિતિમાં શહેરના લોકોને પાણી પૂરવઠામાં જે વિક્ષેપોનો સામનો કરવો પડે છે તેનો પણ ઉકેલ લાવી શકાશે.