પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 31 ઓગસ્ટ 2018ના રોજ ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઑફ યુનિટી” રાષ્ટ્રને સમર્પિત કરશે.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે તેમની 182 મીટર ઊંચી પ્રતિમા ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે લોકાર્પિત થશે.
આ સમારંભના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવો કળશમાં માટી અને નર્મદાનાં જળ સિંચીને “સ્ટેચ્યુ ઑફ યુનિટી” રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી એક લીવર દબાવીને મૂર્તિનો વર્ચ્યુઅલ અભિષેક કરશે.
પ્રધાનમંત્રી ત્યાં ઉપસ્થિત જન સમુદાયને સંબોધન પણ કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી વૉલ ઑફ યુનિટી ખાતે આવશે અને તેનું ઉદઘાટન કરશે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના ચરણોમાં પ્રધાનમંત્રી વિશેષ પ્રાર્થના પ્રસ્તુત કરશે. તેઓ સંગ્રહાલય અને પ્રદર્શન તથા વ્યૂઅર્સ ગેલેરીની મુલાકાત લેશે. આ ગેલેરી 153 મીટર ઊંચે આવેલી છે અને તેમાં 200 મુલાકાતીઓ સુધીની સંખ્યાનો એક સાથે સમાવેશ કરી શકાય છે. આ સ્થળેથી સરદાર સરોવર બંધ, તેના જળાશય અને સાપુતારા તથા વિંધ્ય પર્વતમાળાનું નયનરમ્ય દ્રશ્ય નિહાળી શકાય છે.
લોકાર્પણ સમારોહ પ્રસંગે ભારતીય હવાઈ દળના વિમાનો ફ્લાયપાસ્ટ કરશે અને વિવિધ ટુકડીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.