પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દિનાં સમાપન સમારોહમાં ભાગ લેશે.
આ અવસરે તેઓ મોતીહારીમાં 20,000 સ્વચ્છાગ્રહીઓ તથા સ્વચ્છતા રાજદૂતોને સંબોધિત કરશે. સ્વચ્છાગ્રહીઓ ‘પાયાના સૈનિકો’ છે અને ગ્રામ્ય સ્તર પર સ્વચ્છતાને સામુદાયિક દ્રષ્ટિકોણથી (સીએએસ) લાગુ કરવા માટેના પ્રેરકો છે. સ્વચ્છાગ્રહીઓ રાષ્ટ્રને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાની દિશામાં પ્રગતિ માટે ખૂબ મહત્વનાં છે.
10 એપ્રિલ, 1917ના રોજ મહાત્મા ગાંધીએ એક સદી પહેલાં ચંપારણ સત્યાગ્રહની શરૂઆત કરી હતી, તેમણે ગળીની ખેતી કરતા ખેડૂતોનાં હક્ક માટે અંગ્રેજો વિરૂદ્ધ લડત આપી હતી. એપ્રિલ 10, 2018 ચંપારણ સત્યાગ્રહના શતાબ્દી વર્ષ ઉજવણીના સમાપનને ચિહ્નિત કરે છે અને તેને ‘સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ’ અભિયાન તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી આ અવસરે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું અનાવરણ પણ કરશે.