પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહત્વાકાંક્ષી જિલ્લાઓના પરિવર્તન પર સંમેલનને સંબોધશે. આ કાર્યક્રમ નીતિ આયોગે નવી દિલ્હીમાં ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત કર્યો છે. પ્રધાનમંત્રી 100 જિલ્લાની કાયાપલટની સત્તાવાર જવાબદારી સંભાળતા અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરશે.
વર્ષ 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયાનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે જિલ્લાઓનાં ઝડપથી પરિવર્તનની મુખ્ય નીતિગત પહેલ હાથ ધરી છે. તેમાં એવા 100 જિલ્લા પસંદ કરવામાં આવ્યાં છે, જે વિકાસનાં ચોક્કસ માપદંડોમાં પાછળ રહી ગયા છે. અધિક સચિવ અને સંયુક્ત સચિવની રેન્કનાં વરિષ્ઠ સરકારી અધિકારીઓને આ જિલ્લાઓની ચોક્કસ વિકાસલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા, કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં પ્રયાસોનું સંકલન કરવા માટે ઓફિસર્સ ઇન-ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.