પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને શ્રીલંકામાં આજે થયેલા આતંકવાદી હુમાલામાં 150થી વધુ નિર્દોષ લોકોના મૃત્યુ થવા બદલ પોતાની તરફથી અને દરેક ભારતીયો તરફથી સંવેદના વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ધાર્મિક સ્થળો સહિત એક ધાર્મિક ઉત્સવ દરમિયાન શ્રેણિબદ્ધ રીતે કરવામાં આવેલા આ આતંકવાદી હુમલાની ખૂબ જ કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે આ ઘટનાને નિર્મમ, પૂર્વનિયોજિત અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે, આ હુમલાએ આપણા ક્ષેત્ર અને પૂરી દુનિયામાં આતંકવાદ દ્વારા સંપૂર્ણ માનવતા સામે કરવામાં આવેલા સૌથી ગંભીર પડકારની યાદ અપાવી છે.
પ્રધાનમંત્રીએ શ્રીલંકાને આતંકવાદ જેવા પડકારની સામે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ મદદ માટેના પ્રસ્તાવનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેમણે ઇજાગ્રસ્ત લોકોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી અને તેમની જરુરી સારવાર માટે મદદની રજૂઆત કરી હતી.