જલ શક્તિ અભિયાન
મન કી બાતમાં આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જલ શક્તિ અભિયાન લોકભાગીદારીની મદદથી ઝડપી અને સફળ પગલાં લઈ રહ્યું છે. તેમણે દેશના દરેક વિસ્તારમાં ચાલી રહેલા કેટલાક વિસ્તૃત અને નવીન જળસંચયના પ્રયાસો અંગે વાત કરી હતી.
રાજસ્થાનના જાલોર જિલ્લા વિશે ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, “ત્યાં બે ઐતિહાસિક કુવાઓ કચરો અને ગંદા પાણીનાં ભંડારમાં ફેરવાઈ ગયા હતા. પરંતુ એક સારા દિવસે ભદ્રાયન અને થાણાવાલા પંચાયતોના સેંકડો લોકોએ જલ શક્તિ અભિયાન અંતર્ગત તેને કાયાકલ્પ કરવાનો સંકલ્પ લીધો હતો. વરસાદ પૂર્વે, લોકો કુવામાં એકત્રિત થયેલું ગંદુ પાણી, કચરો અને કાદવ સાફ કરવાની કામગીરીમાં લાગી ગયા. આ અભિયાન માટે, કેટલાક લોકોએ દાન આપ્યું હતું; બીજા કેટલાક લોકએ શ્રમદાન કરી પરસેવો પાડ્યો. આ પગલાંઓને પરિણામે આ કુવા હવે તેમની જીવાદોરી બની ગયા છે.
તેવી જ રીતે ઉત્તરપ્રદેશનાં બારાબંકીમાં સારાહી તળાવ ગામ લોકોના સામૂહિક પ્રયત્નોથી જીવંત થયું છે. લોક ભાગીદારીનું બીજું ઉદાહરણ ઉત્તરાખંડમાં અલ્મોરા-હલ્દાની હાઇવે પાસેનું સ્યૂનરાકોટ ગામ છે. અહીંના લોકોએ તેમના ગામમાં પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પોતે જ જવાબદારી ઉપાડી લીધી. લોકોએ પૈસા એકઠા કર્યા, શ્રમદાન કર્યું. ગામ સુધી એક પાઇપ નાખવામાં આવી હતી અને એક પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આમ પાણીની વર્ષો જૂની સમસ્યાનું સમાધાન થઈ ગયું.
પ્રધાનમંત્રીએ સૌને વિનંતી કરી કે #Jalshakti4India નો ઉપયોગ કરીને જળ બચાવ અને જળ સંચયના આવા પ્રયત્નોની વાતો પ્રસિદ્ધ કરે.
જલ શક્તિ અભિયાન – જળ બચાવ અને જળ સુરક્ષા માટેનું અભિયાન ગયા ચોમાસામાં જુલાઈ, 2019થી શરૂ થયું હતું. આ અભિયાન પાણીની અછત ધરાવતા જિલ્લાઓ અને બ્લોક પર કેન્દ્રિત છે.