પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેલિફોન પર કતારનાં અમીર શેખ તમિમ બિન એહમદ બિન ખલીફા અલથાની સાથે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતે કતાર સાથેનાં સંબંધોને મજબૂત બનાવવા ઘણું મહત્વ આપ્યું છે જેથી કતાર આપણું પડોશી રાષ્ટ્ર હોવીની સાથે-સાથે નજીકનું મિત્ર પણ છે. પ્રધાનમંત્રીએ મહામહિમ અમીરનો તેમનાં નેતૃત્વ અને ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન બંને દેશો વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને ઝડપથી વધારે ગાઢ બનાવવા માટે આપેલા માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો.
બંને નેતાઓએ અત્યારનાં સ્થિતિસંજોગો બાબતે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય ઉપખંડ અને એશિયામાં શાંતિ અને સલામતી માટે આતંકવાદ સતત ગંભીરરૂપે જોખમી બની રહ્યું છે. તેમણે આતંકવાદનાં તમામ સ્વરૂપોનો અંત લાવવા સંબંધિત પક્ષ દ્વારા જોઈ-અનુભવી શકાય એવી તાત્કાલિક કામગીરીની જરૂરિયાત અને તેના માટે સંપૂર્ણ સાથસહકાર આપવા પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓએ અબુ ધાબીમાં ગઈ કાલે આયોજિત ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી)નાં વિદેશ મંત્રીઓની બેઠકની 46મી પરિષદમાં ગેસ્ટ ઑફ ઑનર તરીકે ભારતનાં વિદેશ મંત્રીની ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ભાગીદારીની નોંધ લીધી હતી.