પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની યાત્રા પૂર્વે રવાના થતા અગાઉ તેમનું વિદાય વક્તવ્ય નીચે મુજબ છે.
“હું 29 મેથી 2 જુન 2018 દરમિયાન ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જઈશ. આ તમામ ત્રણેય દેશો સાથે ભારતની મજબુત વ્યુહાત્મક ભાગીદારી છે.
29 મે ના રોજ હું ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વીડોડોના આમંત્રણ પર જાકાર્તા જઈશ. પ્રધાનમંત્રી તરીકેની ઇન્ડોનેશિયાની આ મારી સૌપ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ વિડોડો સાથે તેમજ ભારત ઇન્ડોનેશિયા સીઈઓ ફોરમ સાથે હું 30 મેના રોજ ચર્ચા વિચારણા હાથ ધરીશ. હું ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધન કરીશ.
ભારત અને ઇન્ડોનેશિયા મજબુત અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે તેમજ ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણોના સહભાગી રાષ્ટ્રો છે. બંને દેશો અનેક વંશો, અનેક ધર્મો, બહુલતાવાદી અને મુક્ત સમાજો છે. મને વિશ્વાસ છે કે ઇન્ડોનેશિયાની મારી આ મુલાકાત એશિયાની આ બંને વિશાળ લોકશાહીઓ વચ્ચે અદ્ભુત સુમેળ સાધશે અને અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.
31 મેના રોજ, સિંગાપોરની મારી યાત્રા દરમિયાન હું મલેશિયાના નવા નેતાને અભિનંદન પાઠવવા માટે મલેશિયામાં એક નાનકડો વિરામ લઈશ. ત્યાં હું પ્રધાનમંત્રી ડૉ. મહાથીર મોહમદને મળવાની આશા રાખું છું.
સિંગાપોરમાં હું ફિનટેક, કૌશલ્ય વિકાસ, શહેરી આયોજન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ક્ષેત્રોમાં ભારત સિંગાપોરની ભાગીદારીને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. શહેરી વિકાસ, આયોજન, સ્માર્ટ સીટીઝ અને માળખાગત બાંધકામ વિકાસ જેવા ક્ષેત્રોમાં સિંગાપોર એ ભારત સાથેનું મોટું ભાગીદાર દેશ બન્યું છે. સિંગાપોરની મારી આ મુલાકાત બંને દેશોને આ દિશામાં આગળ વધુ જોડાવા માટેની તક પૂરી પાડે છે.
31 મેના રોજ, હું ભારત-સિંગાપોર ઉદ્યોગ સાહસો અને નવીનીકરણ પ્રદર્શનની મુલાકાત લઈશ. હું એક વ્યવસાય અને સામુદાયિક કાર્યક્રમમાં સંબોધન પણ કરીશ અને ત્યારબાદ વેપાર અને રોકાણની તકો અંગે ચર્ચા કરવા માટે સિંગોપોરના પસંદ કરાયેલ ટોચના સીઈઓ સાથે એક ગોળમેજી પરિષદમાં ભાગ લઈશ.
1 જુનના રોજ હું સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમાહ યાકોબની મુલાકાત લઈશ. હું પ્રધાનમંત્રી લી સાથે પ્રતિનિધિસ્તરની મુલાકાતમાં પણ ભાગ લઈશ અને ત્યારબાદ હું નાનયાંગ ટેકનોલોજીકલ યુનીવર્સીટીની મુલાકાતે જવાની આશા રાખું છું કે જ્યાં હું યુવાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીશ.
તે સાંજે હું શાંગ્રી-લા પરિષદમાં મારું મુખ્ય વક્તવ્ય આપીશ. આ સૌપ્રથમ વાર બનવા જઈ રહ્યું છે કે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રી આ વક્તવ્ય આપી રહ્યા હશે. પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ અને પ્રદેશમાં શાંતિ અને સંતુલિતતા જાળવી રાખવા માટે ભારતના દ્રષ્ટિકોણને રજુ કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ અવસર બની રહેશે.
2 જૂનના રોજ હું કલીફોર્ડ પાયર ખાતે એક તકતીનું અનાવરણ કરીશ કે જ્યાં 27 માર્ચ, 1948ના રોજ ગાંધીજીના અસ્થીઓને સમુદ્રમાં પધરાવવામાં આવ્યા હતા. હું ભારત સાથે સાંસ્કૃતિક સંબંધ ધરાવતા કેટલાક ધાર્મિક સ્થાનોની પણ મુલાકાત લઈશ.
મારા સમગ્ર કાર્યક્રમના અંતિમ તબક્કામાં હું સિંગાપોરમાં ચાંગી નેવલ બેઝની મુલાકાત લઈશ કે જ્યાં હું ભારતીય નૌકા જહાજ આઈએનએસ સાતપુડાની મુલાકાત લઈશ અને ત્યાં હું ભારતીય નૌકાદળના અને રોયલ સિંગાપોર નેવીના અધિકારીઓ તેમજ ખલાસીઓ સાથે સંવાદ હાથ ધરીશ.
મને વિશ્વાસ છે કે ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મારી આ મુલાકાત આપણી એક્ટ ઇસ્ટ પોલીસીને વધુ ગતિ પૂરી પાડશે અને આ તમામ ત્રણેય રાષ્ટ્રો સાથેના આપણા સંબંધો અને ભાગીદારીને મજબૂત બનાવશે.”