29 ઓક્ટોબર, 2019નાં રોજ હું સાઉદી અરબની એક દિવસીય સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. આ પ્રવાસ સાઉદી અરબનાં શાહ સલમાન બિન અબ્દુલ અજિજ અલ-સઉદનાં નિમંત્રણ પર રિયાદમાં આયોજિત થનારી ત્રીજી ફ્યુચરિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ કોન્ફરન્સનાં સંપૂર્ણ સત્રમાં સામેલ થવા માટે છે.
રિયાદની યાત્રા દરમિયાન હું સાઉદી અરબનાં શાહ સાથે દ્વિપક્ષીય ચર્ચાવિચારણા કરીશ. હું સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ, એચઆરએચ મોહમ્મદ બિન સલામન સાથે પોતાની બેઠક દરમિયાન દ્વિપક્ષીય સાથસહકાર ઉપરાંત પારસ્પરિક હિતનાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની અનેક બાબતો પર ચર્ચાવિચારણા કરીશ.
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે પરંપરાગત ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યાં છે. સાઉદી અરેબિયા ભારતની ઊર્જા જરૂરિયાતો માટે સૌથી મોટા અને વિશ્વસનિય પુરવઠાકર્તાઓમાંથી એક છે.
ફેબ્રુઆરી, 2019માં નવી દિલ્હીની પોતાની યાત્રા દરમિયાન ક્રાઉન પ્રિન્સે ભારતમાં પ્રાથમિકતાનાં ક્ષેત્રોમાં 100 અબજ અમેરિકન ડોલરથી વધારે રોકાણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સાઉદી અરબ સાથે દ્વિપક્ષીય સાથસહકાર વધારવા માટે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, સંસ્કૃતિ, શિક્ષણ અને બંને દેશોનાં લોકો વચ્ચે પારસ્પરિક સંપર્ક જેવા વિષયો અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સામેલ છે.
આ મુલાકાત દરમિયાન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ)ની સ્થાપના માટે સમજૂતી, ભારત-સાઉદી અરેબિયાની ભાગીદારીને એક નવા સ્તર પર લઈ જશે.
હું ફ્યુરિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ કોન્ફરન્સની ત્રીજી બેઠકમાં મારી ભાગીદારીને લઈને આશા ધરાવું છું, જ્યાં હું ભારતમાં વૈશ્વિક રોકાણકારો માટે વેપાર અને રોકાણની વધતી તકો વિશે વાત રજૂ કરીશ, કારણ કે દેશ વર્ષ 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની દિશામાં અગ્રેસર છે.