પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોવામાં 15 અને 16 ઓક્ટોબર, 2016ના રોજ આયોજિત આઠમી બ્રિક્સ સમિટ અને પ્રથમ બ્રિક્સ-બિમ્સ્ટેક આઉટરીચ સમિટમાં સહભાગી થશે. સમિટ અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિક્સના નેતાઓને અને બિમ્સ્ટેક કુટુંબોને આવકાર આપ્યો છે.
ફેસબુક પર પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કેઃ
“ભારતને 15 અને 16 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં આઠમી બ્રિક્સ સમિટના યજમાન બનવાની ખુશી છે, જે પછી સૌપ્રથમ બ્રિક્સ-બિમ્સ્ટેક આઉટરિચ સમિટ યોજાશે. હું બ્રિક્સના 10 નેતાઓને અને બિમ્સ્ટેક કુટુંબોનું ઉષ્માસભર સ્વાગત કરવા આતુર છું. ગોવામાં મને ભારત-રશિયા વાર્ષિક સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિનને આવકારવાનું અને દ્વિપક્ષીય મુલાકાત માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિ માઇકલ ટેમેરને આવકારવાનું માન મળશે.
રાષ્ટ્રપતિ પુટિનની મુલાકાત આપણને રશિયા સાથે ભાગીદારી અને મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવાની અને તેને પુનઃપુષ્ટિ આપવાની તક પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ ટેમેરની મુલાકાત આપણા મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર બ્રાઝિલ સાથે નવા ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાના દ્વાર ખોલશે.
હું ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયાના મારા સાથી નેતાઓ સાથે ફળદાયક વાટાઘાટ કરવા પણ આતુર છું, જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પડકારજનક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે, જે આપણા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે અવરોધરૂપ છે.
ચાલુ વર્ષે બ્રિક્સના અધ્યક્ષ તરીકે ભારતે વેપાર, રમતગમત, શિક્ષણ, ફિલ્મ, શિષ્યવૃત્તિ અને પ્રવાસન સહિત વિવિધ ક્ષેત્રોમાં લોકો વચ્ચેના જોડાણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે.
અમે એ માન્યતામાં વિશ્વાસ ધરાવીએ છીએ કે આપણા લોકો જવાબદાર, સંયુક્ત અને સર્વસમાવેશક ઉકેલ લાવવાના આપણા પ્રયાસોમાં નિર્ણાયક ભાગીદારો છે. અમે ગોવામાં નવી પહેલો પણ શરૂ કરી છે અને અમે બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને કન્ટિજન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ (આકસ્મિક અનામત ભંડોળની વ્યવસ્થા) જેવી પહેલો સફળતાપૂર્વક કાર્યરત કરી છે.
મને આશા છે કે બ્રિક્સ સમિટ બ્રિક્સના દેશો વચ્ચે સહકારને મજબૂત કરશે તથા વિકાસ, શાંતિ, સ્થિરતા અને સુધારણા માટે આપણા સામાન્ય એજન્ડાને આગળ ધપાવશે.
સૌપ્રથમ મને ખુશી છે કે બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડના બિમ્સ્ટેડ નેતાઓ સાથે આઉટરિચ સમિટ સુલભ કરવા ભારત સુવિધા પ્રદાન કરે છે.
અહીં લગભગ બે તૃતિયાંશ મનુષ્યોના નેતાઓ ભેગા થયા છે અને આપણને સહકારની તક મળવાની આશા છે, જેનો લાભ આગળ જતા તમામ દેશોને મળશે.
ભારત નવી ભાગીદારીઓ કરવા તથા આપણી સમસ્યાઓનું સામાન્ય સમાધાન અને નિરાકરણ શોધવા આતુર છે.”