મને તમારી વાતો સાંભળીને બહુ સારું લાગ્યું અને મને ખુશી છે કે, આજે અમારા સાથી મંત્રી પિયૂષજી, સંજયજી, આ તમામ લોકો પણ આપણી સાથે છે. સાથીદારો ‘ટૉયકેથોન’માં જે દેશભરના સહભાગીઓ છે, અન્ય જે મહાનુભાવો છે વગેરે તમામ આજે આ કાર્યક્રમને જોઈ રહ્યાં છે.
આપણા ત્યાં કહેવાય છે – ‘સાહસે ખલુ શ્રીઃ વસતિ’ એટલે જ્યાં સાહસ, ત્યાં શ્રીનો વાસ. જ્યાં સાહસિકતા હોય, ત્યાં સમૃદ્ધિ વસે છે. આ પડકારજનક સમયમાં દેશના પ્રથમ ટૉયકેથોનનું આયોજન આ જ ભાવનાને મજબૂત કરે છે. આ ‘ટૉયકેથોન’માં આપણા બાળમિત્રોથી લઈને યુવાન સાથીદારો, શિક્ષકો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોએ પણ બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે. પહેલી વારમાં જ દોઢ હજારથી વધારે ટીમોનું ગ્રાન્ડ ફિનાલેમાં સામેલ થવું – આ ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. આ રમકડાં અને રમતોની બાબતમાં આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મજબૂતી પ્રદાન કરે છે. એમાં કેટલાંક સાથીદારોને બહુ સારા વિચારો પણ બહાર આવ્યાં છે. હમણા કેટલાંક સાથીદારો સાથે મને વાતચીત કરવાની તક પણ મળી. હું આ માટે ફરી એકવાર અભિનંદન આપું છું.
સાથીદારો,
છેલ્લાં 5થી 6 વર્ષ દરમિયાન હેકેથોનને દેશની સમસ્યાઓનું સમાધાન શોધવાનું એક મોટું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. એની પાછળનો વિચાર છે – દેશની યુવાશક્તિને સંગઠિત કરી એને એક માધ્યમ પ્રદાન કરવું. દેશના પડકારો અને સમાધાનો સાથે આપણા યુવાધનને સીધા જોડાવાનો વિચાર છે, પ્રયાસ છે. જ્યારે આ જોડાણ મજબૂત થાય છે, ત્યારે આપણી યુવાશક્તિની પ્રતિભા સામે આવે છે અને દેશને શ્રેષ્ઠ સમાધાન મળે છે. દેશના સૌપ્રથમ ‘ટૉયકેથોન’નો ઉદ્દેશ પણ આ જ છે. મને યાદ છે, મેં રમકડાં અને ડિજિટલ ગેમિંગની દુનિયામાં આત્મનિર્ભરતા અને સ્થાનિક સમાધાનો માટે યુવા સાથીદારોને અપીલ કરી હતી. એનો એક સકારાત્મક પ્રતિભાવ દેશમાં જોવા મળી રહ્યો છે. જોકે થોડા લોકોને એવું પણ લાગે છે કે, રમકડાંને લઈને આટલી ગંભીર ચર્ચાની જરૂર શા માટે છે? હકીકતમાં આ રમકડાં, આ ગેમ્સ – આપણી માનસિક શક્તિ, આપણી રચનાત્મકતા અને આપણા અર્થતંત્ર – આ પ્રકારના અનેક પાસાંઓને પ્રભાવિત કરે છે. એટલે આ વિષયોની વાત પણ એટલી જ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે, જો બાળકોની પ્રથમ પાઠશાળા પરિવાર હોય છે, તો પ્રથમ પુસ્તક અને પ્રથમ મિત્ર, આ રમકડાં જ હોય છે. સમાજની સાથે બાળકોનો પ્રથમ સંવાદ આ રમકડાંનાં માધ્યમથી થાય છે. તમે જોયું હશે કે બાળકો રમકડાં સાથે વાતો કરે છે, તેમને સૂચના આપે છે, તેમની પાસે કોઈ કામ કરાવે છે, કારણ કે એનાથી જ તેમના સામાજિક જીવનની એક રીતે શરૂઆત થાય છે. એ જ રીતે આ રમકડાં, આ બોર્ડ ગેમ્સ, ધીમે ધીમે તેમની સ્કૂલ લાઇફનો પણ એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે, શીખવા અને શીખવાડવાનું માધ્યમ બની જાય છે. આ ઉપરાંત રમકડા સાથે જોડાયેલું અન્ય એક મોટું પાસું છે, જેને દરેકે જાણવાસમજવાની જરૂર છે. એ છે – રમકડાં અને ગેમિંગની દુનિયાનું અર્થતંત્ર – ટૉયકોનોમી. જ્યારે આજે આપણે વાત કરી રહ્યાં છીએ, ત્યારે મારે તમને જણાવવું છે કે, દુનિયામાં રમકડાનું બજાર લગભગ 100 અબજ ડોલરનું છે. તેમાં ભારતનો હિસ્સો ફક્ત દોઢ અબજ ડોલર જેટલો છે, ફક્ત દોઢ અબજ. એટલું જ નહીં આપણે આપણી જરૂરિયાતના 80 ટકા રમકડાંની પણ વિદેશમાંથી આયાત કરીએ છીએ. એટલે એના પર દેશના કરોડો રૂપિયાનું ધોવાણ થાય છે. આ સ્થિતિને બદલવી બહુ જરૂરી છે. આ ફક્ત આંકડાની વાત નથી, પણ આ ક્ષેત્ર દેશના એ વર્ગો સુધી પહોંચવાનું, એ હિસ્સા સુધી વિકાસના ફાયદા પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે, જ્યાં એની સૌથી વધુ જરૂર છે. આપણો કુટિર ઉદ્યોગ રમત સાથે જોડાયેલો છે, આપણી કળા સાથે જોડાયેલો છે, એની સાથે કારીગરો જોડાયેલા છે – આ કારીગરો ગામડામાં, ગરીબ, દલિત, આદિવાસી સમાજમાં મોટી સંખ્યામાં છે. આપણા આ સાથીદારો બહુ મર્યાદિત સંસાધનો સાથે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિનાં વિવિધ સ્વરૂપો, વિવિધ પાસાંને પોતાની શ્રેષ્ઠ કળા સાથે રમકડાં સ્વરૂપે વ્યક્ત કરે છે. ખાસ કરીને એમાં આપણી બહેનો, આપણી દિકરીઓ બહુ મોટી ભૂમિકા ભજવી રહી છે. રમકડાં સાથે જોડાયેલા ક્ષેત્રના વિકાસમાં, આવી મહિલાઓની સાથે દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આપણા આદિવાસી અને ગરીબ સાથીદારોને પણ બહુ મોટો લાભ થશે. પણ જ્યારે આપણે સ્થાનિક રમકડાંઓને વધુ અપનાવીશું, આપણે લોકલ રમકડાંઓ માટે વધારે વોકલ થઇશું, ત્યારે આ શક્ય છે. આપણે આ સાથીદારોનું કૌશલ્ય વધારવા, તેમના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મક બનાવવા માટે દરેક સ્તરે પ્રોત્સાહન આપવું પડશે. આ માટે ઇનોવેશનથી લઈને ધિરાણ સુધી નવું મોડલ વિકસાવવું જરૂરી છે. દરેક નવા વિચારને પોષણ આપવું, પ્રોત્સાહન આપવું જરૂરી છે. નવા સ્ટાર્ટઅપ્સને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તથા રમકડાની પરંપરાગત કળાને, કલાકારોને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય, નવી ટેકનોલોજી કેવી રીતે અપનાવી શકાય, નવા બજારોની માગ અનુસાર તેમને કેવી રીતે તૈયાર કરી શકાય – આ તમામ બાબતોનો વિચાર કરવો જરૂરી છે. ‘ટૉયકેથોન’ જેવા આયોજનો પાછળ આ જ વિચાર છે.
સાથીદારો,
સસ્તાં ડેટા અને ઇન્ટરનેટમાં આવેલી ઝડપ હાલ દેશનાં દરેક ગામડાને એકતાંતણે બાંધવાનું, ડિજિટલ કનેક્ટ કરવાનું કામ કરી રહી છે. એટલે ફિઝિકલ ખેલ અને રમકડાઓની સાથે સાથે વર્ચ્યુઅલ, ડિજિટલ, ઓનલાઇન ગેમિંગમાં પણ ભારતની સંભાવનાઓ અને ક્ષમતાઓ – બંનેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પણ અત્યારે બજારમાં ઓનલાઇન કે ડિજિટલ ગેમ્સ ઉપલબ્ધ છે, એમાંથી મોટા ભાગની વિભાવના ભારતીય નથી, એ આપણી વિચારસરણી સાથે સંબંધિત નથી. તમે પણ જાણો છો કે, આમાં અનેક ગેમ્સનો કન્સેપ્ટ હિંસાને પ્રોત્સાહન આપે છે અથવા માનસિક તણાવને જન્મ આપે છે. એટલે આપણી જવાબદારી છે કે, ભારતીય ચિંતન આધારરૂપ હોય એવી વિભાવના ધરાવતી વૈકલ્પિક ગેમ્સ બનાવીએ, જે સંપૂર્ણ માનવજાતના કલ્યાણ સાથે જોડાયેલી હોય. એ ટેકનિકલ રીતે શ્રેષ્ઠ હોય, એમાંથી મનોરંજન પણ મળતું હોય અને ફિટનેસ પણ મળતી હોય – ટૂંકમાં એક પંથ દો કાજ. મને સ્પષ્ટપણે જોવા મળે છે કે ડિજિટલ ગેમિંગ માટે જરૂરી સામગ્રી અને ક્ષમતા આપણે ત્યાં પુષ્કળ છે. આપણે ‘ટૉયકેથોન’માં પણ ભારતની આ ક્ષમતાને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એમાં પણ જે આઇડિયા પસંદ થયો છે, એમાં મેથ્સ અને કેમિસ્ટ્રીને સરળ બનાવતા કન્સેપ્ટ છે, અને સાથે સાથે મૂલ્ય આધારિત સમાજને મજબૂત કરતા વિચારો પણ છે. જેમ કે, આ જે આઈ કોગ્નિટો ગેમિંગનો કન્સેપ્ટ તમે આપ્યો છે એમાં ભારતની આ જ તાકાત સામેલ છે. યોગ સાથે વીઆર અને એઆઈ ટેકનોલોજીને જોડીને એક નવું ગેમિંગ સોલ્યુશન દુનિયાને આપવું બહુ સારો પ્રયાસ છે. એ જ રીતે આયુર્વેદ સાથે સંબંધિત બોર્ડ ગેમ પણ પ્રાચીનતા અને આધુનિકતાનો અદ્ભૂત સંગમ છે. જેમ કે થોડા સમય અગાઉ વાતચીત દરમિયાન નવયુવાનોએ જણાવ્યું કે આ સક્ષમ ગેમ દુનિયામાં યોગને દૂર કે છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે.
સાથીદારો,
ભારતની વર્તમાન ક્ષમતાને, ભારતની કળા અને સંસ્કૃતિને, ભારતીય સમાજને અત્યારે દુનિયા વધારે સારી રીતે જાણવા-સમજવા બહુ આતુર છે, લોકો સમજવા ઇચ્છે છે. એમાં આપણા રમકડાં અને ગેમિંગ ઉદ્યોગ બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. મારો દરેક યુવા ઇનોવેટર, દરેક સ્ટાર્ટઅપ્સને આગ્રહ છે કે, એક વાતનું બહુ ધ્યાન રાખો. તમારા ખભા પર દુનિયામાં ભારતના વિચારો અને ભારતની ક્ષમતા – આ બંનેનું સાચું ચિત્ર રજૂ કરવાની જવાબદારી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતથી લઈને વસુધૈવ કુટુમ્બકમની આપણી શાશ્વત ભાવનાને સમૃદ્ધ કરવાની જવાબદારી પણ તમારા પર છે. જ્યારે અત્યારે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ રમકડાં અને ગેમિંગ સાથે સંબંધિત તમામ ઇનોવેટર્સ અને સર્જકો માટે એક મોટી તક છે, સોનેરી તક છે. આઝાદીના આંદોલન સાથે જોડાયેલી આવી અનેક ગાથાઓ છે, જેને સામે લાવવી જરૂરી છે. આપણા ક્રાંતિવીરો, આપણા સેનાપતિઓના શૌર્યની, નેતૃત્વના ઘણા પ્રસંગો રમકડાં અને ગેમ્સની વિભાવના સ્વરૂપે તૈયાર કરી શકાય છે. તમે ભારતની લોકપરંપરાને ભવિષ્ય સાથે જોડવા માટે પણ એક મજબૂત સાંકળ છો. એટલે આ બાબત જરૂરી છે કે, આપણું ધ્યાન એવા રમકડાં, એવી ગેમ્સ બનાવવા પર કેન્દ્રિત હોય, જે આપણી યુવા પેઢીને ભારતીયતાના દરેક પાસાંને રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ રીતે પ્રસ્તુત કરે. આપણે સુનિશ્ચિત કરવાનું છે કે - આપણા રમકડાં અને રમતો એકબીજાને જોડે, મનોરંજન પણ પ્રદાન કરે અને જાણકારી પણ આપે. તમારા જેવા યુવાન ઇનોવેટર્સ અને સર્જકો પાસે દેશને બહુ મોટી અપેક્ષાઓ છે. મને પૂરો વિશ્વાસ છે કે, તમે તમારા લક્ષ્યાંકોમાં સફળતા મેળવશો, તમારા સ્વપ્નોને સાકાર કરશો. ફરી એકવાર આ ‘ટૉયકેથોન’ના સફળ આયોજન માટે હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ઘણી શુભકામનાઓ પાઠવું છું.