આપ સૌ ખેડૂત સાથીઓ સાથે આ ચર્ચા ખુદ જ એક નવી આશાની કિરણ જગાડે છે, નવો વિશ્વાસ ઉત્પન્ન કરે છે. આજે જેમ કે હમણાં આપણાં મંત્રીજી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી જણાવી રહ્યા હતા કે આજે ભગવાન બસેશ્વર જયંતી છે, પરશુરામ જયંતી પણ છે. આજે અક્ષય તૃતિયાનું પાવન પર્વ પણ છે. અને મારા તરફથી દેશવાસીઓને ઈદની પણ શુભેચ્છાઓ.
કોરોનાના આ સમયમાં સમગ્ર દેશવાસીઓનો ઉત્સાહ વધે, આ મહામારીને પરાજિત કરવાનો સંકલ્પ વધારે દ્રઢ બને, એ જ કામના સાથે આપ સૌ ખેડૂત ભાઈઓ સાથે મારી જે વાતચીત થઇ છે હવે તેને હું આગળ વધારીશ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા અન્ય સહયોગી ગણ, તમામ મુખ્યમંત્રી, રાજ્ય સરકારોના આદરણીય મંત્રીગણ, સાંસદગણ, સંસદસભ્યો અને દેશભરના મારા ખેડૂત ભાઈઓ અને બહેનો,
આજે ખૂબ જ પડકારજનક સમયમાં આપણે આ સંવાદ કરી રહ્યા છીએ. આ કોરોના કાળમાં પણ દેશના ખેડૂતો, આપણાં કૃષિ ક્ષેત્રમાં પોતાની જવાબદારી નિભાવતા, અનાજનું રેકોર્ડ ઉત્પાદન કરી રહ્યા છે, તમે કૃષિમાં નવી નવી પદ્ધતિઓનો પ્રયોગ કરી રહ્યા છો. તમારા પ્રયાસોને પીએમ કિસાન સમ્માન નિધિનો એક વધુ હપ્તો હજી વધારે મદદ કરવા જઈ રહ્યો છે. આજે અક્ષય તૃતિયાનું પાવન પર્વ છે, કૃષિના નવા ચક્રની શરૂઆતનો સમય છે અને આજે જ લગભગ 19 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવામાં તેનો લાભ લગભગ લગભગ 10 કરોડ ખેડૂતોને થશે. બંગાળના ખેડૂતોને સૌપ્રથમ વખત આ સુવિધાનો લાભ મળવાનો શરૂ થયો છે. આજે બંગાળના લાખો ખેડૂતોને સૌપ્રથમ હપ્તો પ્રાપ્ત થયો છે. જેમ જેમ રાજ્યો પાસેથી ખેડૂતોના નામ કેન્દ્ર સરકારને મળતા રહેશે તેમ તેમ લાભાર્થી ખેડૂતોની સંખ્યા હજી વધારે વધતી જશે.
સાથીઓ,
પીએમ કિસાન સમ્માન નિધિ વડે ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને વધારે લાભ થઈ રહ્યો છે. આજના મુશ્કેલ સમયમાં આ રકમ આ ખેડૂત પરિવારોના ખૂબ જ કામમાં આવી રહી છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત દેશના લગભગ 11 કરોડ ખેડૂતોની પાસે લગભગ 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા પહોંચી ચૂક્યા છે તેનો અર્થ એ કે સવા લાખ કરોડ કરતાં પણ વધુ સીધા ખેડૂતોના ખાતામાં, કોઈ વચેટિયા નહિ. તેમાંથી માત્ર કોરોના કાળમાં જ 60 હજાર કરોડ રૂપિયાથી વધુ પહોંચાડવામાં આવ્યા છે. જરૂરિયાતના સમયે દેશવાસીઓ સુધી સીધી મદદ પહોંચે, ઝડપી ગતિએ પહોંચે, જેને જરૂરિયાત છે, તેના સુધી સંપૂર્ણ પારદર્શકતા સાથે પહોંચે, એ જ સરકારનો નિરંતર પ્રયાસ છે.
ભાઈઓ અને બહેનો,
ઝડપથી, સીધા ખેડૂતો સુધી લાભ પહોંચાડવાનું આ કામ ઉત્પાદનની સરકારી ખરીદીમાં પણ બહુ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે. કોરોનાના મુશ્કેલ પડકારો વચ્ચે જ્યા ખેડૂતોએ કૃષિ અને બાગાયતીમાં રેકોર્ડ ઉત્પાદન કર્યું છે, ત્યાં જ સરકાર પણ દર વર્ષે લઘુત્તમ ટેકાના ભાવ પર ખરીદી માટે નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. પહેલા ધાનની અને હવે ઘઉંની પણ રેકોર્ડ ખરીદી થઈ રહી છે. આ વર્ષે, અત્યાર સુધી વિતેલા વર્ષની સરખામણીએ લગભગ 10 ટકા વધારે ઘઉં એમએસપી પર ખરીદવામાં આવી ચૂક્યા છે. સૌથી મોટી વાત એ કે હવે ખેડૂતો જે પાક બજારમાં વેચી રહ્યા છે તેને હવે પોતાના પૈસા માટે લાંબો સમય સુધી રાહ નથી જોવી પડતી, હેરાન નથી થવું પડતું. ખેડૂતના હકના પૈસા સીધા તેના બેંક ખાતામાં જમા થઈ રહ્યા છે. મને સંતોષ છે કે પંજાબ અને હરિયાણાના લાખો ખેડૂતો સૌપ્રથમ વખત સીધા હસ્તાંતરણની આ સુવિધા સાથે જોડાયા છે. અત્યાર સુધી પંજાબના ખેડૂતોના બેંક ખાતામાં આશરે 18 હજાર કરોડ રૂપિયા આવ્યા અને હરિયાણાના ખેડૂતોના બેંક ખાતામાં 9 હજાર કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા થઈ ચૂક્યા છે. પોતાના પૂરે પૂરા પૈસા પોતાના બેંક ખાતામાં મેળવવાનો સંતોષ શું હોય છે તે પંજાબ અને હરિયાણાના ખેડૂતો પણ અનુભવ કરી રહ્યા છે અને અગ્રેસર બનીને બોલી પણ રહ્યા છે. મેં સોશિયલ મીડિયા પર એટલા વિડીયો જોયા છે ખેડૂતોના ખાસ કરીને પંજાબના ખેડૂતોના કે આ રીતે તેમને પૈસા મળવા અને તે પણ પૂરેપૂરા પૈસા પહોંચાડવા તેનો સંતોષ એટલા ઉત્સાહ સાથે તેઓ જણાવી રહ્યા છે.
સાથીઓ,
ખેતીમાં નવા સમાધાન, નવા વિકલ્પો આપવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું એ આવો જ એક પ્રયાસ છે. આ પ્રકારના પાકોમાં ખર્ચ પણ ઓછો છે, તે માટી અને માણસના સ્વાસ્થ્ય બંને માટે પણ લાભદાયક છે અને તેમની કિંમત પણ વધારે મળે છે. થોડા સમય પહેલા આ પ્રકારની ખેતીમાં લાગેલા સંપૂર્ણ દેશના કેટલાક ખેડૂતો સાથે મારી વાતચીત પણ થઈ છે. તેમનો ઉત્સાહ, તેમના અનુભવોને જાણીને હું ખૂબ જ ઉત્સાહિત છું. આજે ગંગાજીની બંને બાજુ લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં જૈવિક ખેતીને વ્યાપક સ્તર પર પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે કે જેથી તે જે ખેતરોમાં ઉપયોગમાં લેવામાં આવેલ રસાયણો છે, વરસાદના સમયે જે પાણી વહીને ગંગાજીમાં ના વહી જાય અને ગંગાજી પ્રદૂષિત ના થાય તેની માટે ગંગાજીના બંને કિનારાઓના 5 કિલોમીટરમાં લગભગ લગભગ આ જૈવિક ઉત્પાદન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ જૈવિક ઉત્પાદનો નમામિ ગંગે બ્રાન્ડ સાથે બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. એ જ રીતે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને, તેને પણ વ્યાપક સ્તર પર પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે સરકારનો એ સતત પ્રયાસ છે કે નાના અને સીમાંત ખેડૂતોને બેન્કોમાંથી સસ્તું અને સરળ ધિરાણ પ્રાપ્ત થાય. તેની માટે વિતેલા દોઢ વર્ષથી કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવાનું એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન 2 કરોડ કરતાં વધુ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્ડ્સ પર ખેડૂતોએ 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ બેંકો પાસેથી લઈ લીધું છે. તેનો બહુ મોટો લાભ પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉછેર સાથે જોડાયેલ ખેડૂતોને પણ મળવાનો શરૂ થઈ ગયો છે. હમણાં તાજેતરમાં જ સરકારે એક વધુ મહત્વનો નિર્ણય લીધો છે અને હું ઇચ્છીશ કે મારા ખેડૂત ભાઈઓ બહેનોને સરકારના આ નિર્ણયથી ખુશી થશે તેમની માટે આ ખૂબ લાભકારી હશે. સરકારે નિર્ણય લીધો છે કે કોરોના કાળને ધ્યાનમાં રાખીને કેસીસી ધિરાણની ચુકવણી અથવા તો નવીનીકરણની સમય મર્યાદાને વધારી દેવામાં આવી છે. એવા તમામ ખેડૂતો જેમનું ઋણ ઉધાર છે તેઓ હવે 30 જૂન સુધી ઋણ નવીનીકરણ કરી શકે છે. આ વધેલા સમયગાળામાં પણ ખેડૂતોને 4 ટકા વ્યાજ પર જે ધિરાણ મળે છે, જે લાભ મળે છે, તે લાભ પણ ચાલુ રહેશે, મળતો રહેશે.
સાથીઓ,
ગામડાઓનું, ખેડૂતોનું કોરોના વિરુદ્ધ ભારતની લડાઈમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. તે તમારા જ શ્રમનું પરિણામ છે કે આજે આ કોરોના કાળમાં ભારત દુનિયાની સૌથી મોટી મફત કરિયાણાની યોજના ચલાવી રહ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી ગયા વર્ષે આઠ મહિના સુધી ગરીબોને મફત કરિયાણું આપવામાં આવ્યું હતું. આ વખતે મે અને જૂન મહિનામાં દેશના 80 કરોડ કરતાં વધુ સાથીઓને કરિયાણું મળે, તેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની ઉપર પણ કેન્દ્ર સરકાર 26 હજાર કરોડ રૂપિયા, આપણાં ગરીબોના ઘરમાં ચૂલો સળગે, તેની માટે ખર્ચ કરી રહી છે. હું રાજ્ય સરકારોને આગ્રહ કરીશ કે ગરીબોને આ કરિયાણાના વિતરણમાં કોઈ તકલીફ ના પડે તે બાબતની ખાતરી કરવામાં આવે.
સાથીઓ,
100 વર્ષ પછી આવેલ આટલી ભીષણ મહામારી ડગલે ને પગલે દુનિયાની પરીક્ષા લઈ રહી છે. આપણી સામે એક અદ્રશ્ય દુશ્મન છે અને આ દુશ્મન બહુરૂપીયો પણ છે અને આ દુશ્મનના કારણે આ કોરોના વાયરસના કારણે આપણાં આપણાં કેટલાય નજીકના સગાઓને ગુમાવી પણ ચૂક્યા છીએ. વિતેલા કેટલાક સમયમાં જે તકલીફ દેશવાસીઓએ સહન કરી છે, અનેક લોકો જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે, મુસીબતમાંથી પસાર થઈ રહ્યા છે તે હું પણ એટલી જ અનુભવ કરી રહ્યો છું. દેશનો પ્રધાન સેવક હોવાના નાતે તમારી દરેક ભાવનાનો હું સહભાગી છું. કોરોનાના સેકન્ડ વેવ સામે તેની સરખામણીએ સંસાધનો સાથે જોડાયેલ જેટલા પણ અવરોધો હતા તેમને ઝડપથી દૂર કરવામાં આવી રહ્યા છે. યુદ્ધ સ્તર પર કામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે જોયું હશે કે સરકારના તમામ વિભાગો, બધા જ સંસાધનો, આપણાં દેશના સુરક્ષા દળ, આપણાં વૈજ્ઞાનિકો, બધા જ દિવસ રાત કોવિડના પડકારનો સામનો કરવામાં એકઠા થયેલા છે. દેશના જુદા જુદા ભાગોમાં ઝડપથી કોવિડ દવાખાના બની રહ્યા છે, નવી ટેકનોલોજી સાથે ઑક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. આપણી ત્રણેય સેનાઓ – વાયુસેના, નેવી, આર્મી બધા જ સંપૂર્ણ શક્તિ સાથે આ કામમાં જોડાયેલા છે. ઑક્સિજન રેલવે, તેણે કોરોના વિરુદ્ધ આ લડાઈને બહુ મોટી તાકાત આપી છે. દેશના દૂર-સુદૂરના વિસ્તારોમાં આ વિશેષ ટ્રેનો, આ ઑક્સિજન રેલવે ઑક્સિજન પહોંચાડવામાં લાગેલી છે. ઑક્સિજન ટેન્કરો લઈ જનારા ટ્રક ડ્રાઈવરો, રોકાયા વિના કામ કરી રહ્યા છે. દેશના ડૉક્ટર્સ હોય, નર્સિંગ સ્ટાફ હોય, સફાઇ કર્મચારી હોય, એમ્બ્યુલન્સના ડ્રાઇવર્સ હોય, લેબમાં કામ કરનાર સજ્જનો હોય, નમૂના એકત્રિત કરનારા હોય, એક એક જીવનને બચાવવા માટે ચોવીસ કલાક લાગેલા છે. આજે દેશમાં જરૂરી દવાઓની ખપત વધારવા ઉપર યુદ્ધ સ્તર પર કામ કરવામાં આવી રહ્યું છે. સરકાર અને દેશના ફાર્મા ક્ષેત્રએ છેલ્લા કેટલાક દિવસોમાં જરૂરી દવાઓના ઉત્પાદનને અનેક ગણું વધારી દીધું છે. બહારથી પણ દવાઓ મંગાવવામાં આવી રહી છે. આ સંકટના સમયમાં, દવાઓ અને જરૂરી વસ્તુઓની જમાખોરી અને કાળાબજારીમાં પણ કેટલાક લોકો પોતાના નિહિત સ્વાર્થના કારણે લાગેલા છે. હું રાજ્ય સરકારોને આગ્રહ કરીશ કે આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ માનવતા વિરુદ્ધનું કાર્ય છે. ભારત હિંમત હારે એવો દેશ નથી. ના તો ભારત હિંમત હારશે અને ના કોઈ ભારતવાસી હિંમત હારશે. આપણે લડીશું અને જીતીશું.
સાથીઓ,
આજના આ કાર્યક્રમમાં, હું દેશના તમામ ખેડૂતોને, ગામડાઓમાં રહેનારા તમામ ભાઈઓ બહેનોને કોરોના વિશે ફરીથી સાવચેત કરવા માંગુ છું. આ ચેપ અત્યારે ગામડાઓમાં ઝડપથી પહોંચી રહ્યો છે. દેશની દરેક સરકાર તેની સામે લડવા માટે દરેક શક્ય એવા પ્રયાસો કરી રહી છે. તેમાં ગામના લોકોની જાગૃતિ, આપણી પંચાયતી રાજ્ય સાથે જોડાયેલ જે પણ વ્યવસ્થાઓ છે, તેમનો સહયોગ, તેમની ભાગીદારી તેટલી જ જરૂરી છે. તમે દેશને ક્યારેય નિરાશ નથી કર્યો, આ વખતે પણ તમારી પાસેથી આ જ અપેક્ષા છે. કોરોનાથી બચવા માટે તમારે પોતાની જાત પર, પોતાના પરિવાર પર, સામાજિક સ્તર પર જે પણ જરૂરી પગલાં છે, જરૂરિયાતો છે, તેને આપણે લેવાના જ છે. માસ્ક સતત પહેરવું ખૂબ જરૂરી છે. તે પણ એવું પહેરવાનું છે કે નાક અને મોંઢા પર સંપૂર્ણ રીતે ઢંકાયેલું રહે. બીજી વાત, તમને કોઈપણ પ્રકારની ઉધરસ, શરદી, તાવ, ઊલટી, ઝાડા જેવા લક્ષણોને સામાન્ય માનીને નથી ચાલવાનું. પહેલા તો પોતાની જાતને શક્ય તેટલી બીજાઓથી અલગ કરવાની છે. પછી જલ્દીથી જલ્દી કોરોનાનો રિપોર્ટ કરાવવાનો છે. અને જ્યાં સુધી આ રિપોર્ટ ના આવે ત્યાં સુધી ડોક્ટરે જે દવાઓ આપી છે તે જરૂર લેતા રહેવાની છે.
સાથીઓ,
બચવા માટેનું એક બહુ મોટું માધ્યમ છે, કોરોનાની રસી. કેન્દ્ર સરકાર અને બધી જ રાજ્ય સરકારો સાથે મળીને એ અંગેનો સતત પ્રયાસ કરી રહી છે કે વધુમાં વધુ દેશવાસીઓને ઝડપથી રસી લાગી જાય. દેશભરમાં અત્યાર સુધી લગભગ 18 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. દેશભરના સરકારી દવાખાનાઓમાં મફત રસીકરણ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે જ્યારે પણ તમારો વારો આવે તો રસી જરૂરથી લગાવજો. આ રસી આપણને કોરોના વિરુદ્ધ સુરક્ષા કવચ પૂરું પડશે, ગંભીર બીમારીની આશંકાને પણ ઓછી કરશે. હા, રસી લગાવ્યા પછી પણ માસ્ક અને બે ગજના અંતરના મંત્રને હમણાં આપણે છોડવાનો નથી. એક વાર ફરી સૌ ખેડૂત સાથીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.,
ખૂબ ખૂબ આભાર !