ભાઈઓ બહેનો, આજે સાંથાલની ધરતી પર આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે. ભગવાન બિરસા મુંડા, ચાંદ ભૈરવ, નીલાંબર-પીતાંબર જેવા વીર સપૂતોની આ ધરતી. આ ધરતીને હું નમન કરું છું અને આ ધરતીના વીર નાગરિકોનું પણ હું હૃદયથી અભિવાદન કરું છું. આજે ઝારખંડમાં સાહિબગંજની ધરતી પર એક સાથે સપ્તધારા વિકાસની યોજનાઓનો શુભારંભ થઇ રહ્યો છે. સાંથાલમાં આ વિસ્તારમાં એક સાથે આટલી મોટી વિકાસની યોજનાઓ કદાચ આઝાદી પછી કોઈ એક કાર્યક્રમ હેઠળ આ ક્ષેત્રના વિકાસ માટે ઉપાડાયેલા પગલા પહેલીવાર થતા હશે એવું હું માનું છું. આ આખા સાંથાલ વિસ્તારમાં જો સારું કરવું હોય, અહીંની સમસ્યાઓનું સમાધાન કરવું હોય, અહીંના ગરીબથી ગરીબ મારા આદિવાસી ભાઈ બહેન, મારા પછાત ભાઈ બહેનો, જો તેમની જીંદગીમાં બદલાવ લાવવો હોય તો તેનો એક જ ઉપાય છે. અને તે ઉપાય છે, વિકાસ. જેટલી ઝડપી ગતિએ આપણે અહીંયા વિકાસ કરીશું, અહીંના જનસામાન્યની જીંદગી બદલવામાં આપણે સફળ થઈશું.
આજે એક ખૂબ મહત્વપૂર્ણ કાર્યક્રમ કે જે ઝારખંડ અને બિહારને જોડી રહ્યો છે. ગંગાની ઉપર બે રાજ્યોને જોડનારો સૌથી મોટો પુલ 2200 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ અને આ માત્ર બે રાજ્યોને જોડે છે એવું નથી. આ વિકાસના નવા દ્વાર ખોલી આપે છે, તમને અહીંથી પૂર્વીય ભારતના વિશાળ ફલક સાથે પોતાની જાતને સીધા જોડવાનો આ પુલ બનવાથી તમને અવસર મળી રહ્યો છે.
હું બિહારવાસીઓને અભિનંદન આપું છું. હું ઝારખંડવાસીઓને અભિનંદન આપું છું કે એક મહત્વપૂર્ણ પુલનું આજે શિલારોપણ થઇ રહ્યું છે અને આપણા નીતિન ગડકરીજી, આ એવા મંત્રી છે કે જે સમય સીમામાં કામ કરાવવામાં ખૂબ નિપુણ છે. અને એટલા માટે મને પાક્કો ભરોસો છે કે જે તારીખે આનું લોકાર્પણ નક્કી થશે તે તારીખની સીમા રેખામાં સંપૂર્ણ કામ પૂરું કરાવી આપશે. તેઓ લટકતા કામ નહીં રાખે. તમે કલ્પના કરી શકો છો આ વિસ્તારના કેટલા યુવાનોને રોજગાર મળશે. અને પોતાના જ જનપદમાં સાંજે જો ઘરે પાછા આવી જવું છે તો સહેલાઈથી જઈ શકશે. ત્યાં તેમની રોજગારી પણ હશે અને તેની સાથે સાથે આ કામ એવું છે કે તેમનું કૌશલ્ય નિર્માણ પણ થશે. એક નવું કૌશલ્ય, એક નવી નિપુણતા, જયારે બે અઢી વર્ષ સુધી સતત એક પ્રોજેક્ટ પર લાગે છે, તો કોઈ એન્જીનીયર કરતા પણ વધારે કામ કરવાની તાકાત તેનામાં આવી જાય છે. આ વિસ્તારમાં આ પ્રોજેક્ટના લીધે હજારો પરિવારોના નવયુવાનો આવી તાકાત પ્રાપ્ત કરશે. જે આવનારા દિવસોમાં ઝારખંડ હોય, બિહાર હોય, હિન્દુસ્તાનનો કોઈ અન્ય વિસ્તાર હોય ત્યાં પણ જો કોઈ આવા પ્રોજેક્ટ આવે છે તો આ વિસ્તારોના નવયુવાનોની પહેલી પસંદ હશે અને લોકોને વધુ પૈસા આપીને પોતાને ત્યાં કામ કરવા લઇ જશે. આ તાકાત આમાંથી ઊભી થવાની છે. અને આ બધા પ્રોજેક્ટમાં સૌથી મોટી જે તાકાત છે તે માનવ શક્તિનું સુઆયોજિત સ્વરૂપથી કૌશલ્ય વિકાસ કરીને વિકાસ કરવાની છે.
હું અહીંના નવયુવાનોને શુભકામનાઓ આપું છું. આ તમારા આંગણામાં શુભ અવસર આવ્યો છે. તમે પણ મનમાં નક્કી કરી લો, મહેનત પણ કરવાની છે અને ક્ષમતા પણ વધારવાની છે. અને એકવાર ક્ષમતા વધી ગઈ તો દુનિયા તમને પૂછતી દોડી આવશે કે અહીંયા જે અનુભવી નવયુવાનો છે તેમની અમારે જરૂર છે. આ પરિવર્તન આવવાનું છે. આજે મને અહીં એક બીજા કાર્યક્રમના લોકાર્પણનો પણ અવસર મળ્યો છે. અને તે છે સાહિબગંજથી ગોવિંદપુર સુધી જે રસ્તાનું નિર્માણ થયું તે. તેનું લોકાર્પણ કરવાનું છે. અગાઉ ક્યારેય અહીંથી ગોવિંદપુર જવું હોય તો 10 કલાક,12 કલાક, 14 કલાક લાગી જતા હતા. હવે આ જે નવો રસ્તો બન્યો છે, પાંચ સાત કલાકમાં તમે ગોવિંદપુર પહોંચી શકો છો. કેટલી મોટી ઝડપ આવી છે તમારા જીવનમાં તેના કારણે કેટલો મોટો બદલાવ આવ્યો છે અને આ માત્ર રસ્તો નથી, આ સમગ્ર સાંથાલના વિસ્તારના ગરીબમાં ગરીબ નાગરિકના જીવનમાં વિકાસનો એક નવો રસ્તો ખોલી રહ્યો છે. વિકાસની નવી દિશા ખોલી રહ્યો છે. વિકાસનું એક નવું લક્ષ્ય નજીક લાવીને મૂકી રહ્યો છે. અને એટલા માટે રસ્તાઓ તો ઘણા બને છે પરિવહન માટે કામ આવે છે પરંતુ આ રસ્તો તે રસ્તાઓમાંનો નથી કે જે માત્ર જવા આવવા માટે કામનો નથી, તે વિકાસ તરફ આગળ વધવા માટેનો એક રસ્તો બની રહ્યો છે અને જે આખા સાંથાલ વિસ્તારના રૂપ રંગને બદલી નાખશે, એવો મારો પાક્કો વિશ્વાસ છે.
ભાઈઓ બહેનો, નદીને આપણે મા કહીએ છીએ. અને મા આપણને બધું જ આપે છે પરંતુ ક્યારેક ક્યારેક એવી પણ કહેવત છે કે માગ્યા વગર મા પણ નથી પીરસતી. ગંગા મા સદીઓથી આ આખા ક્ષેત્રને નવ પલ્લવિત કરતી આવી છે. તે જીવન ધારાના રૂપમાં વહી રહી છે. પરંતુ બદલતા યુગમાં આ મા ગંગા આપણા જીવનને એક નવી તાકાત પણ આપી શકે છે. 21મી સદીના વિશ્વમાં ગંગાથી ઝારખંડને દુનિયા સાથે સીધે સીધા જોડવાની દિશામાં આપણે આગળ વધવા માગીએ છીએ. શું તમે ક્યારેય કલ્પના કરી હતી કે દરિયા કિનારાના જે શહેરો હોય છે, રાજ્યો હોય છે તેઓ તો પોતાની જાતે જ દુનિયા સાથે જોડાઈ જાય છે પણ જમીન સાથે બંધાયેલા વિસ્તારો, ઝારખંડ જેવા વિસ્તારો જ્યાં નજીકમાં ક્યાંય સમુદ્ર નથી. શું તે પણ વિશ્વ સાથે જોડાઈ શકે છે. જે પ્રોજેક્ટને લઈને આપણા નીતિન ગડકરીજી કામ કરી રહ્યા છે, અને ખૂબ મન લગાવીને કરી રહ્યા છે, અને તેનાથી પણ મોટું કામ થવાનું છે. આ પ્રોજેક્ટ જયારે પૂરો થશે તો તે ઝારખંડને સીધે સીધો આખી દુનિયા સાથે જોડવાની તાકાત બની જશે. અને તે પ્રોજેક્ટ છે ગંગામાં મલ્ટી મોડેલ ટર્મિનલનું શિલારોપણ. બંગાળની ખાડી સુધી અહીંથી જહાજો ચાલશે, ગંગામાં જહાજો ચાલશે, માલ ભરીને લઇ જશે અને અહીંની વસ્તુઓ સીધે સીધી બંગાળની ખાડીમાંથી નીકળીને સમુદ્રી માર્ગે સીધી દુનિયામાં પહોંચી શકશે. વ્યાપાર માટે, વિશ્વ વ્યાપાર માટે જયારે આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે ત્યારે વિશ્વ વ્યાપારની અંદર ઝારખંડ પોતાની જગ્યા બનાવી શકે છે. ભલે અહીંના સ્ટોન ચિપ્સ હોય, કે પછી કોલસો હોય, કે અહીંની અન્ય ઉપજો હોય. વિશ્વના બજારોમાં સીધા પહોંચાડવાનું સામર્થ્ય તેની અંદર આવી શકે છે. એટલું જ નહીં આ વ્યવસ્થા બન્યા પછી જો અહીંનો કોલસો પશ્ચિમી ભારતમાં લઇ જવો છે તો જરૂરી નથી કે તેને રોડ, રસ્તા કે રેલમાર્ગે જ લઇ જવામાં આવે. તે બંગાળની ખાડીમાંથી સમુદ્ર માર્ગે તે બાજુ લઇ જવામાં આવે, સસ્તો પડશે. અને જે આ ક્ષેત્રમાં કામ કરતા હશે તેમની આર્થિક તાકાત વધારવામાં ઉપયોગી બનશે.
ભાઈઓ, બહેનો, આપણા દેશમાં ધોરીમાર્ગની ચર્ચા અને ચિંતા થઇ અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે, આપણા દેશના માળખામાં બે મહત્વપૂર્ણ ઐતિહાસિક યોગદાન અટલજીની સરકારના, બાંધકામના ક્ષેત્રના બે કહી રહ્યો છું, બાકી તો સેંકડો છે. એક તેમણે આખા હિન્દુસ્તાનને સ્વર્ણિમ ચતુશ્કોશ સાથે જોડીને બાંધકામ માળખાને આધુનિક સ્વરૂપ આપવાનો એક સફળ પ્રયોગ કર્યો. પૂરો કર્યો. બીજું પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના, જેનાથી હિન્દુસ્તાનના ગામ ગામને જાણે શરીરની અંદર અલગ અલગ શીરા અને ધમનીઓ હોય છે તેમ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક દ્વારા રસ્તાઓના આખા નેટવર્કને ઊભું કરવાનું બીડું ઉઠાવ્યું. ઘણું મોટું કામ તેમના કાર્યકાળમાં થયું. પછી પણ જે સરકારો આવી, તે કાર્યક્રમને ચલાવી રહી છે. તે વાજપેયીજીનું બીજું યોગદાન હતું.
ભાઈઓ બહેનો, આપણે માળખાગત સ્વરૂપની વાત આવે છે તો રોડ અને રસ્તાઓની ચિંતા, ચર્ચા કરી. ધોરી માર્ગો બનાવ્યા, આપણે વિમાનો માટે એરપોર્ટ બનાવવા માટેની વ્યવસ્થા ઊભી કરી. આપણે રેલવેના વિસ્તાર માટે કામ કર્યું. પરંતુ એક ક્ષેત્ર આપણને પડકાર આપી રહ્યું હતું. વર્તમાન સરકારે નીતિન ગડકરીજીના નેતૃત્વમાં એક ઐતિહાસિક નવો નિર્ણય કર્યો છે કે આપણા દેશની જે પાણીથી ભરેલી નદીઓ છે તેમાં વાહનવ્યવહાર કરીને ઓછા ખર્ચમાં સામાન ભરવાનું આખું અભિયાન ચાલે અને તેના અંતર્ગત બનારસથી હલ્દીયા સુધી માલ લઇ જવા માટે આખી વ્યવસ્થા વિકસિત થઇ રહી છે. ઝારખંડને બંગાળની ખાડી સુધી જોડવામાં આવી રહ્યું છે. અહીંથી જહાજો ચાલશે. નદીમાં નાની નાની નાવડીઓ તો આપણે ઘણી જોઈ છે. હજારો ટન માલ લઈને જનારા જહાજો ચાલશે. તમે કલ્પના કરી શકો છો વિકાસનું કયું નવું ક્ષેત્ર આપણી સામે ઉપસીને આવી રહ્યું છે. ધોરી માર્ગ છે, હવાઈ માર્ગ છે, રેલવે છે, હવે તમારી સામે છે જળમાર્ગ. આ જળમાર્ગ તેનો શુભારંભ, શિલાન્યાસનું આજે કામ થઇ રહ્યું છે. હજારો કરોડની કિંમત લાગવાની છે. ભારતમાં આ આખું અભિયાન નવી રીતે થઇ રહ્યું છે. અને એટલા માટે તેનું એક કૌતુક થવાનું છે. આવનારા દિવસોમાં અર્થશાસ્ત્રીઓ આની ઉપર લખવાના છે. આની ઉપર ચર્ચા કરવાના છે કે ભારત માળખાગત સ્વરૂપમાં પર્યાવરણ પ્રેમી માળખા તરફ કઈ રીતે આગળ વધી રહ્યું છે. પર્યાવરણની પણ રક્ષા હોય, વિકાસ પણ થાય, વાહનવ્યવહાર પણ હોય, ગતિ પણ મળે એક એવું કામ થાય તે દિશામાં તેજીથી કામ આગળ વધારવા માટે નીતિનજીનો વિભાગ આજે કામ કરી રહ્યો છે. મા ગંગા બધું જ આપી રહી હતી. હવે એક નવી ભેટ મા ગંગા દ્વારા વિકાસના એક નવા માર્ગ પર આપણી માટે પ્રસ્તુત થઇ રહી છે. એટલા માટે મા ગંગાનો આપણે જેટલો ઋણ સ્વીકાર કરીએ તેટલો ઓછો થશે.
ભાઈઓ બહેનો હું આજે ઝારખંડના મુખ્યમંત્રી શ્રીમાન રઘુવર દાસજીને એ વાત માટે અભિનંદન આપવા માગું છું કે તેમણે આ સાંથાલ વિસ્તારના ખેડૂતો માટે પશુપાલકો માટે એક ખૂબ મહત્વપૂર્ણ પગલું ઉપાડ્યું છે. અને તે છે ડેરી ઉદ્યોગનું. પશુપાલકોનું દૂધ જો નિશ્ચિત કિંમત પર વેચાય તો પશુપાલન કરશે, સારું પશુપાલન કરશે. આજે તે પશુપાલન કરે છે તો કાં તો પરિવારની દૂધની જરૂરીયાત પૂરી કરે છે અથવા તો ગામમાં આડોશ પાડોશમાં થોડું આપી દે છે. પરંતુ તેનું વ્યવસાયિક મોડેલ તેના મગજમાં નથી આવતું. જયારે ડેરી બની જાય છે ત્યારે ખેડૂત ગરીબ પશુપાલકને પણ એક પશુપાલન તેના દ્વારા દૂધ ઉત્પાદન અને દૂધ ઉત્પાદનની આંકણી કરીને બજાર સુધી એક બહુ મોટી ચેન બની જાય છે. હું ગુજરાતની ધરતીથી આવ્યો છું. અમુલ પણ ત્યાંનું જાણીતું છે. હિન્દુસ્તાનનો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં અમુલ ના પહોંચ્યું હોય. આ અમુલ શું આખરે કોઈ એક સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલે તેમના માર્ગદર્શનમાં એક નાનકડી મંડળી બનાવી. કેટલાક ખેડૂતોએ સાથે મળીને આવીને દૂધ ભેગું કરીને કામ શરુ કર્યું. અને જોત જોતામાં વધતું ગયું, વધતું ગયું અને આજે અમુલનું નામ વિશ્વભરમાં છે. આજે રઘુવરદાસજી આ સાંથાલના ગરીબ ખેડૂતો માટે પશુપાલકો માટે તે ડેરીનો શિલાન્યાસ કરી રહ્યા છે. જે ડેરી આવનારા દિવસોમાં લાખો પરિવારોના પશુઓના દૂધ, તેનું પ્રોસેસિંગ, તેનું માર્કેટિંગ, તેનું બ્રાન્ડીંગ અને પશુપાલનને તેના દૂધની સાચી કિંમત મળે. દૈનિક કિંમત મળે. તે દિશામાં કામ કરવાનો નિર્ણય કરી રહ્યા છે. મારી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ડેરીના ક્ષેત્રમાં ગુજરાતના ડેરી ઉદ્યોગને ખાસ્સો અનુભવ છે. જો ઝારખંડને કોઈ ગુજરાત પાસેથી મદદની જરૂર હશે તો હું જરૂરથી તે લોકોને કહીશ કે તેઓ પણ તમારી મદદ કરે અને અહીંયાના પશુપાલકો માટે અહીંના ખેડૂતો માટે એક બહુ મોટું કામ થઇ જાય. તેમના જીવનમાં એક નવો, કેમકે જમીન ક્યારેક ક્યારેક ઓછી હોય છે. પરંતુ જો પશુપાલન સારું હોય તો તેને એક તાકાત મળે છે. અને હું મુખ્યમંત્રીજીને બીજું એ પણ કહીશ કે જે રીતે એમણે ડેરીના કામ માટે બીડું ઉઠાવ્યું છે, તેઓ ડેરીની સાથે સાથે મધનું પણ કામ કરી શકે છે. મધમાખી ઉછેર દ્વારા જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે તે મધ પણ ઉત્પન્ન કરી શકે છે. અને ડેરીના માર્ગે મધ પણ એકઠું કરી શકાય તેમ છે. અને મધનું પણ વૈશ્વિક બજાર બની શકે છે. આપણો ખેડૂત દૂધથી પણ કમાઈ શકે છે, મધથી પણ કમાઈ શકે છે અને ખેત ઉત્પાદનોથી પણ કમાઈ શકે છે. બારેય મહિના તેની કમાણીની તેમાં ગેરંટી બની જાય છે. મને વિશ્વાસ છે કે રઘુવર દાસજીએ ઘણી દીર્ઘ દ્રષ્ટિની સાથે આજે ભલે તે કામ નાનું લાગે. સરદાર વલ્લભભાઈએ જયારે પ્રેરણા આપીને કામ કરાવ્યું હતું ત્યારે બહુ નાનું લાગતું હતું. પરંતુ તે કામ આજે દુનિયામાં પ્રખ્યાત થઇ ગયું છે. રઘુવર દાસજીએ જે નાનકડું કામ શરુ કર્યું છે, તેની ભાવી તાકાત કેટલી છે તે હું બિલકુલ મારી નજર સામે જોઈ શકું છું. અને આખા સાંથાલ વિસ્તારનું ભાગ્ય બદલવામાં દરેક પશુપાલક ખેડૂતનું ભાગ્ય બદલવામાં આ કામ આવશે એવો મારો પૂરો વિશ્વાસ છે.
ભાઈઓ બહેનો, 2015 2 ઓક્ટોબરે મને જસ્ટીસ ડી એન પટેલજીના એક નિમંત્રણ ઉપર ખૂટી આવવાનું સૌભાગ્ય મળ્યું. અને ખૂટીનો શિલાન્યાસ, ખૂટીની કોર્ટ તે દેશની પહેલી સોલાર કોર્ટ બની. સૂર્યશક્તિથી પ્રાપ્ત વીજળીથી તે ન્યાયાલયનો બધો કારભાર ચાલે છે. આજે મને ખુશી છે કે ફરીથી એક વાર સાહિબગંજમાં એક સરકારી વ્યવસ્થાનું પરિસર અને બીજું ન્યાયાલય બંને પૂર્ણ રૂપે સૂર્યશક્તિથી ચાલનારા એકમો બની રહ્યા છે. હું તેના માટે જસ્ટીસ ડી એન પટેલ અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું અને ઝારખંડ સરકારને પણ અભિનંદન આપું છું. તેમણે સૂર્ય શક્તિને પ્રોત્સાહન આપ્યું છે. રૂફ ટોપ સોલર એનર્જીનું જે કામ તેમણે ઉપાડ્યું છે. આશરે આશરે 4500 કિલોવોટ સૂર્ય ઊર્જા તેમણે ઇન્સ્ટોલ કરવાનું કામ સફળતાપૂર્વક કરી દીધું છે. જો આપણે આપણા જંગલો બચાવવા છે, આપણી ભાવી પેઢીને કંઈક આપીને જવું છે તો આપણે આપણા પર્યાવરણની રક્ષા કરવી જ પડશે. અને ઊર્જાનો કોઈ ઉત્તમ સ્ત્રોત છે જે આપણને સરળતાથી ઉપલબ્ધ છે તો તે છે સૂર્ય ઊર્જા, સૂર્ય શક્તિ. અને સૂર્ય શક્તિની દિશામાં આજે ભારત એક ઝડપી ગતિથી આગળ વધી રહ્યો છે. ભારતે સપનું જોયું છે. 175 ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું તેમાં 100 ગીગાવોટ સૂર્ય ઊર્જાનું ભારતના દરેક ખૂણામાં સૂર્ય શક્તિથી ઊર્જા મળે. તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે આપણે જે વિદેશોથી ઊર્જા ખરીદવી પડે છે, તેમાં ઘણી મોટી બચત થશે. તે પૈસા ગરીબના કામમાં આવશે. આજે પર્યાવરણને જે નુકસાન થાય છે. તેમાંથી આપણને રાહત મળશે. અને સૂર્ય શક્તિની દિશામાં એક જમાનો હતો સૂર્ય શક્તિની એક યુનિટ ઊર્જાની કિંમત 19 રૂપિયા લાગતી હતી. પરંતુ ભારતે જે રીતે અભિયાન ચલાવ્યું આજે પરિસ્થિતિ આવી ગઈ છે કે કોલસા કરતા પણ સૂર્ય શક્તિની ઊર્જા સસ્તી મળવા લાગી છે. હમણાં હમણાં જે ટેન્ડર નીકળ્યું તે માત્ર ત્રણ રૂપિયાનું નીકળ્યું, 2 રૂપિયા 96 પૈસા. એટલે કે એક રીતે એકવાર રોકાણ ખર્ચ લાગી ગયો પછી કોઈ પણ ખર્ચ વગર આપણે વીજળી પ્રાપ્ત કરી શકીએ છીએ.
અને ભાઈઓ બહેનો, 21મી સદીમાં કોઈપણ નાગરિકને અંધકારમાં જીવવા માટે મજબૂર નહીં કરી શકાય. કેટલાય પરિવાર છે જે આજે પણ ઘરોમાં વીજળીનું જોડાણ નથી લઇ રહ્યા. તેમને લાગે છે કે શું જરૂર છે. સમજાવ્યા પછી લે છે. સરકાર મફતમાં જોડાણ આપી રહી છે તો પણ ક્યારેક ક્યારેક લોકો પોતે જ ઉદાસીનતા બતાવતા હોય છે. આવા પરિવારોને બાળકોના અભ્યાસ માટે ભારત સરકારે બાળકના અભ્યાસ માટે નાનો એવો બેટરી સોલારથી ચાલનારો નાનો બલ્બ એવો ટેબલ પર લગાવીને કે જમીન પર લગાવીને ભણવા માગે છે તો તેનાથી ભણી શકે છે, આ લાખો આવા ગરીબ પરિવારોને આપવાની દિશામાં એક બહુ મોટું બીડું ઉપાડ્યું છે. આપણો ખેડૂત જ્યાં જમીનમાંથી પાણી કાઢીને ખેતી કરે છે. તેને વીજળી મોંઘી પડે છે. હવે સોલાર પંપ અમે લગાવી રહ્યા છીએ. ખેડૂત સોલાર પંપથી જમીનમાંથી પાણી કાઢશે. સૂર્યથી બેટરી પણ ચાર્જ થતી રહેશે પાણી પણ નીકળતું રહેશે. ખેતરો પણ હર્યાભર્યા રહેશે. બે પાક લેતો હતો તો ત્રણ પાક લેતો થઇ જશે. તેની આવક બે ગણી કરવી છે તેમાં આ સોલાર પંપ પણ કામ આવશે. એક બહુ મોટું પરિવર્તનનું કામ સૂર્ય ઊર્જાના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા ચાલી રહ્યું છે. ઝારખંડ સરકારે પણ ખભે-ખભો મેળવીને ભારત સરકારની સાથે ચાલવાનું બીડું ઉપાડ્યું છે. સૂર્ય ઊર્જાને પ્રોત્સાહન આપી રહ્યા છે. રૂફ ટોપ સોલર એનર્જીના પ્રોજેક્ટને આગળ વધારી રહ્યા છે. હું તેના માટે પણ ઝારખંડને અભિનંદન આપું છું. અને હું દેશવાસીઓને પણ કહીશ કે આપણે ઊર્જાના ક્ષેત્રમાં સંવેદનશીલ બનીએ. આપણે ઊર્જાના મહત્વને સમજીએ અને ભાવી જીવનની રક્ષાને પણ સમજીએ. હાલ સમગ્ર દેશમાં એલઈડી બલ્બનું એક અભિયાન ચાલી રહ્યું છે. જો કોઈ સરકાર પોતાના બજેટમાં એવું કહી દે કે અમે દસ હજાર કરોડ રૂપિયા લગાવીએ છીએ અને આ દસ હજાર કરોડ રૂપિયા લોકોમાં વહેંચી દઈશું, તો વાહ વાહ થઇ જશે તાળીઓ પડશે, છાપામાં હેડલાઈન છપાશે. વાહ મોદી કેટલો સારો પ્રધાનમંત્રી છે. દસ હજાર કરોડ રૂપિયા લોકોને વહેંચવાનો છે. ભાઈઓ બહેનો આપ સૌના સહયોગથી અમે એક એવું કામ કર્યું છે કે જે દસ હજાર કરોડથી પણ વધારે તમારા ખિસ્સામાં પહોંચાડી રહ્યા છે. શું કર્યું, એલઈડી બલ્બ લગાવો, વીજળી બચાવો. વીજળીનું બિલ ઓછું કરો. અને તમારામાંથી કોઈના વર્ષમાં અઢીસો બચશે, કોઈના વર્ષે હજાર બચશે કોઈના વર્ષના બે હજાર બચશે તે ગરીબ બાળકોને દૂધ પીવડાવવાના કામમાં આવશે. ગરીબ બાળકોને કોઈ શિક્ષા દીક્ષા આપવાના કામમાં આવી જશે. અમે જયારે સરકારમાં આવ્યા ત્યારે એલઈડી બલ્બ સાડા ત્રણસો ચારસો રૂપિયામાં વેચાતો હતો. આજે તે એલઈડી બલ્બ પચાસ સાઈંઠ રૂપિયામાં વેચાવા લાગ્યો છે. અને દેશમાં સરકાર દ્વારા 22 કરોડ બલ્બ વહેંચી દેવામાં આવ્યા છે. અને લોકોએ પોતાની જાતે કર્યા છે બંને મળીને લગભગ લગભગ 50 કરોડ નવા એલઈડી બલ્બ લોકોના ઘરોમાં લાગી ગયા છે. અને તેનાથી જે વીજળીની બચત થઇ છે, તે લગભગ લગભગ 11 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ 11 હજાર કરોડ રૂપિયા જે વીજળીનો ઉપયોગ કરનારા લોકો છે તેમના ખિસ્સામાં બચવાના છે. કેટલું મોટું પરિવર્તન આવે છે જયારે આપણે નાનકડા બદલાવથી કામ કરી શકીએ છીએ, તો વીજળી બચાવવી બીજી બાજુ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવો એક પ્રકારે સસ્તામાં સસ્તી વીજળીની દિશામાં જવું તો એક 360 ડીગ્રી જેને કહે છે તેમ આખી ઊર્જાનું એક નેટવર્ક બનાવીને કામ આજે સરકાર કરી રહી છે. અને તેનો પણ આપને લાભ મળશે.
હું આજે મારી સામે નવયુવાનોને જોઈ રહ્યો છું. તેમના માથે ટોપી છે, ટોપી ઉપર પીળા ફૂલ લાગેલા છે. ખૂબ શાનદાર લાગી રહ્યા છે. આ આપણા આદિ જાતિના બાળકો છે. તેઓ પહાડીયા સમાજના બાળકો છે. તેમના પરિવારને હજુ સુધી સરકારની અંદર કામ કરવાનું સૌભાગ્ય નથી મળ્યું. બધા લોકો તાળી વગાડીને તેમનું અભિવાદન કરો. મેરથોડારજીના નવા પ્રયોગ માટે, તેમના મૌલિક ચિંતન માટે તેમને અભિનંદન આપું છું કે તેમણે આ પહાડીયા બાળકોને પસંદ કર્યા. તેમનું ભણતર ઓછું હતું તેમાં પણ સમાધાન કર્યું. અને તેમને તાલીમ આપીને તમારી સુરક્ષાના કામ પર લગાવ્યા. તેઓ એક રીતે સરકાર બની ગયા છે. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનના છેલ્લા છેડે બેઠેલા જે લોકોની ગણતરી થાય છે તેમાં આ મારા પહાડીયા દીકરાઓ પણ છે. આ પહાડીયા દીકરીઓ છે આજે તેઓ મુખ્યધારામાં આવી રહી છે. વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ રહી છે. અને હું જોઈ રહ્યો હતો કે આ દીકરીઓ જયારે તેમના પ્રમાણપત્ર લેવા આવી હતી, તેમની આવવાની રીત, તેમની સેલ્યુટ કરવાની રીત, તેમની પ્રેસવાળાઓને જવાબ આપવાની રીત, તેમનો આત્મવિશ્વાસ જોઇને મને લાગી રહ્યું છે કે આ આપણી શાન બની જશે. આ પહાડીયા જાતિના મારા સાથી તમામ મારા નવયુવાનો આ ઝારખંડના ભાગ્યને સુરક્ષા આપનારા એક નવી તાકાત બની જશે, ફરી એકવાર તેમના માટે તાળીઓ વગાડીને તેમનું ગૌરવ કરો. રઘુવરદાસજીને પણ અભિનંદન આપો તેમણે આટલું મોટું મહત્વપૂર્ણ કામ કર્યું છે. સમાજના છેવાડે જે આદિવાસીઓથી પણ ગરીબ છે. આદિવાસીઓથી પણ પછાત છે, ચાર ચાર પેઢી સુધી જેમને શાળામાં જવાનો અવસર નથી મળ્યો. એવા બધા જ બાળકો આજે આપણી સામે છે. તેનાથી કેટલો આનંદ થાય છે, આજે જીવન ધન્ય થઇ ગયું. આવા બધા જ બાળકો આજે આપણી સામે છે. તેમાં કેટલો આનંદ થાય છે. આજે જીવન ધન્ય થઇ ગયું. આ બાળકોને જોઈને અને આ જ મારા ભારતનો પાયો બનવાના છે મારા ભાઈઓ બહેનો. આ જ મારું ન્યૂ ઇન્ડિયા છે. દેશનો ગરીબથી ગરીબ ભારતની વિકાસ યાત્રામાં જોડાઈ જશે તેનું આ ઉદાહરણ છે.
ભાઈઓ બહેનો, કેટલીક મહિલાઓ આજે મંચ પર આવી હતી. તમને દૂરથી દેખાતું હતું કે નહીં મને ખબર નથી. ઝારખંડ સરકાર તરફથી હું તેમને મોબાઇલ ફોન આપી રહ્યો હતો. અને હું જોઈ રહ્યો હતો કે તેઓ મને મારા બધા સવાલોના સાચા જવાબો આપી રહી હતી. તેમને ખબર હતી કે એપ શું હોય છે ભીમ એપ શું છે. એપ કેવી રીતે ડાઉનલોડ કરાય છે. તેના આર્થિક કારોબાર આ મોબાઇલ ફોનથી કેવી રીતે કરાય, તેમને બધી ખબર હતી. મને એટલી ખુશી થઇ. જે સંસદમાં અમારા સાથીઓ છે તેઓ ક્યારેક ક્યારેક કહે છે કે ભારતના ગરીબને મોબાઇલ ફોન ક્યાં આવડશે, ક્યાં શીખશે, ક્યાં ચલાવશે. હું જરૂરથી સંસદમાં મારા સાથીઓને જયારે મળીશ ત્યારે કહીશ કે હું હિન્દુસ્તાનના સૌથી પછાત વિસ્તાર સાંથાલમાં ગયો હતો અને ત્યાંની મારી આદિવાસી બહેનો મોબાઇલ ફોનનો શું ઉપયોગ થઈ શકે છે તે મને શીખવાડી રહી હતી. આ ક્રાંતિ છે. આ ડિજીટલ ઇન્ડિયાની ક્રાંતિ છે. આ લેસ કેશ સમાજની ક્રાંતિ છે. અને નોટબંધી પછી દરેકને લાગે છે કે હવે આપણે આપણા મોબાઇલ ફોનથી આપણા મોબાઇલ ફોનને જ આપણી બેંક બનાવી શકીએ છીએ. નાના-નાના સખી મંડળો તેમના કારોબાર તેમની વચ્ચે એક મુખિયા બહેન તેના હાથમાં મોબાઇલ ફોન હોય તેનો મોબાઇલ ફોન બેંક સાથે જોડાયેલો હોય, મોબાઇલ ફોન તેના ગ્રાહકો સાથે જોડાયેલો હોય એક આખી નવી ક્રાંતિ અણી સાથે આવી રહી છે. હું આ સાંથાલના વિસ્તારની સખી મંડળની બહેનોને અભિનંદન આપું છું. હું જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો, તો દક્ષિણી ગુજરાતમાં આદિવાસી વસ્તીની વચ્ચે એક કપરાડા કરીને અત્યંત દૂર વિસ્તાર છે. ત્યારે હું મુખ્યમંત્રી હતો પણ ત્યાં જવાનું થતું નહોતું. કારણ કે તે વિસ્તારમાં એવો કોઈ અવસર નહોતો આવતો, સભા માટે બે મેદાન પણ નહોતા, આખું જંગલ જ જંગલ હતું. અને એક ઘર અહીંયા તો બીજું ઘર બે માઈલ દૂર તો ત્રીજું ઘર ત્રણ માઈલ દૂર. મેં નક્કી કર્યું ના મારે જવું છે. ત્યાં અમે ડેરીનું નાનકડું કામ શરુ કર્યું. એક ચીલી સેન્ટર બનાવ્યું. જે દૂધ ઠંડુ, દૂધ ઠંડુ કરવાની વ્યવસ્થા હોય છે. ડેરીમાં લઇ જતા પહેલા થોડી વાર જ્યાં બે ચાર કલાક દૂધ રાખવું હોય તો ત્યાં દૂધ રાખી શકાય છે. નાનો એવો પ્રોજેક્ટ હોય છે. 25-50 લાખમાં તૈયાર થઇ જાય છે. મેં કહ્યું હું તે પ્રોજેક્ટ માટે આવીશ. તો અમારા બધા લોકો નારાજ થઇ ગયા. સાહેબ આટલી દૂર, પચાસ લાખના કાર્યક્રમમાં, મેં કહ્યું હું જઈશ. મારે જવું છે. હું ગયો, હવે તે જગ્યા એવી હતી જનસભા તો થઇ જ ના શકે. જનસભા ત્રણ ચાર કિલોમીટર દૂર છે શાળાના મેદાનમાં હતી. પણ દૂધ ભરવા માટે જે મહિલાઓ આવે છે તેઓ પોતાના વાસણમાં દૂધ ભરીને આવી હતી. તેઓ ચીલી સેન્ટરમાં આવી હતી, દૂધ ભરવાનો કાર્યક્રમ થઈ ગયો. અને પછી મેં જોયું તે મહિલાઓએ પોતાના જે વાસણો હતા તે બાજુ ઉપર મૂકી દીધા અને મોબાઇલ ફોનથી મારા ફોટા લઇ રહી હતી. લગભગ લગભગ ત્રીસ મહિલાઓ હતી. દરેકના હાથમાં મોબાઇલ હતો, અને તે પણ ફોટા પાડવાવાળો મોબાઇલ હતો. તેઓ ફોટા પડી રહી હતી. હું તેમની પાસે ગયો મારી માટે ખૂબ નવાઈની વાત હતી. આટલા પછાત વિસ્તારમાં આદિવાસી મહિલાઓ દૂધ ભરવા માટે આવી છે ગામમાં ખેડૂતો છે. મેં જઈને પૂછ્યું તમે શું કરી રહ્યા છો. તેઓ કહેવા લાગી તમારો ફોટો લઇ રહ્યા છીએ. મેં કહ્યું ફોટો લઈને શું કરશો, તો કહે છે આને અમે ડાઉનલોડ કરાવીશું. હું આશ્ચર્યચકિત હતો તેમના મોઢેથી ડાઉનલોડ શબ્દ સંભાળીને, ક્યારેક ક્યારેક મોટા મોટા લોકોને પણ નથી ખબર હોતી કે ભારતના સામાન્ય માનવીમાં વિજ્ઞાન ટેકનોલોજી આધુનિકતા પકડવાની તાકાત કેટલી મોટી હોય છે. અને મેં આજે બીજી વખત એકવાર મારી આ આદિવાસી બહેનો પાસે જોયું, તેમણે કહ્યું અમે ડિજીટલ ક્રાંતિની ધારા બની જઈશું. અમે આ કામને કરીને રહીશું. હું આ તમામ સખી મંડળોને અને મોબાઇલ ફોનથી કનેક્ટિવિટી દ્વારા એક ડિજીટલ ક્રાંતિના સૈનિક બનાવવાનું જે અભિયાન ચાલ્યું છે તેના માટે હું ઝારખંડ સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. યુગ બદલાઈ ગયો છે, બદલાયેલા યુગમાં આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ તે દિશામાં આપણે જવું જોઈએ.
ભાઈઓ બહેનો હિન્દુસ્તાનનો ગરીબ સમ્માન સાથે જીવવા માગે છે. હિન્દુસ્તાનનો આદિવાસી દલિત પીડિત શોષિત સમ્માન સાથે જિંદગી જીવવા માગે છે. તે કોઈની કૃપા ઉપર વસ્તુઓ નથી શોધતો. નવયુવાન કહી રહ્યો છે કે મને મોકો આપો હું મારા ભાગ્ય રેખાઓ જાતે જ લખી આપીશ, એ તાકાત મારા ગરીબ આદિવાસીના બાળકોમાં હોય છે, દલિત, પીડિત, શોષીતના બાળકોમાં હોય છે. અને મારી પૂરી શક્તિ આ બાળકોની પાછળ હું લગાવી રહ્યો છું. આ નવયુવાનોની પાછળ લગાવી રહ્યો છું. જેથી કરીને તેઓ જ ભારતનું ભાગ્ય બદલવા માટે એક નવી તાકાતના રૂપમાં જોડાઈ જશે. એક નવી તાકાતના રૂપમાં દેશનું ભાગ્ય બદલવામાં જોડાઈ જશે, અને ભારતનું ભાગ્ય બદલવામાં તેઓ તાકાતના રૂપમાં કામ આવશે.
ભાઈઓ બહેનો, ભ્રષ્ટાચારે, કાળા નાણાએ દેશને બરબાદ કરી નાખ્યો, ઉધઈની જેમ, એક જગ્યાએ બંધ કરો તો બીજી જગ્યાએ નીકળી આવે છે, બીજી જગ્યાએ સફાઈ કરો તો ત્રીજી જગ્યાએ નીકળી આવે છે પણ તમારા સૌના આશીર્વાદથી ભ્રષ્ટાચાર અને કાળા નાણાની વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે. જેમણે ગરીબોને લૂંટ્યા છે તેમણે ગરીબોને પાછું આપવું જ પડશે. ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી. એક પછી એક પગલા ઉઠાવતો રહીશ. અને એટલા માટે ભાઈઓ બહેનો તમે જે મને આશીર્વાદ આપી રહ્યા છો તે ઈમાનદારીની લડાઈ માટેના આશીર્વાદ છે. નોટબંધી પછી મને કેટલાક નવયુવાનો સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો, ભણેલા ગણેલા હતા, ધનિક પરિવારના હતા. મને લાગતું હતું કે નોટબંધીના લીધે ખૂબ પરેશાન હશે ગુસ્સામાં હશે, નારાજગી વ્યક્ત કરશે પરંતુ તેમણે મને એક વાત કહી તે ખૂબ રસપ્રદ છે. તેમણે કહ્યું કે સાહેબ અમારા પરિવારમાં રોજ ઝઘડા થાય છે, મેં કહ્યું શેના ઝઘડા થાય છે. તો કહે અમારા પિતાજીને કહીએ છીએ કે પિતાજી તમારા જમાનામાં જે સરકાર હતી, નિયમ હતા, ટેક્સ એટલા વધારે હતા તમારે ચોરી કરવી પડી હશે. પણ હવે દેશમાં ઈમાનદારીનો યુગ આવ્યો છે. અને અમે જે પેઢીના લોકો છીએ બેઈમાનીનો કારોબાર કરવા નથી માગતા, અમે ઈમાનદારીથી જીવવા માગીએ છીએ અને ઈમાનદારીથી આગળ વધવા માગીએ છીએ. મારા દેશની યુવા પેઢીમાં ઈમાનદારીનો યુગ શરુ થયો છે. ઈમાનદારીથી જીવવાની ઈચ્છા જાગી છે. એ જ મારા માટે શુભ સંકેત છે મારા ભાઈઓ દેશ માટે શુભ સંકેત છે. જો દેશનો યુવાન એક બાજુ ગાંઠ વાળી લે કે મારા પૂર્વજો મારા માતા પિતાને મારી પાછળના લોકોને જે કંઈ કરવું પડ્યું હવે અમારે નથી કરવું.
ભાઈઓ બહેનો, ચોરી કર્યા વગર, લૂંટ કર્યા વગર પણ સુખ ચેનની જિંદગી જીવી શકાય છે. સંતોષની ઊંઘ લઇ શકાય છે. અને એટલા માટે આપણે એક ઈમાનદારીના યુગ તરફ લઇ જવા માગીએ છીએ. 2022 ભારતની આઝાદીને 75 વર્ષ થવાના છે. ભાઈઓ બહેનો આ આઝાદીના 75 વર્ષ તે માત્ર દીવાલ પર લટકેલા કેલેન્ડરનો વિષય ના હોઈ શકે. આ આઝાદીના 75 વર્ષ કેલેન્ડરના એક પછી એક તારીખ બદલાઈ જાય 2022 આવી જાય એ યાત્રા નથી. આઝાદીના 75 વર્ષનો અર્થ થાય છે દેશની આઝાદી માટે જીવની બાજી લગાવનારા આ જ ધરતીના બિરસા મુંડાથી લઈને અગણિત લોકો હતા ભાઈ. કેમ પોતાની જાતને ખપાવી દીધી હતી. આઝાદ ભારતનું સપનું જોયું હતું તેમણે અને એટલા માટે તેમણે પોતાની જાતને હોમી દીધી હતી. શું તેમના સપનાને પૂરા કરવા માટે તેઓ તો આપણી માટે ફાંસી ઉપર પણ ચડી ગયા. તેઓએ તો આપણા માટે જિંદગી જેલમાં કાપી નાખી. તેઓ તો આપણા માટે પરિવારોને બરબાદ કરીને મટી ગયા. શું આપણે તેમના સપનાઓ માટે પાંચ વર્ષ, હું વધારે નથી કહેતો મિત્રો પાંચ વર્ષ 2022 સુધી જે પણ કરીશું દેશ માટે કરીશું. કંઈ ને કંઈ કરીશું તો દેશ માટે કરીશું. અને દેશની ભલાઈ માટે કરીશું. આ સપનું સવા સો કરોડ દેશવાસીઓનું હોય. સવાસો કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોય કે આઝાદીના 75 વર્ષ થવામાં પાંચ વર્ષ બાકી છે. પાંચ વર્ષમાં હું સમાજને દેશને આ આપીને રહીશ. જો એક હિન્દુસ્તાની એક સંકલ્પ લઈને એક પગલું આગળ વધે છે તો 2022 આવતા આવતા હિન્દુસ્તાન સવા સો કરોડ પગલા આગળ વધી જશે. મિત્રો આ તાકાત છે આપણી. અને એટલા માટે સમયની માગ છે કે આપણે અત્યારે સરકારમાં છીએ તો સરકારમાં, વિભાગમાં બેઠા છીએ તો વિભાગમાં, નગરપાલિકામાં બેઠા છીએ તો નગરપાલિકામાં, નગર પંચાયત તો નાગર પંચાયત, શાળા છે તો શાળામાં, ગામ છે તો ગામમાં, મહોલ્લો છે તો મહોલ્લામાં, જાતી છે તો જાતિમાં, પરિવારમાં છીએ તો પરિવારમાં, કોઈ ને કોઈ સંકલ્પ કરીએ કે 2022 સુધીમાં અહીંયા પહોંચીને રહેવું છે. કરીને જ રહીશું. જો એકવાર દરેક હિન્દુસ્તાનીનું આ સપનું બની જાય તો 2022માં આઝાદી માટે જીવ ગુમાવનારા મહાપુરુષોને આપણે એક એવું ભારત આપી શકીએ છીએ કે તેમને એકવાર સંતોષ થશે કે હવે મારો દેશ સાચી દિશામાં ચાલવા લાગ્યો છે જે દેશ માટે મેં જિંદગી ખપાવી દીધી. તે મારો દેશ આગળ વધી ગયો તે સપનાને લઈને આગળ ચાલવાનું છે. આ જ એક કામના સાથે હું ફરી એકવાર ઝારખંડની ધરતીને નમન કરું છું, ભગવાન બિરસા મુંડાની ધરતીને નમન કરું છું. હું આ પહાડીયા નવયુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, હું ઝારખંડની જનતાને શુભકામનાઓ આપું છું. મા ગંગાને પ્રણામ કરીને આ જે નવું અભિયાન આપણે શરુ કર્યું છે, મા ગંગાના આશીર્વાદ મળતા રહે. આપણે એક નવી, આ આખા ભૂ ભાગમાં, નવી આર્થિક ક્રાંતિ મા ગંગાના ભરોસે લાવીશું એ જ એક અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ.