પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રાજ્યપાલ પરિષદનાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ પરિષદ દરમિયાન વિવિધ ઇનપુટ આપવા બદલ રાજ્યપાલોનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં વિચારો, સ્ત્રોતો અને ક્ષમતાઓની ખામી નથી, પણ કેટલાંક ચોક્કસ રાજ્યો અને પ્રદેશો શાસનની ખામીને કારણે પાછળ રહી ગયા છે. તેમણે કહ્યું હતું કે, ગરીબોનાં લાભ માટેની વિવિધ સરકારી યોજનાનો અમલ સારું શાસન હોય છે ત્યાં સારી રીતે થાય છે. મિશન ઇન્દ્રધનુષ જેવી યોજનાઓનું ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલો સરકારી પહેલોની શ્રેષ્ઠ અસરકારકતા સુલભ કરી શકે છે.
ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરવા પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને એક ભારત, શ્રેષ્ઠ ભારત અને રન ફોર યુનિટી જેવી પહેલોમાં જોડાવા અપીલ કરી હતી.