પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોની પરિષદનાં પ્રારંભિક સત્રને સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, તમામ રાજ્યપાલો બંધારણની પવિત્રતા જાળવીને સમાજમાં પરિવર્તનનાં પ્રેરક માધ્યમો બની શકે છે. વર્ષ 2022 સુધી નવા ભારતનાં લક્ષ્યાંકનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આ લક્ષ્યાંક જનઆંદોલન થકી જ હાંસલ થઈ શકશે.
તેમણે રાજ્યપાલોને આ સંબંધમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરવા અને તેમને પ્રેરિત કરવા પ્રોત્સાહન આપ્યું હતું. કેન્દ્ર સરકારે તાજેતરમાં યોજેલ હેકેથોનનું ઉદાહરણ ટાંક્યુ હતું, જેમાં વિદ્યાર્થીઓએ કેટલીક સમસ્યાઓનાં ટેકનોલોજી સોલ્યુશન પ્રસ્તુત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીઓ નવીનતાનાં કેન્દ્ર બનવા જોઈએ.
આ જ રીતે તેમણે દરેક રાજ્યમાં યુવાનોએ એક રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવું કહ્યું હતું. તેમણે રાજ્યપાલોને સ્વચ્છતા માટે ઉદાહરણરૂપ બનવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. મહાત્મા ગાંધી પ્રેરણાનો સ્ત્રોત છે અને આપણે ભારતને ખુલ્લામાં મળોત્સર્જનથી મુક્ત કરવા કામ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તહેવારો અને વર્ષગાંઠો પરિવર્તન માટે અતિ પ્રેરક અને ઊર્જાનો સ્ત્રોત બની શકે છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલો આદિવાસીઓ, દલિતો અને મહિલાઓને મુદ્રા હેઠળ લોન આપવા બેંકોને પ્રેરણા આપી શકે છે, ખાસ કરીને 26 નવેમ્બરનાં રોજ બંધારણ દિવસ અને 6 ડિસેમ્બરનાં રોજ મહાપરિનિર્વાણ દિવસ વચ્ચેનાં ગાળા માટે.
પ્રધાનમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશોનાં લેફ્ટનન્ટ ગવર્નર્સને સૌર ઊર્જા, ડીબીટી (સરકારી સહાયોનું સીધું હસ્તાંતરણ) જેવા ક્ષેત્રોમાં અપનાવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા તથા કેન્દ્રશાસિત પ્રદેશોને કેરોસીનમુક્ત બનાવવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સિદ્ધિઓ તમામ કેન્દ્રશાસિત પ્રદેશોએ ઝડપથી મેળવવી જોઈએ..