મહામહિમ, નમસ્કાર.
સૌ પહેલાં તો હું 14 ડિસેમ્બરે આપના કાર્યકાળના પાંચમા વર્ષમાં પ્રવેશ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા માંગું છું.
હું આ વર્ષે ઉઝબેકિસ્તાનના પ્રવાસે આવવા માટે ઉત્સુક હતો.
કોવિડ-19 મહામારીને કારણે મારો આ પ્રવાસ તો યોજાયો નહીં, પરંતુ મને ખુશી છે કે "Work From Anywhere”ના આ સમયગાળામાં આપણે આજે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી રહ્યા છીએ.
મહામહિમ,
ભારત અને ઉઝબેકિસ્તાન બે સમૃદ્ધ સંસ્કૃતિઓ છે. પ્રાચીન કાળથી જ આપણી વચ્ચે સતત પરસ્પર સંપર્ક રહ્યા છે.
આપણા પ્રદેશના પડકારો અને તકો વિશે આપણી સમજણ અને અભિગમમાં ઘણી સમાનતા છે. અને એટલે જ આપણાં સંબંધ હંમેશાથી ઘણા મજબૂત રહ્યાં છે.
2018 અને 2019માં આપના ભારત પ્રવાસ દરમિયાન આપણને ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની તક મળી, જેનાથી આપણાં સંબંધોમાં એક નવી ગતિ જોવા મળી.
મહામહિમ,
ઉગ્રવાદ, કટ્ટરવાદ અને અલગાવવાદ વિશે આપણી ચિંતાઓ એકસરખી છે.
આપણે બંને આતંકવાદ વિરુદ્ધ દ્રઢતાપૂર્વક એકસાથે ઊભા છીએ. સરહદોની સુરક્ષાના મુદ્દાઓ ઉપર પણ આપણો દ્રષ્ટિકોણ એકસરખો છે.
આપણે એ બાબતે સહમત છીએ કે અફઘાનિસ્તાનમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે એક એવી પ્રક્રિયા આવશ્યક છે, જે પોતે અફઘાનિસ્તાનની આગેવાનીમાં, માલિકી હેઠળ અને તેના જ નિયંત્રણમાં હોય. છેલ્લા બે દાયકાઓની ઉપલબ્ધિઓને સુરક્ષિત રાખવી પણ જરૂરી છે.
ભારત અને ઉઝબેકિસ્તાને સાથે મળીને India-Central Asia Dialogueની પહેલ કરી હતી. તેની શરૂઆત પાછલા વર્ષે સમરકંદથી થઈ હતી.
મહામહિમ,
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણી આર્થિક ભાગીદારી પણ મજબૂત થઈ છે.
અમે ઉઝબેકિસ્તાન સાથે અમારી development partnership (વિકાસની ભાગીદારી)ને પણ વધુ ઘનિષ્ઠ બનાવવા ઈચ્છીએ છીએ.
મને એ જાણીને ખુશી છે કે ભારતીય Line of Credit હેઠળ ઘણા પ્રોજેક્ટ્સ ઉપર વિચારણા થઈ રહી છે.
વિકાસ માટેની તમારી પ્રાથમિકતાઓ મુજબ અમે ભારતની વિશેષજ્ઞતા અને અનુભવ વહેંચવા માટે તૈયાર છીએ.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, શિક્ષણ, સ્વાસ્થ્ય, તાલીમ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં ભારતમાં ઘણી કુશળતા છે, જે ઉઝબેકિસ્તાનને કામમાં આવી શકે છે. આપણી વચ્ચે કૃષિ સંબંધિત સંયુક્ત કાર્યકારી જૂથની રચના એક મહત્ત્વપૂર્ણ અને સકારાત્મક પગલું છે. તેનાથી આપણે આપણા કૃષિ વેપારને વધારવાની તકો શોધી શકીશું, જેનાથી બંને દેશોના ખેડૂતોને મદદ મળશે.
મહામહિમ,
સુરક્ષા ક્ષેત્રે આપણી ભાગીદારી દ્વિપક્ષીય સંબંધોનો એક મજબૂત સ્તંભ બનતી જઈ રહી છે.
પાછલા વર્ષે આપણાં સશસ્ત્ર દળોએ સૌપહેલીવાર સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો હતો.
અવકાશ અને પરમાણુ ઉર્જાના ક્ષેત્રોમાં પણ આપણા સંયુક્ત પ્રયાસ વધી રહ્યા છે.
એ પણ એક સંતોષકારક બાબત છે કે કોવિડ-19 મહામારીના આ કઠિન સમયે બંને દેશોએ પરસ્પર ભરપૂર સહયોગ આપ્યો છે. પછી તે દવાઓનો પુરવઠો પૂરો પાડવા માટે હોય કે એકબીજાના નાગરિકોને સુરક્ષિત ઘરે પરત પહોંચાડવા માટેનો હોય.
આપણા પ્રદેશો વચ્ચેનો સહયોગ પણ વધી રહ્યો છે. ગુજરાત અને અન્દિજોંની સફળ ભાગીદારીના મોડલ ઉપર હવે હરિયાણા અને ફરગાના વચ્ચે સહયોગની રૂપરેખા ઘડાઈ રહી છે.
મહામહિમ,
આપના નેતૃત્ત્વમાં ઉઝબેકિસ્તાનમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનો આવી રહ્યાં છે, અને ભારતમાં પણ અમે સુધારાના માર્ગ ઉપર અડગ છીએ.
તેનાથી કોવિડ પછીના સમયગાળામાં આપણી વચ્ચે પરસ્પર સહયોગની સંભાવનાઓ વધુ વધશે.
મને વિશ્વાસ છે કે આજની આપણી વચ્ચેની આ ચર્ચાથી આ પ્રયાસોને નવી દિશા અને ઉર્જા મળશે.
મહામહિમ,
હવે હું આપને આપના પ્રારંભિક ઉદબોધન માટે આમંત્રણ આપું છું.