પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્ત્દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકમાંપ્રારંભિક સંબોધન પ્રસ્તુત કર્યું હતું.
મુખ્યમંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓને આવકારતા પ્રધાનમંત્રીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે ગવર્નિંગ કાઉન્સિલ એ એક એવું મંચ છે કે જે “ઐતિહાસિક પરિવર્તન” લાવી શકે છે. તેમણે પુરથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને એ બાબતની ખાતરી આપી કે કેન્દ્ર સરકાર દેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં વર્તમાન સમયમાં પુરની સ્થિતિને પહોંચી વળવા માટે તેમને જરૂરી તમામ સહાયતા પૂરી પાડશે.
તેમણે કહ્યું કે સહયોગાત્મક, સ્પર્ધાત્મક સંઘવાદના રૂપમાં ગવર્નિંગ કાઉન્સિલે શાસનના જટિલ મુદાઓને “ટીમ ઇન્ડિયા” તરીકે જોયા છે. તેમણે વર્ણન કર્યું કે જીએસટીનો સુગમ આરંભ અને તેનું અમલીકરણ એ તેનું મુખ્ય ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજ્યોના મુખ્યમંત્રીઓએ પેટા જૂથો અને સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ લેવડ-દેવડ અને કૌશલ્ય વિકાસ જેવા મુદ્દાઓ અંગેની સમિતિઓના માધ્યમથી નીતિ નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ પેટા જૂથોના સૂચનોને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા સામેલ કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર 2017-18ના ચોથા તબક્કામાં 7.7 ટકાના તંદુરસ્ત દરે વૃદ્ધિ પામ્યું છે. તેમણે ઉમેર્યું કે હવે વિકાસદરના આ આંકાડાઓને બમણા કરવાનો પડકાર છે જેના માટે અન્ય ઘણા મહત્વના પગલાઓ લેવાના છે. તેમણે કહ્યું કે 2022 સુધીમાં નવા ભારતનું વિઝન એ આપણા દેશના લોકોનો સંકલ્પ છે. આ સંદર્ભમાં તેમણે આજના કાર્યસૂચિ પરના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો કે જેમાં ખેડૂતોની આવક બમણી કરવી, મહત્વાકાંક્ષી જિલ્લાઓનો વિકાસ કરવો, આયુષ્માન ભારત, મિશન ઇન્દ્રધનુષ, પોષણ અભિયાન અને મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતીની ઉજવણીનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આયુષ્માન ભારત અંતર્ગત 1.5 લાખ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય બાહેંધરી પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ માટે વ્યાપક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મુદ્રા યોજના, જન ધન યોજના અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી યોજનાઓએ વધુ સારા પ્રમાણમાં નાણાકીય સમાવેશીતા માટે મદદ કરી રહી છે. તેમણે પ્રાથમિકતાના આધારે આર્થિક અસંતુલનને પહોંચી વળવા માટેની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
તેમણે કહ્યું કે 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં માનવ વિકાસ માટેના તમામ પાસાઓ અને માપદંડોને સંબોધિત કરવાની અને સુધારવાની જરૂર છે.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગ્રામ સ્વરાજ અભિયાન એ યોજનાઓના અમલીકરણ માટે એક નવા મોડલ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં તે 45,000 ગામડાઓ સુધી વિસ્તારિત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સાત મહત્વની કલ્યાણકારી યોજનાઓ – ઉજ્જવલા, સૌભાગ્ય, ઉજાલા, જન ધન, જીવન જ્યોતિ યોજના, સુરક્ષા વીમા યોજના અને મિશન ઇન્દ્રધનુષમાં સાર્વભૌમિક વ્યાપનો લક્ષ્યાંક છે. એમણે જણાવ્યું કે આ લક્ષ્ય લગભગ 17,000 ગામડાઓમાં પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતને ક્ષમતાઓ, પ્રતિભાઓ અને સંસાધનોની કોઈ ઉણપ નથી. તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યો કેન્દ્ર પાસેથી 11 લાખ કરોડથી વધુ રૂપિયા મેળવી રહ્યા છે કે જે પાછલી સરકારના છેલ્લા વર્ષની સરખામણીએ 6 લાખ કરોડ રૂપિયાનો વધારો દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજની આ બેઠક ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને દર્શાવે છે. તેમણે કહ્યું કે અને આ પ્રયત્નોને પુરા કરી સફળ બનાવવા એ આ બેઠકના સભ્યોની જવાબદારી છે.
અગાઉ નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી રાજીવ કુમાર દ્વારા મુખ્યમંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકનું સભા સંચાલન ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું.