પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે હૈદરાબાદ હાઉસ ખાતે બાંગ્લાદેશના રાષ્ટ્રપ્રપતિ આદરણીય શ્રીમાન મોહમ્મદ અબ્દુલ હામીદ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોની ઉત્તમ સ્થિતિ અંગે ખૂબ જ સંતોષની લાગણી વ્યક્તિ કરી હતી. પ્રધાનમંત્રી શેખ હસીના તેમના પૂર્વનિર્ધારિત કાર્યોના કારણે પ્રત્યક્ષ મુલાકાતે ન આવી શક્યા હોવાથી તેમણે પાઠવેલો અભિનંદન સંદેશ દેશની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિએ પહોંચાડ્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને તેમના દેશની મુલાકાત લેવા માટે બાંગ્લાદેશ સરકારનું આમંત્રણ પહોંચાડ્યું હતુ. આ આમંત્રણ સહર્ષ સ્વીકારવામાં આવ્યું હતુ. રાજદ્વારી ચેનલ દ્વારા મુલાકાતની તારીખો નક્કી કરવામાં આવશે તે અંગે બંને નેતાઓ સંમત થયા હતા.
પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું હતું કે બાંગ્લાદેશની મુક્તિના યુદ્ધમાં બનેલા દ્વિપક્ષીય સંબંધો ભારત માટે સર્વાધિક પ્રાથમિકતાએ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં, જમીનની સરહદના સીમાંકન જેવા પડતર રહેલા સંખ્યાબંધ જટીલ પ્રશ્નોના ઉકેલ માટે બંને દેશોએ શ્રેષ્ઠ પરિપક્વતા અને ધીરજ દાખવી છે. બંગબંધુ શેખ મુજીબુર રહેમાન (વર્ષ 2020)ની જન્મ શતાબ્દી અને 2021માં બાંગ્લાદેશની મુક્તિની 50મી વર્ષગાંઠની યોગ્ય ઉજવણીના સંયુક્ત પ્રયાસોના ભાગરૂપે, પ્રધાનમંત્રીએ ભારત અને બાંગ્લાદેશના વધતા જોડાણને નવા સ્તરે લઇ જવા પર ભાર મૂક્યો હતો.
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ 30 મે 2019ના રોજ નવી ભારત સરકારના શપથવિધિ સમારંભમાં હાજરી આપવા માટે આવ્યા હતા. આ વિશિષ્ટ મહેમાને અગાઉ ડિસેમ્બર 2014માં ભારતની રાજકીય મુલાકાત અને માર્ચ 2018માં પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ બેઠક માટે સત્તાવાર મુલાકાત લીધી હતી.