પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત સરકારનાં વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં કામ કરતાં આશરે 380 નિદેશકો અને નાયબ સચિવો સાથે ચાર જૂથોમાં ચર્ચાવિચારણા કરી હતી. ઓક્ટોબર, 2017માં આ ચર્ચાવિચારણા અલગ-અલગ દિવસોમાં યોજાઈ હતી. આ ચર્ચાવિચારણાનો છેલ્લો તબક્કો 17 ઓક્ટોબર, 2017નાં રોજ યોજાયો હતો. દરેક ચર્ચાવિચારણા આશરે બે કલાક ચાલી હતી.
આ ચર્ચાવિચારણા દરમિયાન શાસન, ભ્રષ્ટાચાર, જાહેર સાહસો, સરકારી ઇ-માર્કેટપ્લેસ, સ્વાસ્થ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કૃષિ, પરિવહન, રાષ્ટ્રીય સંકલન, જળ સંસાધનો, સ્વચ્છ ભારત, સંસ્કૃતિ, સંચાર અને પ્રવાસન જેવા વિષયો પર ચર્ચા થઈ હતી.
પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધી નવા ભારતનાં નિર્માણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવા અધિકારીઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની કામગીરીમાં મોટો અવરોધ જૂની પરંપરાઓ છે. તેમણે અધિકારીઓને આ પરંપરાઓ તોડવા વિવિધ નવીન માર્ગો અપનાવવા અપીલ કરી હતી, જેનાં પરિણામે શાસનની વિવિધ પ્રક્રિયાઓમાં ઝડપ આવશે. આ જ રીતે તેમણે જણાવ્યું હતું કે, નિદેશક અને નાયબ સચિવનાં સ્તરે અધિકારીઓએ ટીમો બનાવવી જોઈએ, જેથી વધારે સારાં પરિણામો મળે.
આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી કાર્યાલયનાં રાજ્ય કક્ષાનાં મંત્રી જિતેન્દ્ર સિંહ અને પ્રધાનમંત્રી કાર્યાલય અને કેબિનેટ સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં.