પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે એમનાં નિવાસસ્થાને તાજેતરમાં સંપન્ન થયેલા 18માં એશિયાઇ રમતોત્સવનાં ચંદ્રકવિજેતાઓને મળ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ ચંદ્રકવિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતાં અને તેમને એશિયાઇ રમતોત્સવમાં ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ ચંદ્રકો જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે ચંદ્રકવિજેતાઓને જણાવ્યું હતું કે, તેમણે મેળવેલી સફળતાથી ભારતનું ગૌરવ અને દરજ્જો બંને વધ્યાં છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ચંદ્રકવિજેતાઓ હંમેશા નમ્ર રહેશે તથા પ્રસિદ્ધિ અને સન્માનોથી તેમનું ધ્યાન વિચલિત નહીં થાય.
પ્રધાનમંત્રીએ આ બેઠક દરમિયાન રમતવીરોને તેમનું પ્રદર્શન સુધારવા માટે સહાયક તરીકે ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રમતવીરોએ તેમનાં પ્રદર્શનનું વિશ્લેષણ કરવા અને દુનિયાનાં ટોચનાં ખેલાડીઓની જેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનાં પ્રદર્શનમાં સુધારો કરવાનું જાળવી રાખવું જોઈએ.
પ્રધાનમંત્રીએ નાનાં શહેરો, ગ્રામીણ વિસ્તારો અને ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવેલ યુવા પ્રતિભાઓ જોઈને અને દેશ માટે તેઓ ચંદ્રકો જીતી લાવ્યાં એ બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં વાસ્તવિક સંભવિતતાઓ રહેલી છે અને આપણે એ પ્રતિભાઓને ખીલવવાનું જાળવી રાખવું જોઈએ, રમતવીરોનાં રોજિંદા સંઘર્ષથી બહારની દુનિયાનાં લોકો અજાણ હોય છે.
જ્યારે દેશ માટે ચંદ્રકવિજેતાઓ જે મુશ્કેલીઓમાંથી પસાર થયા એવા કેટલાંક રમતવીરોનાં નામનો ઉલ્લેખ થયો હતો, ત્યારે પ્રધાનમંત્રી ભાવુક થઈ ગયા હતાં. તેમણે આ રમતવીરોની રમત પ્રત્યેની ખંત અને પ્રતિબદ્ધ શિસ્તને બિરદાવી હતી તેમજ આશા વ્યક્ત કરી હતી કે, દેશનાં બાકીનાં યુવાનોએ એમનાં પ્રયાસોમાંથી પ્રેરણા લેવી જોઈએ.
પ્રધાનમંત્રી મોદીએ રમતવીરોને હાંસલ થયેલા ચંદ્રકોથી સંતોષ ન માનવા અને તેમને વધારે સફળતા મેળવવા તલપાપડ રહેવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચંદ્રકવિજેતાઓ માટે સૌથી મોટો પડકાર હવે ઓલિમ્પિક છે, જેનાં માટે તેમણે તૈયારી શરૂ કરવી પડશે અને તેમને આ રમતમાં તેમનો લક્ષ્યાંક ક્યારેય ભૂલવો ન જોઈએ.
આ પ્રસંગે યુવા બાબતો અને રમત-ગમત તથા માહિતી અને પ્રસારણ મંત્રી (સ્વતંત્ર હવાલો) કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ ઉપસ્થિત હતાં. રાજ્યવર્ધન સિંહ રાઠોડે તેમની શરૂઆતની ટિપ્પણીમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીનું વિઝન અને સરકારની પહેલે ચંદ્રકોની સંખ્યા વધારવામાં અને યુવા રમતવીરોને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ભારતે ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા અને પાલેમ્બાંગમાં યોજાયેલા 18માં એશિયાઇ રમતોત્સવમાં અત્યાર સુધીનાં સૌથી વધુ 69 ચંદ્રકો જીતીને વિક્રમ રચ્યો છે. અગાઉ વર્ષ 2010માં ગુઆંગ્ઝો એશિયાઇ રમતોત્સવમાં ભારતનાં રમતવીરોએ 65 ચંદ્રકો મેળવ્યા હતા.