ભારતનાં વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ રહેલા સિક્કિમ અને લદાખનાં 53 વિદ્યાર્થીઓ, જેઓ આઇટીબીપીનાં બે પ્રવાસી સમુહોનાં ભાગ છે, તેઓ આજે (તા. 06 ફેબ્રુઆરી, 2018) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. પ્રધાનમંત્રીએ અનૌપચારિક વાતચીતમાં તેઓને સમૃદ્ધ, ભ્રષ્ટાચારમુક્ત ભારતનું વિઝન વહેંચ્યું હતું. પ્રધાનમંત્રીએ આ વિઝન પ્રાપ્ત કરવા માટે કામ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે વધુ કાર્યક્ષમ બનવા માટે વિદ્યાર્થીઓને ફિટ રહેવાની અપીલ પણ કરી હતી. આ સંદર્ભમાં તેમણે યોગનાં સમાન મહત્ત્વની પણ ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ શીખવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, હંમેશા નવું શીખવાની સ્વભાવિકતા કેળવવી જોઈએ.
વિદ્યાર્થીઓએ ડિજિટલ ઇન્ડિયામાં આતુરતા દાખવી હતી. કેશલેસ વ્યવહારોની ચર્ચા પણ થઈ હતી. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, સામાન્ય લોકોને સબસિડી જેવા સરકારી લાભનાં પ્રત્યક્ષ હસ્તાંતરણથી કેવી રીતે લાભ થાય છે.
વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીએ લખેલા પુસ્તક “એક્ઝામ વોરિઅર્સ”નો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે વિદ્યાર્થીઓને બિનજરૂરી તણાવ અને દબાણ વિના જીવન જીવવાની સલાહ આપી છે.