પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર વિશ્વનાં ઓઇલ અને ગેસ સીઇઓ અને નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરી હતી.
રોસનેફ્ટ બીપી, રિલાયન્સ, સાઉદી અરામ્કો, એક્ઝોન મોબિલ, રોયલ ડચ શેલ, વેદાંત, વૂડ મેકકેન્ઝી, આઇએચએસ મર્કિટ, સ્કલમ્બર્ગર, હેલિબર્ટન, એક્સકોલ, ઓએનજીસી, ઇન્ડિયનઓઇલ, ગેઇલ, પેટ્રોનેટ એલએનજી, ઓઇલ ઇન્ડિયા, એચપીસીએલ, ડેલોનેક્સ એનર્જી, એનઆઇપીએફપી, ઇન્ટરનેશનલ ગેસ યુનિયન, વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનાં ટોચનાં સીઇઓ અને અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતાં.
આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી આર કે સિંહ તથા નીતિ આયોગ, પીએમઓ, પેટ્રોલીયમ મંત્રાલય અને નાણાં મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકનું સંકલન નીતિ આયોગે કર્યું હતું. કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ શ્રી રાજીવ કુમારે પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં આ ક્ષેત્રમાં કાર્યની પ્રાથમિક જાણકારી આપી હતી. તેમણે ભારતમાં ઊર્જાની માગમાં અપેક્ષિત વૃદ્ધિ પર ભાર મૂક્યો હતો તથા વીજળીકરણ અને એલપીજી વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાની જાણકારી આપી હતી.
નીતિ આયોગનાં સીઇઓ શ્રી અમિતાભ કાંતે પોતાનાં ટૂંકા પ્રેઝન્ટેશનમાં ભારતમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલો વિકાસ અને તેમાં રહેલાં પડકારોની રૂપરેખા રજૂ કરી હતી.
બેઠકમાં વિવિધ સહભાગીઓએ છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં થયેલી પ્રગતિ અને આર્થિક સુધારાની પ્રશંસા કરી હતી. સહભાગીઓએ પ્રધાનમંત્રીએ ઊર્જા ક્ષેત્રમાં ઝડપથી કરેલા સુધારાની પ્રશંસા કરી હતી. એકીકૃત ઊર્જા નીતિની જરૂરિયાત, કોન્ટ્રાક્ટ માળખાગત કાર્ય અને ગોઠવણ, સેઇસ્મિક ડેટા સેટ્સની જરૂરિયાત, જૈવઇંધણ માટે પ્રોત્સાહન, ગેસનાં પુરવઠામાં વધારો, ગેસ કેન્દ્રની સ્થાપના અને નિયમનકારી મુદ્દાઓ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. ઘણાં સહભાગીઓએ જીએસટી માળખામાં ગેસ અને વીજળીને સમાવવાની ભલામણ કરી હતી. મહેસૂલ સચિવ શ્રી હસમુખ અઢિયાએ ઓઇલ અને ગેસ ક્ષેત્ર સાથે સંબંધિત જીએસટી પરિષદે તાજેતરમાં લીધેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ સહભાગીઓને તેમનાં અભિપ્રાયો બદલ આભાર માનતાં જણાવ્યું હતું કે, વર્ષ 2016માં આયોજિત બેઠકમાં ઘણાં સૂચનોથી નીતિનિર્માણમાં મદદ મળી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ઘણાં ક્ષેત્રોમાં હજુ સુધારાની તકો રહેલી છે. પ્રધાનમંત્રીએ સહભાગીઓ દ્વારા અપાયેલા સૂચનોની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ તમામ સહભાગીઓનો સંપૂર્ણ સૂચનો બદલ આભાર માન્યો હતો. તેમણે આ સૂચનો ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં ભારતની વિશિષ્ટ સંભવિતતા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કર્યા હતા, નહીં કે તેમનાં પોતાની સંસ્થાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે આવરી લેવાયેલી નીતિમાં થયેલા સૂચનો વહીવટી અને નિયમનકારી મુદ્દાઓ સાથે સંબંધિત હતાં.
પ્રધાનમંત્રીએ રશિયાનાં પ્રધાનમંત્રી વ્હાદિમીર પુટિન અને રોસનેફ્ટનો ભારતમાં ઊર્જા ક્ષેત્રમાં સાથસહકાર આપવા અને પ્રતિબદ્ધતા બદલ આભાર માન્યો હતો. તેમણે સાઉદી અરેબિયાનાં 2030 વિઝન ડોક્યુમેન્ટની પ્રશંસા કરી હતી. તેમણે સાઉદી અરેબિયાની પોતાની મુલાકાતને યાદ કરીને જણાવ્યું હતું કે, ઊર્જાનાં ક્ષેત્રમાં ઘણાં પ્રગતિશીલ નિર્ણયો લેવામાં આવ્યાં છે. તેઓએ નજીકનાં ભવિષ્યમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સહકારની વિવિધ તકો માટે આતુર હોવાનું જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં ઊર્જા ક્ષેત્રની સ્થિતિ અતિ અસમાન છે. તેમણે વિસ્તૃત ઊર્જા નીતિ બનાવવા માટેનાં સૂચનોને આવકાર્યા હતાં. તેમણે ઊર્જા માળખું વિકસાવવાની જરૂરિયાત અને પૂર્વ ભારતમાં ઊર્જાની સુલભતા પર ભાર મૂક્યો હતો. તેમણે બાયોમાસ ઊર્જાની સંભવિતતાનો સંકેત આપ્યો હતો તથા કોલ ગેસિફિકેશનમાં સંયુક્ત સાહસો રચવા અને તેમાં ભાગીદારી માટે અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ સંકેત આપ્યો હતો કે, જેવી રીતે ભારત સ્વચ્છ અને વધુ ઇંધણદક્ષ અર્થતંત્ર તરફ આગેકૂચ કરી રહ્યું છે, તેમ તેઓ સમાજનાં તમામ વર્ગોને તેનાં લાભ આપવા ઇચ્છે છે, ખાસ કરીને ગરીબોને.