પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુનિયાભરની ખાદ્ય પ્રસંસ્કરણ અને તેની સાથે સંબંધિત ક્ષેત્રોમાં કાર્યરત ટોચની કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતાં સીઇઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમનાં ભાગરૂપે યોજાઈ હતી.
આ બેઠકમાં એમેઝોન (ઇન્ડિયા), એમ્વે, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, કારગિલ એશિયા પેસિફિક, કોકા-કોલા ઇન્ડિયા, ડેન્ફોસ્સ, ફ્યુચર ગ્રૂપ, ગ્લેક્સોસ્મિથક્લાઇન, આઇસ ફૂડ્સ, આઇટીસી, કિક્કોમેન, લુલુ ગ્રૂપ, મેકકેઇન, મેટ્રો કેશ એન્ડ કેરી, મોન્ડેલેઝ ઇન્ટરનેશનલ, નેસ્લે, ઓએસઆઇ ગ્રૂપ, પેપ્સીકો ઇન્ડિયા, સીલ્ડ એર, શરાફ ગ્રૂપ, સ્પેર ઇન્ટરનેશનલ, ધ હેઇન સેલેસ્ટિઅલ ગ્રૂપ, ધ હર્શી કંપની, ટ્રેન્ટ લિમિટેડ અને વોલમાર્ટ ઇન્ડિયાનાં સીઇઓ અને અધિકારીઓ ઉપસ્થિત હતાં
કેન્દ્રિય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગમંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલ, રાજ્ય કક્ષાનાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ અને કેન્દ્ર સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
વિવિધ સીઇઓએ પ્રધાનમંત્રી મોદીને વર્લ્ડ બેંકનાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટમાં ભારતનાં ક્રમમાં મોટા પાયે સુધારાની પ્રશંસા કરી હતી. ઘણાં સીઇઓએ કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રીનાં ખેડૂતોની આવક બમણી કરવાનાં સ્વપ્નથી પ્રેરિત છે તથા છેલ્લાં ત્રણ વર્ષમાં તેમનાં નેતૃત્વમાં આર્થિક સુધારાની ગતિ અને પ્રગતિથી પ્રોત્સાહિત છે. તેઓએ જીએસટી જેવા માળખાગત સુધારા અને સાહસિક પગલાં તથા એફડીઆઇ નિયમોમાં ઉદારીકરણની પ્રશંસા કરી હતી.
આ બેઠકમાં સામેલ લોકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર કૃષિ ઉત્પાદકતા, ખાદ્ય અને પોષણ સુરક્ષા, રોજગારીનું સર્જન અને કૃષિ ઉત્પાદનમાં મૂલ્ય સંવર્ધન માટે આવશ્યક છે. સીઇઓએ ભારતની ખાદ્ય પ્રસંસ્કરણ, કૃષિ, લોજિસ્ટિક્સ અને છુટક વેચાણનાં ક્ષેત્રમાં સર્વસમાવેશક વૃદ્ધિ માટેની પહેલોની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે પાકની લણણી પછીની માળખાગત સુવિધા મજબૂત કરવા હાલ અસ્તિત્વ ધરાવતી તકો ઝડપવામાં રસ દાખવ્યો હતો. તેમણે ભારતની વિકાસગાથાનો ભાગ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમનાં અભિપ્રાયો આપવા બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તેઓનું અવલોકન ભારત વિશે અતિ ઉત્સાહનો સંકેત છે. પ્રધાનમંત્રીએ સીઇઓ દ્વારા કેન્દ્રિત સૂચનોની પ્રશંસા કરી હતી
પ્રધાનમંત્રીએ કૃષિ ઉત્પાદકતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા સહભાગીઓ દ્વારા લેવામાં આવેલા પગલાંને આવકાર આપ્યો હતો. ખાસ કરીને એમણે કહ્યું હતું કે, ભારતનો વધતો મધ્યમ વર્ગ અને સરકારની નીતિસંચાલિત પહેલોએ ખાદ્ય પ્રસંસ્કરણ ઇકો-સિસ્ટમમાં તમામ પક્ષો માટે લાભદાયક અવસરો ઊભા કર્યા છે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારનાં ખેડૂતો માટે આંતરિક ખર્ચ ઘટાડવાનાં સંકલ્પ પર અને કૃષિ ઉત્પાદનનો બગાડ ઘટાડી નુકસાન ઓછું કરવા ભાર મૂક્યો હતો. એમણે ભારતમાં ઉત્પાદન પ્રક્રિયા વધારવા વૈશ્વિક સીઇઓને આવકાર આપ્યો હતો.
અગાઉ શ્રીમતી હરસિમરત કૌર બાદલે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં સરકારની રોકાણ નીતિઓને પ્રોત્સાહન આપવા માટેની ટૂંકમાં જાણકારી આપી હતી.